મુંબઈ: મુંબઈના કોસ્ટલ રોડ પર લાલા કોલેજ અને લોટસ જેટી નજીક રવિવારે વહેલી સવારે બીમડબ્લ્યુ કારનો ભયાનક અકસ્માત થયો હતો. સવારે લગભગ 5:20 વાગ્યે મરીન ડ્રાઈવથી હાજી અલી તરફ જઈ રહેલી બીમડબ્લ્યુ કાબૂ બહાર જઈ બ્રિજની બાઉન્ડરી સાથે અથડાઈ હતી અને ત્યારબાદ બ્રિજ પરથી નીચે બાંધકામ ચાલી રહેલા વિસ્તારમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે.
અકસ્માતને લઈને મુંબઈ ભાજપ અધ્યક્ષ અને ધારાસભ્ય અમિત સાટમે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. અમિત સાટમે કહ્યું હતું કે, મૃતકોની આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનોને આ મુશ્કેલ સમય સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરીએ છીએ.