ટ્રેન્ચલેસ ટૅક્નોલોજી સાથે જીઓપોલિમર લાઈનિંગનો ઉપયોગ કરી પાલિકા ડ્રેનેજ લાઈન મજબૂત બનાવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આગામી વર્ષોમાં અતિવૃષ્ટિ દરમ્યાન મુંબઈને પાણી ભરાવવાની સમસ્યાથી છૂટકારો મળવાની શક્યતા છે. મુંબઈ મહાનગરપાલિકાએ ટ્રેન્ચલેસ ટૅક્નોલોજી સાથે જિઓપોલિમર લાઈનિંગનો ઉપયોગ કરીને મુંબઈની ૧૦૦ વર્ષથી વધુ જૂની અંડરગ્રાઉન્ડ સ્ટોર્મ વોટર ડ્રેઈન (અંડરગ્રાઉન્ટ ગટરલાઈન)ને મજબૂત બનાવવાનું કામ હાથ ધર્યું છે. આનાથી તેમનું ઓછામાં ઓછું આયુષ્ય ૫૦ વર્ષ વધશે. તેમજ પાણીનો પ્રવાહ કરવાની તેની કાર્યક્ષમતા પણ સુધારો થવાથી ચોમાસા દરમ્યાન વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થશે. તેમ જ ભવિષ્યમાં જળબંબાકાર થવાની સમસ્યામાં પણ રાહત મળશે એવો દાવો પાલિકા પ્રશાસને કર્યો છે.
મુંબઈમાં પશ્ર્ચિમમાં અરબી સમુદ્ર છે અને મુંબઈમાં ખાડી પરિસર પણ છે. મુંબઈમાં આર્ચ-ટાઈપ (વળાંકવાળી ગટર લાઈન)અને બંધ ડ્રેનેજ નેટવર્ક દ્વારા વરસાદી પાણીનો નિકાલ ભરતી અને ઓટ પર પણ આધાર રાખે છે.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ તાજેતરના વર્ષોમાં હવામાન પરિવર્તનને કારણે મુંબઈમાં ચોમાસા દરમ્યાન થોડા દિવસોમાં જ લગભગ ૧,૦૦૦ મિલીમીટર વરસાદ પડ્યો છે. આવા ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. આ પૃષ્ઠભૂમિ સામે વરસાદી પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થાની ક્ષમતા બમણી કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હાલ શહેર વિભાગમાં ૪૯૫ કિલોમીટર લંબાઈની ડ્રેઈન લાઈન અને પૂર્વ તથા પશ્ર્ચિમ ઉપનગરમાં અનુક્રમે ૬૩ અને ૬૨૧ કિલોમીટર લંબાઈની આર્ચ ટાઈપની અંડરગ્રાઉન્ડ ડ્રેઈન લાઈન છે.
પાલિકા અધિકારીના જણાવ્યા મુજબ અંડરગ્રાઉન્ડ ગટરોની નિયમિત સફાઈ અને અંદર રહેલા કાદવને બહાર કાઢવાનું કામ ચાલતું હોય છે. આ દરમ્યાન પાલિકાના ઑપરેશન ઍન્ડ મેઈન્ટેન્સ વિભાગને સીસીટીવી સર્વેક્ષણ દરમ્યાન જૂના ભાગોમાં માળખાકીય ખામી જણાઈ આવી હતી, જેમાં બાંધકામમાં તિરાડ અને સાંધાઓમાં તિરાડ સાથે જ તેની છત ગમે ત્યારે ધરાશાયી થઈ જાય એવી હાલતમાં જણાઈ આવ્યું હતું.
લગભગ ૨૩,૫૪૮ મીટર સુધી ફેલાયેલા ૫૬ ડ્રેઈન ખામીયુક્ત હોવાનું ઓળખી કાઢવામાં આવ્યું હતું, જેમાં ૨૭ ડ્રેઈન ૧૪,૨૮૫ મીટર (ફેઝ-૧)ને તાત્કાલિક પુનર્વસનની જરૂર છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને પાલિકાએ રિસ્ટોરેશનનું કામ શરૂ કર્યું છે અને માળખાકીય બાંધકામને મજબૂત બનાવવા અને હાઈડ્રોલિક કામગીરી વધારવા માટે ૧૪ કિલોમીટરના પટ્ટામાં લાઈનિંગ કામગીરી ચાલી રહી છે.
ફેઝ-૧માં સ્ટોર્મ વોટર ડ્રેનેજ વિભાગે ટ્રેન્ચલેસ જિઓપોલિમર લાઈનિંગ ટૅક્નોલોજીનો ઉપયોગ કરીને શહેર વિસ્તારમાં આર્ચ-ટાઈપ ડ્રેઈનનું પુનર્વસન શરૂ કર્યું છે. પાલિકા દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આ પદ્ધતિ દેશમાં આ પ્રકારની પહેલી પદ્ધતિ છે. અન્ય દેશોમાં ખાસ કરીને યુનાઈટેડ સ્ટેટ્સમાં આવા કામ માટે મુખ્યત્વે આવી જ ટૅક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.
આઈઆઈટી અને વીજેટીઆઈની સલાહ
ઓપરેશન ઍન્ડ મેઈન્ટેન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આર્ચ-ટાઈપ પ્રકારના વરસાદી પાણીના ગટરોનું પુનર્વસન માટે યોગ્ય ટૅક્નોલોજી નક્કી કરી શકાય તે માટે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નોલોજી (આઈઆઈટી) મુંબઈ અને વીરમાતા જિજાબાઈ ટૅક્નોલોજી (વીજેટીઆઈ)ની સલાહ લેવામાં આવી હતી. પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ તેમની ભલામણને અનુસરીને ટૅક્નિકલ એવડાઈઝરી કમિટીએ નવેમ્બર ૨૦૨૨ની બેઠકમાં ટ્રેન્ચલેસ જિઓપોલિમર લાઈનિંગ ટૅક્નોલોજીનો ઉપયોગને મંજૂરી આપી હતી, જે હાલમાં સૌથી અસરકારક પુનર્વસન પદ્ધતિ તરીકે અમલમાં મુકાઈ રહી છે.
ડ્રેઈન લાઈનનું આયુષ્ય ૫૦ વર્ષથી વધી જશે
પાલિકાના સ્ટોર્મ વોટર ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનયર કલ્પના રાઉલે જણાવ્યું હતું કે હાલમાં ૧૪,૨૮૫ મીટર સુધી ફેલાયેલ ૨૭ અંડરગ્રાઉન્ડ આર્ચ-ટાઈમ સ્ટોર્મવોટર ડ્રેઈનનું કામ હાથ ધરવામા આવ્યું છે, જે લગભગ ૧૦૦ વર્ષ જૂના છે. આ કામ બાદ પાણીના પ્રવાહની કાર્યક્ષમતામાં સુધારો થઈને ડ્રેઈન લાઈનનું આયુષ્ય ઓછામાં ઓછું ૫૦ વર્ષ સુધી લંબાઈ જવાની અપેક્ષા છે. મહત્ત્વની વાત એ છે કે ઉપયોગમાં લેવાતી ટ્રેન્ચલેસ જિઓપોલિમર લાઈનિંગ ટૅક્નોલોજી પર્યાવરણીય રીતે ટકાઉ છે.