Thu Oct 01 2026

Logo

દોઢ દિવસની 61,500થી વધુ ગણેશ મૂર્તિનું કરાયું 'વિસર્જન': શાંતિપૂર્વક અપાઈ 'વિદાય'

2026-09-16 18:59:54
Author: Mumbai Samachar Team
દોઢ દિવસની 61,500થી વધુ ગણેશ મૂર્તિનું કરાયું 'વિસર્જન': શાંતિપૂર્વક અપાઈ 'વિદાય'

મુંબઈ: મુંબઈમાં દોઢ દિવસના ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કર્યા બાદ શ્રદ્ધાળુઓએ અત્યંત ભાવુક અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ગણપતિ બાપ્પાની મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા મળેલી માહિતી મુજબ, શહેરભરમાં વિવિધ કુદરતી જળાશયો અને કૃત્રિમ તળાવોમાં કુલ 61,500થી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

આ વિસર્જન પ્રક્રિયા દરમિયાન મુંબઈના ગિરગાંવ ચોપાટી, દાદર, જુહૂ, માર્વે અને અક્ષા જેવા અગ્રણી કુદરતી વિસર્જન સ્થળો તેમજ બીએમસી દ્વારા બનાવવામાં આવેલા સેંકડો કૃત્રિમ તળાવો પાસે પણ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ 'ગણપતિ બાપ્પા મોરયા, પુઢચ્યા વર્ષી લવકર યા'ના નારા સાથે વિગ્નહર્તાને ભાવભીની અંજલિ આપી હતી.

બીએમસીના અધિકૃત આંકડા અનુસાર, વિસર્જિત કરાયેલી પ્રતિમાઓમાં મોટી સંખ્યા ઘરગથ્થુ ગણપતિ સ્થાપનાઓની હતી. આ વર્ષે પર્યાવરણની જાળવણી પ્રત્યે લોકોમાં જાગૃતિ વધતાં હજારો નાગરિકોએ સ્થાનિક કૃત્રિમ તળાવોમાં જ મૂર્તિ વિસર્જન કરવાનું પસંદ કર્યું હતું, જેના કારણે મુખ્ય દરિયાકિનારાઓ પરનું દબાણ ઘણું ઓછું થયું હતું.

મુંબઈ પોલીસ અને પાલિકા પ્રશાસન માટે આટલી મોટી સંખ્યામાં વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પાર પાડવી એક મોટો પડકાર હતો. સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હજારો પોલીસ જવાનો, હોમગાર્ડ્સ અને એસઆરપીએફની ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. ઉપરાંત, દરિયાકિનારે લાઈફગાર્ડ્સ, બોટ અને ડ્રોન કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી.

પોલીસ પ્રશાસને રાહતનો શ્વાસ લેતાં જણાવ્યું હતું કે, સમગ્ર મુંબઈ શહેરમાં દોઢ દિવસના વિસર્જન દરમિયાન કોઈ પણ જાતની અપ્રિય ઘટના કે અકસ્માત નોંધાયો નથી. વાહનવ્યવહારના સુચારૂ સંચાલન માટે ટ્રાફિક પોલીસે અગાઉથી જ ડાયવર્ઝન અને ખાસ માર્ગદર્શિકા જાહેર કરી હતી, જેથી સામાન્ય નાગરિકોને મુશ્કેલી પડી નહોતી.

બીએમસીએ સુચારૂ વિસર્જન માટે તમામ વિસર્જન સ્થળો પર કંટ્રોલ રૂમ, પ્રાથમિક સારવાર કેન્દ્રો, ક્રેન સુવિધા અને સ્વચ્છતા કામદારોની વિશેષ ટીમ તૈનાત કરી હતી. પ્રશાસને શાંતિપૂર્ણ ઉજવણી અને સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા બદલ મુંબઈના નાગરિકો અને સાર્વજનિક ગણેશોત્સવ મંડળોનો આભાર માન્યો હતો.