નિલેશ વાઘેલા
મુંબઈ: મોર્ગન સ્ટેનલી કેપિટલ ઈન્ટરનેશનલ શેરઆંકમાં ફરી ફેરફાર થઈ રહ્યો છે અને તેની અસર શેરબજારમાં જોવા મળશે. એમએસસીઆઈ ઇન્ડેક્સમાં અદાણી સહિત ચાર કંપનીની એન્ટ્રીથી લાખો ડોલર ઠલવાશે. જોકે એ જ સાથે કેટલાક શેરોની એક્સિટ સાથે આઉટફલો પણ જોવા મળશે, પરંતુ તેનું પ્રમાણ ઈન્ફ્લો કરતા સરખામણીએ ઓછું રહેશે.
ગ્લોબલ ઇન્ડેક્સ પ્રોવાઇડર MSCIએ આજે ગુરુવારે જાહેર કર્યું છે કે તે તેના વ્યાપકપણે ટ્રેક કરાયેલા ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાં ચાર ભારતીય કંપનીઓનો ઉમેરો કરશે અને એ જ સમયે, ઓગસ્ટ મહિનાની સમીક્ષાના ભાગરૂપે ત્રણ કંપનીઓને દૂર કરશે, જે ગ્લોબલ પેસીવ પોર્ટફોલિયોમાં ભારતના પ્રતિનિધિત્વમાં સતત ફેરફાર પર ભાર મૂકે છે.
MSCIએ જણાવ્યું હતું કે, 31 ઓગસ્ટ, 2026 ના રોજ ટ્રેડિંગ બંધ થયા પછી આ ફેરફારો લાગુ કરવામાં આવશે અને પહેલી સપ્ટેમ્બરથી અમલમાં આવશે.
ઈન્ડેક્સમાં પ્રવેશ મેળવનારી ભારતીય કંપનીઓમાં લૌરસ લેબ્સ, લેન્સકાર્ટ, અદાણી એનર્જી સોલ્યુશન્સ અને ગ્રોવનો સમાવેશ થાય છે.
જ્યારે ઇન્ડેક્સમાંથી બહાર જનારી કંપનીઓમાં બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ, SBI કાર્ડ્સ અને એસ્ટ્રલનો સમાવેશ છે.
આ ફેરફાર બાદ, મુખ્ય MSCI ઇન્ડેક્સમાં ભારતીય ઘટકોની સંખ્યા 165થી વધીને 166 સુધી પહોચશે. નુવામા અલ્ટરનેટિવ અને ક્વોન્ટિટેટિવ રિસર્ચ અનુસાર, ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાં ભારતનું વેઇટેજ પણ 11.8 ટકા થી વધીને 11.9 ટકા થશે.
આ સમાવેશથી એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ અને MSCI બેન્ચમાર્કને અનુસરનારા અન્ય પેસીવ ઇન્વેસ્ટર દ્વારા નોંધપાત્ર ખરીદી થવાની અપેક્ષા છે.
નુવામા અલ્ટરનેટિવ અને ક્વોન્ટિટેટિવ રિસર્ચે લૌરસ લેબ્સ માટે લગભગ $598 મિલિયન, લેન્સકાર્ટ માટે $352 મિલિયન, અદાણી એનર્જી સોલ્યુશન્સ માટે $310 મિલિયન અને ગ્રોવ માટે $256 મિલિયનના સંભવિત આંતર પ્રવાહનો અંદાજ લગાવ્યો છે.
તેનાથી વિપરીત, બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ, SBI કાર્ડ્સ અને એસ્ટ્રલ અનુક્રમે $169 મિલિયન, $143 મિલિયન અને $138 મિલિયનના અંદાજિત પેસીવ આઉટફ્લોનો અંદાજ જાહેર કર્યો છે.