નવી દિલ્હીઃ ગત સપ્તાહે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહેતાં ટોચની 10 કંપનીઓ પૈકી પાંચ કંપનીઓનાં માર્કેટકેપમાં રૂ. એક લાખ કરોડ સુધીનું ધોવાણ થયું હતું, જેમાં આઈટી ક્ષેત્રની અગ્રણી કંપની ટીસીએસમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો.
ગત સપ્તાહે ક્રૂડતેલના ભાવમાં વધારો ભૂરાજકીય અનિશ્ચિતતામાં વધારો અને વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ રહેતાં બજાર પર નકારાત્મક અસર પડતાં સાપ્તાહિક ધોરણે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ 0.62 ટકા અથવા તો 489.92 પૉઈન્ટ ઘટીને અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી 0.83 ટકા અથવા તો 204.65 પૉઈન્ટ ઘટીને બંધ રહ્યો હોવાનું રેલિગેર બ્રોકિંગ લિ.નાં રિસર્ચ વિભાગના સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ અજિત મિશ્રાએ જણાવ્યું હતું.
ગત સપ્તાહે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બૅન્ક, આઈસીઆઈસીઆઈ બૅન્ક, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા અને ટાટા ક્નસલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)નાં માર્કેટ કેપિટલાઈઝેશનમાં ઘટાડો થયો હતો, જ્યારે ભારતી એરટેલ, બજાજ ફાઈનાન્સ, લાર્સન ઍન્ડ ટૂબ્રો, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (એલઆઈસી) અને હિન્દુસ્તાન યુનીલિવરનાં માર્કેટકેપમાં સંયુક્તપણે રૂ. 55,149 કરોડનો વધારો થયો હતો.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહે આઈટી ક્ષેત્રની ટોચની કંપની ટીસીએસનું માર્કેટકેપ સૌથી વધુ રૂ. 34,263.28 કરોડના ધોવાણ સાથે રૂ. 8,53,506.85 કરોડની સપાટીએ રહ્યું હતું. ત્યાર બાદ અનુક્રમે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટકેપ રૂ. 31,869.13 કરોડ ઘટીને રૂ. 17,70,056.06 કરોડ, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાનું માર્કેટકેપ રૂ. 25,891.88 કરોડ ઘટીને રૂ. 9,85,829.96 કરોડ, એચડીએફસી બૅન્કનું માર્કેટકેપ રૂ. 7165.37 કરોડ ઘટીને રૂ. 11,20,802.10 કરોડ અને આઈસીઆઈસીઆઈ બૅન્કનું માર્કેટકેપ રૂ. 2792.65 કરોડ ઘટીને રૂ. 10,17,577.98 કરોડની સપાટીએ રહ્યું હતું.
જોકે, સપ્તાહ દરમિયાન એલઆઈસીનું માર્કેટકેપ રૂ. 26,438.49 કરોડ ઘટીને રૂ. 5,23,330.31 કરોડ, ભારતી એરટેલનું માર્કેટકેપ રૂ. 20,592.13 કરોડ વધીને રૂ. 12,43,016.11 કરોડ, બજાજ ફાઈનાન્સનું માર્કેટકેપ રૂ. 3548.79 કરોડ વધીને રૂ. 6,77,197.34 કરોડ, લાર્સન ઍન્ડ ટૂબ્રોનું માર્કેટકેપ રૂ. 2490.66 કરોડ વધીને રૂ. 5,58,973.11 કરોડ અને હિન્દુસ્તાન યુનીલિવરનું માર્કેટકેપ રૂ. 2079.38 કરોડની સપાટીએ રહ્યું હતું.
વૅલ્યૂએશન્સની દૃષ્ટિએ સપ્તાહના અંતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.એ ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું. ત્યાર બાદ અનુક્રમે ભારતી એરટેલ, એચડીએફસી બૅન્ક, આઈસીઆઈસીઆઈ બૅન્ક, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા, ટીસીએસ, બજાજ ફાઈનાન્સ, લાર્સન ઍન્ડ ટૂબ્રો, એલઆઈસી અને હિન્દુસ્તાન યુનીલિવર રહ્યા હતા.