ભરત ભારદ્વાજ
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાનમોહન યાદવ તથા તેમના પરિવારનાં જમીન કૌભાંડનો ભાંડો ફૂટતા ખળભળાટ મચ્યો છે. ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ માટે જાણીતા દેશના ટોચના અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે, મોહન યાદવ તથા તેમના પરિવારના સભ્યોએ ઝડપથી વિકસી રહેલા ઉજજૈનમાં હાઈવે તથા બીજા મહત્ત્વના પ્રોજેક્ટ્સની જાહેરાત પહેલાં તેની આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં જમીનો ખરીદીને અને પછી આ જમીનો પર પ્રોજેક્ટ્સ ડેવલપમેન્ટના કરાર કરીને જંગી ભ્રષ્ટાચાર આચર્યો છે.
મોહન યાદવનાં પત્ની સીમા યાદવ, પુત્ર વૈભવની પત્ની શાલિની, ભાઇઓ નંદલાલ અને નારાયણ, નારાયણની પત્નિ રેખા અને પુત્ર અભય, કાકાના દીકરા એટલે કે પિતરાઈ ભાઈઓ નીલેશ અને ગોવિંદ યાદવનાં નામે ખરીદાયેલી લગભગ દોઢસો એકર જેટલી જમીન નવા બનનારા હાઈવે તથા બીજા રસ્તાઓની નજીક છે.
આ જમીનોની ખરીદી પછી તરત હાઈવે-રોડની જાહેરાત થઈ તેથી જમીનોના ભાવ વધી ગયા. એ પછી યાદવ પરિવારે ચાર અલગ અલગ રીયલ એસ્ટેટ કંપનીઓ સાથે જમીન ડેવલપ કરીને પ્રોજેક્ટ્સ તૈયાર કરવાના કરાર કરી નાખ્યા.
બે વર્ષમાં રીયલ એસ્ટેટ કંપની રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બાંધકામ કરી નાખે પછી 65 ટકાથી વધારે તૈયાર માલ યાદવ પરિવારને આપવાનો રહે ને યાદવ પરિવાર તેનો ઉપયોગ પોતાના માટે કે વેચાણ માટે કરી શકે એવા કરાર કરાયા છે. યાદવ પરિવારે લગભગ 45 કરોડમાં ખરીદેલી આ જમીન પર બનનારા રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સ રીટેઈલ માર્કેટમાં પાંચેક હજાર કરોડ રૂપિયા કરતાં વધારેમાં વેચાશે એવો અંદાજ છે.
યાદવ પરિવાર સાથે કરાર કરનારી કંપનીઓએ બાંધકામ કરી આપવાનો રહેશે ને તેના બદલામાં તેમને માંડ 32 ટકા તૈયાર માલ મળશે તેથી રીયલ એસ્ટેટ કંપનીઓ ઝાઝું નહીં કમાય પણ યાદવ પરિવાર અબજોમાં આળોટતો થઈ જશે. વાસ્તવમાં કોઈ રીયલ એસ્ટેટ કંપની પોતાને સારી કમાણી ના હોય એવા કરાર ના કરે પણ મોહન યાદવે પોતે બધી મલાઈ ખાઈ શકે એ પ્રકારના કરાર કરવાની ફરજ પાડી હોવાનું પણ કહેવાય છે.
મોહન યાદવે બિઝનેસ કરતા હોય એવો દેખાડો કરીને મહાકૌભાંડ કર્યું હોવાનો દાવો રિપોર્ટમાં કરાયો છે. મોહન યાદવે પહેલાં પોતાના પરિવારને અબજોનો ફાયદો કરાવવા માટે સાવ સસ્તા ભાવે કાચી જમીનો ખરીદાવી ને પછી ત્યાં હાઈવે-રોડના પ્રોજેક્ટ જાહેર કરી દીધા. યાદવ પરિવાર આ જમીન વેચીને કરોડો કમાઈ જ શક્યો હોત પણ તેના બદલે યાદવે પોતાનો પાવર બતાવીને આખો લાડવો પોતાનો પરિવાર જ ખાય એવો ખેલ પાડી દીધો.
ઉજજૈનના વિકાસ માટેનો ઉજજૈન માસ્ટર પ્લાન 2023માં બહાર પડાયો એ પહેલાંથી મોહન યાદવે મોટા પ્રમાણમાં જમીનો ખરીદી હતી. માસ્ટર પ્લાન બહાર પડાયો તેમાં રોડ-રસ્તા ક્યાં બનશે એ નક્કી નહોતું કરાયું. યાદવ 2024ના જાન્યુઆરીમાં મુખ્યમંત્રી બન્યા પછી એ નક્કી થયું પણ એ પહેલાં યાદવ પરિવારે ધડાધડ જમીનો ખરીદવા માંડી હતી. મોહન યાદવ મુખ્ય પ્રધાન બનતાં જ યાદવ પરિવારે પહેલાં ને પછી ખરીદેલી બધી જમીનોની આસપાસ હાઈવ-રોડ બનાવવાનું એલાન કરી દેવાયું તેમાં યાદવ પરિવારને ઘી-કેળાં થઈ ગયાં.
કૉંગ્રેસે યાદવ પરિવારના કૌભાંડને પગલે મોહન યાદવનાં રાજીનામાની માગ કરી છે જ્યારે ભાજપે આ રિપોર્ટને બકવાસ ગણાવ્યો છે. ભાજપનુું કહેવું છે કે, જ્યારે પણ કોઈ પછાત વર્ગની વ્યક્તિ મુખ્ય પ્રધાન બને ત્યારે તેને પાડી દેવા માટે કાવાદાવા થાય છે. તેના ભાગરૂપે આ આક્ષેપો કરાઈ રહ્યા છે. યાદવ પહેલેથી બિલ્ડર છે ને કરોડોમાં આળોટે છે એ જોતાં એ કઈ રીતે પછાત વર્ગના કહેવાય એ ખબર નથી પણ ભાજપ બેશરમીથી પછાત વર્ગનું કાર્ડ રમીને બચાવ કરી રહ્યો છે.
આશ્ચર્યજનક રીતે સમાજવાદી પાર્ટીના મુખિયા અખિલેશ યાદવે પણ મોહન યાદવનો બચાવ કર્યો છે. અખિલેશ યાદવ હોવાના નાતે ભાઈચારો બતાવી રહ્યા છે કે પછી બીજું કોઈ કારણ છે તેની તેમને જ ખબર પણ અખિલેશે વિચિત્ર બચાવ કર્યો છે કે, મોહન યાદવ તથા તેમનો પરિવાર પહેલાંથી રીયલ એસ્ટેટ અને જમીનોની લે-વેચ સાથે સંકળાયેલો છે તેથી આ ખરીદીમાં કશું ખોટું નથી. અખિલેશના કહેવા પ્રમાણે, મોહન યાદવ તથા તેમના પરિવારે તો 146 એકર જમીન જ ખરીદી, જ્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તો 500થી 600 એકર જમીન ખરીદી છે એ જોતાં મોટા ચોર તો યોગી છે.
અખિલેશે એવી વિચિત્ર થિયરી પણ રજૂ કરી છે કે, મોહન યાદવ ભાજપની આંતરિક લડાઈનો ભોગ બની રહ્યા છે. વાસ્તવમાં ભાજપ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને બદલવા માગે છે પણ યોગીને સીધું કશુ કહેવાની હિંમત નથી તેથી એક સાથે ત્રણ મુખ્ય પ્રધાનોને બદલી નાંખવાનો કારસો કરાયો છે.
યોગીની સાથે રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા અને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવને પણ ઘરભેગા કરી દેવાશે કે જેથી યોગી તરફ બહુ ધ્યાન ના જાય. અખિલેશની થિયરી મોં-માથા વિનાની છે કેમ કે યોગીને બદલવા માટે બીજા બે મુખ્યમંત્રીનો ભોગ લેવાની વાત ગળે ઉતરે એવી નથી. યોગીને બદલવા જ હોય તો ભાજપ હાઈકમાન્ડ સીધો નિર્ણય લઈ શકે. તેના માટે બીજાં કોઈ નાટક કરવાની જરૂર નથી.
મોહન યાદવે દેખીતી રીતે જ કૌભાંડ કર્યું એ સ્પષ્ટ છે પણ આપણે ત્યાં આ પ્રકારનાં કૌભાંડોની નવાઈ નથી. ભારતમાં સત્તામાં બેઠેલા મોટા ભાગના મુખ્ય પ્રધાનો જમીન કૌભાંડો કરે છે ને માલદાર થાય જ છે. ભાજપ, કૉંગ્રેસ ને પ્રાદેશિક પક્ષોના ઘણા નેતા આવાં કૌભાંડો કરીને માલદાર બનેલા જ છે.
મોહન યાદવે પણ એ જ રસ્તો અપનાવ્યો છે. આપણે ત્યાં રાજકીય પક્ષોના મોવડીઓને આવાં કૌભાંડોનો છોછ નથી ને ભાગ્યે જ કોઈ મુખ્ય પ્રધાન જમીન કૌભાંડોના કારણે ઘરભેગો થાય છે. ભાજપ તો મીડિયા રિપોર્ટને કાને ધરતો જ નથી એ જોતાં મોહન યાદવને આ કૌભાંડ માટે કશું કરે એવી આશા જ રાખવા જેવી નથી.
ભાજપમાં આંતરિક લડાઈ ચાલે છે એ વાત સાચી છે, પણ એવું તો ક્યાં નથી? દરેક રાજકીય પક્ષમાં ટાંટિયાખેંચ હોય જ છે. ભાજપ સત્તામાં છે ને સત્તામાં માલમલિદા-મલાઈ વધારે હોય છે તેથી ભાજપમાં વધારે છે. મોહન યાદવના પરિવારની આખી કરમકુંડળી મીડિયા પાસે એમ જ તો પહોંચી નહીં જ હોય.
ભાજપમાંથી કોઈએ મદદ કરી જ હશે, પણ ભ્રષ્ટ માણસ કોની નજીક છે તેના આધારે ટકી જતો હોય છે. મોહન યાદવ અત્યાર લગી ભાજપ હાઈકમાન્ડના માનીતા છે તેથી તેમને પણ ટકી જવામાં વાંધો નહીં આવે.