જોકે ઑકિબ નબીએ મૅચમાં કુલ નવ વિકેટ લઈને જમ્મુ-કાશ્મીરને ફાઇનલની નજીક લાવી દીધું, કર્ણાટકનો 736 રનનો ખડકલો
કલ્યાણી (પશ્ચિમ બંગાળ): 35 વર્ષના પેસ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami) 33 મહિનાથી ટેસ્ટ ટીમની અને એક વર્ષથી ટીમ ઇન્ડિયાની વન-ડે તથા ટી-20 ટીમની બહાર છે અને તેણે કમબૅક કરવા અનેક વખત ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પર્ફોર્મ કર્યું છે, પરંતુ સિલેક્ટરો પ્રભાવિત થતા જ નથી અને એવામાં તેણે અહીં જમ્મુ-કાશ્મીર (J & K) સામેની પાંચ-દિવસીય રણજી સેમિ ફાઇનલમાં પ્રથમ દાવમાં પશ્ચિમ બંગાળ વતી 90 રનમાં આઠ વિકેટ લઈને પસંદગીકારોને આડકતરી રીતે વધુ એક વખત ઇશારો કર્યો છે કે હવે તો તેને આંતરરાષ્ટ્રીય સિરીઝ માટે સિલેક્ટ કરશો કે નહીં?
રવિવારે શરૂ થયેલી આ રણજી મૅચમાં બંગાળે સુદીપ કુમાર ઘરામીના 146 રનની મદદથી 328 રન કર્યા હતા. જમ્મુ-કાશ્મીરના પેસ બોલર ઑકિબ નબીએ પાંચ વિકેટ લીધી હતી. ત્યાર બાદ જમ્મુ-કાશ્મીરની ટીમને 302 રન સુધી સીમિત રખાવવામાં શમી (22.1-3-90-8)નું સૌથી મોટું યોગદાન હતું. પ્રવાસી ટીમના 302 રનમાં અબ્દુલ સમદના 82 રન અને કૅપ્ટન પારસ ડોગરાના 58 રન સામેલ હતા.
બંગાળ (Bengal)ને 26 રનની સરસાઈ મળી, પણ બીજા દાવમાં નબીની ચાર વિકેટને લીધે બંગાળનો દાવ 99 રનમાં સમેટાઈ ગયો હતો. જમ્મુ-કાશ્મીરે માત્ર 126 રનના લક્ષ્યાંક સામે 46 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી અને જીતવા બીજા 83 રન કરવાના બાકી હતા.
PTI
લખનઊની બીજી સેમિ ફાઇનલમાં કર્ણાટકે કૅપ્ટન દેવદત્ત પડિક્કલ (232 રન, 330 બૉલ, ત્રણ સિક્સર, ઓગણત્રીસ ફોર)ની ડબલ સેન્ચુરી તેમ જ કે. એલ. રાહુલ (141 રન, 211 બૉલ, પાંચ સિક્સર, અગિયાર ફોર) અને રવિચન્દ્રન સ્મરણ (135 રન, 216 બૉલ, બાર ફોર)ની સેન્ચુરીની મદદથી 736 રન કર્યા બાદ ઉત્તરાખંડની ટીમે મંગળવારના ત્રીજા દિવસે 149 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.