Fri Apr 17 2026

Logo

મેલ મેટર્સઃ ફિટનેસને લઈને આપણે ખરેખર સાચા રસ્તે છીએ? ... કે પછી ફક્ત ફિટ હોવાના ભ્રમમાં જીવીએ છીએ?

2026-03-26 10:02:00
Author: Ankit Desai
Article Image

અંકિત દેસાઈ

આજના સમયમાં પુરુષો માટે સ્વાસ્થ્યનો અર્થ બદલાઈ ગયો છે.એક જમાનામાં પુરુષના સ્વાસ્થ્યનું માપદંડ તેની કાર્યક્ષમતા, તેનો સ્ટેમિના અને તેની મહેનત કરવાની ક્ષમતા હતી.આજે આ માપદંડ ઇન્સ્ટાગ્રામની રીલ્સ, ટાઇટ ટી-શર્ટમાં દેખાતા બાઇસેપ્સ અને ‘કીટો’ કે ‘વેગન’ જેવા વિદેશી શબ્દોના પ્રયોગો પર આવીને અટકી ગયો છે.    
 
સવારના પહોરમાં ઓફિસ જવાની તૈયારી કરવાને બદલે આધુનિક પુરુષ અરીસા સામે ઊભો રહીને પોતાની બોડીલાઈન ચેક કરે છે અને પછી સોશ્યલ મીડિયા પર ‘ફિટનેસ ગોલ્સ’ હેશટેગ સાથે ફોટો મૂકે છે. જોકે આ ‘ફિટ’ દેખાવાની લાયબ્રેરીમાં આપણે ક્યાંક આપણું અસલી સ્વાસ્થ્ય ખોઈ બેઠા છીએ. 

આપણે કીટો અને ફીટોના રવાડે એવા ચઢ્યા છીએ કે આપણને કુદરતી ભૂખ અને કૃત્રિમ ડાયેટ વચ્ચેનો તફાવત સમજાતો બંધ થઈ ગયો છે. પુરુષોમાં અત્યારે એક એવો ટ્રેન્ડ ચાલ્યો છે જેમાં એ પોતાના શરીરને એક મશીન સમજી બેઠા છે, જેને પ્રોટીન પાવડર અને જિમના ભારે વજનથી જ મેન્ટેન કરી શકાય તેવું એ બધા માને છે.

ખરેખર તો પુરુષ માટે શારીરિક શ્રમ એ કોઈ નવી વાત નહોતી. આપણા પિતા કે દાદાના સમયમાં કોઈએ ‘વર્કઆઉટ’ શબ્દ સાંભળ્યો પણ નહોતો, છતાં તેમની મજબૂતી આજે પણ આપણને આશ્ર્ચર્યમાં મૂકી દે તેવી હોય છે. તેનું કારણ એ હતું કે તેમનું આખું જીવન જ એક સતત ચાલતી કસરત હતી. 

સાઈકલ ચલાવીને નોકરીએ જવું, બજારમાંથી શાકભાજીની ભારે થેલીઓ ઉપાડીને લાવવી, ઘરમાં કઈ બગડ્યું હોય તો જાતે રિપેર કરવું કે ખેતરમાં કલાકો સુધી પરસેવો પાડવો આ બધું જ તેમના રૂટિનનો ભાગ હતું. આજે આપણે આ બધું કરવા માટે ’સર્વન્ટ’ કે ‘એપ’ પર નિર્ભર છીએ. આપણે લિફ્ટ વગર બીજા માળે ચઢવામાં હાંફી જઈએ છીએ, પણ જિમમાં જઈને લેગ-પ્રેસ મશીન પર 50-60  કિલો વજન ઊંચકીને ગર્વ લઈએ છીએ. 

આ તે કેવું સ્વાસ્થ્ય? જે શરીર ઘરના સામાન્ય કામમાં સાથ ન આપે પણ જિમના એસી વાતાવરણમાં ચમકે, તેને આપણે ખરેખર મજબૂત કહી શકીએ ખરા? આપણે ટેકનોલોજીના ગુલામ બનીને આપણી કુદરતી ક્ષમતાઓને મારી નાખી છે અને પછી તેને પાછી મેળવવા માટે મોંઘા ડાયેટ પ્લાન્સ પાછળ દોડી રહ્યા છીએ.

આ કીટો ડાયેટ કે એવા જ બીજા ફેન્સી ડાયેટ પાછળ દોડતો આજનો પુરુષ અંદરથી કેટલો પોચો છે તે તેની ઈમ્યુનિટી પરથી સમજાય છે. ઓફિસમાં થોડું કામનું દબાણ વધે કે તરત જ તેને બ્લડપ્રેશરની તકલીફ થવા લાગે છે અથવા રાત્રે ઊંઘ નથી આવતી. આપણે માનસિક શાંતિને સ્વાસ્થ્યનો ભાગ ગણવાનું ભૂલી ગયા છીએ. આપણા વડવાઓ પાસે ભલે આધુનિક સુવિધાઓ ઓછી હતી, પણ તેમની પાસે ‘સંતોષ’ હતો. તે જે જમતા તે ડર્યા વગર જમતા. 

આજે આપણે ઘીનો એક ચમચો ખાતા પહેલા દસ વાર વિચારીએ છીએ કે ક્યાંક કોલેસ્ટ્રોલ ન વધી જાય, જ્યારે આપણા દાદા દરરોજ ચોખ્ખા ઘીનો આહાર લેતા અને તોય નેવું વર્ષની ઉંમરે પણ લાકડી વગર ચાલતા. તેમના લોહીમાં શુદ્ધતા હતી, કારણ કે તેમનો ખોરાક કુદરતી હતો અને તેમની ઊંઘ ગાઢ હતી. આજે આપણે ‘સ્લીપ ટ્રેકર’ પહેરીને સુઈએ છીએ, છતાં સવારે ઊઠીએ ત્યારે તાજગી અનુભવતા નથી. આનું કારણ એ છે કે આપણે કુદરતના નિયમો તોડીને વિજ્ઞાનના કૃત્રિમ નિયમો પાછળ પાગલ થયા છીએ.

પુરુષોમાં વધતો જતો સપ્લિમેન્ટ્સનો ક્રેઝ પણ ચિંતાનો વિષય છે. સ્નાયુબદ્ધ દેખાવા માટે ડબ્બા ભરી ભરીને કેમિકલ્સયુક્ત પાવડર પીવા અને પછી તેની અસરોને છુપાવવા માટે બીજી દવાઓ લેવી એ આજના યુવા પુરુષોની ફેશન બની ગઈ છે. 

આપણે ભૂલી ગયા છીએ કે સાચી તાકાત હાડકાં અને સ્નાયુઓની અંદરની મજબૂતીમાં છે, માત્ર ફૂલેલા બાઇસેપ્સ-બાવડામાં નહીં. જે પુરુષ પોતાના સંતાનને ખભા પર બેસાડીને કિલોમીટરો સુધી ચાલી ન શકે અથવા જે પોતાના ઘરનું ભારે ફર્નિચર ખસેડવામાં બીજાની મદદ લેવી પડે, તે ગમે તેટલો મોંઘો ડાયેટ ફોલો કરતો હોય તો પણ તે ‘અનફિટ’ જ છે. 

આપણે શારીરિક દેખાવને જ સ્વાસ્થ્ય માની લીધું છે. આ માનસિકતા આપણને અંદરથી ખોખલા કરી રહી છે. જીવનના આઠ-નવ દાયકા નિરોગી રહીને જીવવાનો જે મંત્ર આપણા પૂર્વજો પાસે હતો, તે માત્ર ‘રૂટિન’ હતું. તેમની પાસે કોઈ ચોક્કસ સમય નહોતો કે ‘આ સમયે જ એક્સરસાઇઝ કરવી’, તેમનો આખો દિવસ જ સક્રિયતાથી ભરેલો હતો.

આજના પુરુષે એ વિચારવાની જરૂર છે કે શું તે ખરેખર ફિટ છે કે માત્ર ફિટ દેખાય છે? જો આપણે સવારે વહેલા ઊઠી શકતા નથી, જો આપણે તડકામાં કામ કરી શકતા નથી, જો આપણે મોસમ બદલાતા જ બીમાર પડી જઈએ છીએ, તો આપણા કીટો ડાયેટ અને જિમના પ્રોગામ્સ નિષ્ફળ છે. સ્વાસ્થ્ય તંદુરસ્તી એ કોઈ ફેશન સ્ટેટમેન્ટ નથી, એ તો જીવવાની કળા છે. આપણે ફરીથી એ જ સાદગી તરફ વળવું પડશે જ્યાં ઘરનું જમવાનું શ્રેષ્ઠ હતું અને શરીરનો શ્રમ એ જ શ્રેષ્ઠ વ્યાયામ હતો. 

સોશ્યલ મીડિયાના ટ્રેન્ડ્સ તો બદલાતા રહેશે, આજે કીટો છે તો કાલે બીજું કંઈક હશે, પણ માનવ શરીરની જે જરૂરિયાત છે તે ક્યારેય બદલાવાની નથી. શુદ્ધ હવા, પૂરતું પાણી, ઘરનો સાદો ખોરાક અને નિયમિત શારીરિક હલનચલન આ જ નિરોગી રહેવાના પાયાના સિદ્ધાંત છે. આપણે જેટલા કુદરતની નજીક રહીશું, તેટલા જ આપણે રોગોથી દૂર રહીશું.

વૃદ્ધાવસ્થામાં પણ અડીખમ રહેલા પેલા દાદાની યાદ તાજી કરો જે કદાચ બીડી પીતા હશે, પણ સવારથી સાંજ સુધી ખેતરમાં હળ ચલાવતા હશે. તેમની મજબૂતી પાછળનું રહસ્ય તેમનો સતત પરસેવો પાડવાની આદત હતી. આજે આપણે પરસેવો પાડવા માટે એસી રૂમમાં જવું પડે છે, તે આપણી સંસ્કૃતિની મોટી હાર છે. જો આપણે ખરેખર આવનારી પેઢીને કંઈક શીખવવું હોય તો આપણે પોતે આ ‘ફેન્સી ફિટનેસ’ના ભ્રમમાંથી બહાર આવવું પડશે. 

પુરુષે મજબૂત હોવું જોઈએ, માત્ર દેખાવમાં નહીં પણ સ્વભાવમાં અને શરીરની ક્ષમતામાં. જ્યારે આપણે આપણા રૂટિનને સુધારીશું, જ્યારે આપણે ટૂંકા રસ્તે ફિટ થવાની લાલચ છોડીશું અને જ્યારે આપણે શારીરિક શ્રમને ગૌરવ ગણીશું ત્યારે જ આપણે સાચા અર્થમાં ‘ફીટ’ થઈશું, નહીંતર આ કીટોના ચક્કરમાં આપણે ક્યારે હૉસ્પિટલના ખાટલે પહોંચી જઈશું તેની ખબર પણ નહીં રહે. સાચું સ્વાસ્થ્ય એ જિમની બહારની દુનિયામાં છે, જ્યાં આપણે સાચા જીવનના પડકારો સામે લડવાનું હોય છે.