Mon May 25 2026

Logo

માછલી છે પણ તરવાનું નામ સાંભળીને પરસેવો છૂટી જાય! જોઈ છે ક્યારેય સમુદ્રમાં દોડતી માછલી?

2026-05-25 22:38:07
Author: Darshana Visaria
Article Image

કુદરતે આ પૃથ્વી પર અને ખાસ કરીને અફાટ સમુદ્રના પેટાળમાં એવા-એવા અદભુત અને વિચિત્ર જીવોનું સર્જન કર્યું છે, જેને જોઈને વિજ્ઞાન પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. સામાન્ય રીતે આપણે માછલીઓને પાણીમાં તરતી જ જોઈ છે, પરંતુ શું તમે ક્યારેય એવી માછલી વિશે સાંભળ્યું છે જેને તરતા નથી આવડતું અને તે સમુદ્રના તળિયે માણસની જેમ 'વોક' કરે છે? એટલું જ નહીં, તેના હોઠ જોઈને એવું લાગે જાણે તેણે મોંઘીદાટ લાલ લિપસ્ટિક લગાવી હોય...

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર, આ અતિ દુર્લભ અને અનોખી માછલીનું નામ છે 'રેડ-લિપ્ડ બેટફિશ'. સમુદ્રની ઊંડાઈમાં છુપાયેલા આ ગ્લેમરસ જીવની વિશેષતાઓ અને તેની ખાસિયતો વિશે જાણીને તમે પણ ચોંકી ઉઠશો. 

દુનિયાભરના દરિયાઈ વૈજ્ઞાનિકો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બનેલી આ રેડ-લિપ્ડ બેટફિશ મુખ્યત્વે પેસિફિક મહાસાગરમાં આવેલા પ્રખ્યાત 'ગેલાપાગોસ આઇલેન્ડ'ની આસપાસના દરિયામાં જોવા મળે છે. તે સમુદ્રની સપાટીથી આશરે 100થી 300 ફૂટની ઊંડાઈમાં અંધારાવાળા વિસ્તારોમાં રહેવાનું પસંદ કરે છે.

હોઠ પર લાલચોળ લિપસ્ટિકનું અસલી રહસ્ય 
આ માછલીનો ચહેરો જોતાં જ સૌથી પહેલી નજર તેના ઘેરા લાલ રંગના હોઠ પર પડે છે, જેને જોઈને એવું લાગે કે જાણે તે કોઈ બ્યુટી પાર્લરમાંથી મેકઅપ કરીને આવી હોય! વૈજ્ઞાનિકોના મતે, તેના આ લાલ હોઠ પાછળ એક ખાસ જૈવિક કારણ છે. સમુદ્રના ઘાટા અંધકારમાં આ લાલ રંગ શિકાર કરવા માટે અને પોતાની પ્રજાતિના અન્ય જીવોને સિગ્નલ આપવા માટે રડાર જેવું કામ કરે છે.

માછલી હોવા છતાં તરતા નથી આવડતું! (The Fish That Walks)
તમને જાણીને નવાઈ લાગશે પણ આ માછલીની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે એ અન્ય સામાન્ય માછલીઓની જેમ પાણીમાં સરસ રીતે તરી શકતી નથી. તેનું શારીરિક બંધારણ જ કંઈક અલગ છે. ઉત્ક્રાંતિ દરમિયાન તેના પાંખિયા એટલા મજબૂત અને મોડિફાય થઈ ગયા છે કે તે પગ જેવા દેખાય છે. આ માછલી પોતાના આ 'નકલી પગ'ના સહારે સમુદ્રના તળિયે ખૂબ જ આરામથી ચાલે છે અને દોડે છે.

માથા પર છે 'કુદરતી ફિશિંગ રોડ' 
તમારી આ જાણકારી માટે આ વિચિત્ર માછલી એક શિકારી જીવ છે. તેના માથા પર એક ખાસ પ્રકારની એન્ટેના જેવી રચના હોય છે, જેને વિજ્ઞાનની ભાષામાં 'ઇલિયમ' તરીકે ઓળખવામાં આવે છે. આ એન્ટેનામાંથી એક વિશિષ્ટ સુગંધ અને પ્રવાહી નીકળે છે, જેનાથી આકર્ષાઈને નાની માછલીઓ, કરચલા અને ઝીંગા તેની નજીક આવે છે. જેવી નાની માછલીઓ નજીક આવે કે તરત જ આ બેટફિશ એક જ ઝાટકે તેનો શિકાર કરી લે છે.

તમે આ માછલીનો આકાર જોશો તો એનું મોઢું એકદમ ચામાચિડીયા જેવું ચપટું દેખાય છે, જેના કારણે તેનું નામ 'બેટફિશ' રાખવામાં આવ્યું છે. કુદરતની આ અદભુત ફેશન ક્વીન સોશિયલ મીડિયા પર પણ અવારનવાર વાઈરલ થતી રહે છે.