Mon May 25 2026

Logo

છોટા ઉદેપુરમાં જીતની ઉજવણીમાં નેતાઓએ બંદૂકો લહેરાવીને કર્યું પ્રદર્શન, જુઓ વીડિયો

2026-05-25 19:21:16
Author: Devayat Khatana
Article Image

છોટા ઉદેપુર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોને સત્તાવાર રીતે વિવિધ હોદ્દાઓની સત્તા મળી છે ત્યારે આ દરમિયાન છોટા ઉદેપુર જિલ્લામાં જીતની ઉજવણીમાં જાણે નેતાઓ સંયમ ભૂલ્યા હોવાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. રવિવારે છોટાઉદેપુર ખાતે તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણીના પરિણામો બાદ યોજાયેલા ભાજપના વિજયોત્સવમાં સ્થાનિક સાંસદ જશુભાઈ રાઠવા હાથમાં બંદૂક લઈને નાચતા જોવા મળ્યા હતા ત્યારે હવે છોટા ઉદેપુર તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ રમેશ રાઠવા પદ સંભાળ્યા બાદ હાથમાં હથિયારોને લઈને જોવા મળ્યા હતા. 

મળતી વિગતો અનુસાર, છોટા ઉદેપુર જિલ્લામાં લોકપ્રતિનિધિઓ દ્વારા જાહેરમાં હથિયારોના પ્રદર્શનના બનાવોએ ભારે ચર્ચા જગાવી છે. ગઈકાલે સોશિયલ મીડિયા પર સાંસદ જશુ રાઠવાનો બંદૂક સાથે નાચતો વીડિયો વાઈરલ થયો હતો, જ્યારે હવે છોટા ઉદેપુર તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ રમેશ રાઠવા પણ મોટા વિવાદમાં સપડાયા છે. પદ સંભાળતાની સાથે જ રમેશ રાઠવા બંને હાથમાં ખુલ્લેઆમ હથિયારો લહેરાવતા જોવા મળી રહ્યા છે, જેનો વીડિયો હાલ સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. લોકોએ તો એટલે સુધી પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે આ તો ગુજરાત છે કે ચંબલ. એક જમાનામાં ડાકુઓ પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માટે હથિયારો લઈને ડાન્સ કરતા, જેની છાપ ફિલ્મોમાં પણ જોવા મળતી હોય છે, જેનું પુનરાવર્તન ગુજરાતમાં થયું છે, એમ એક સ્થાનિકે જણાવ્યું હતું.

અહેવાલો અનુસાર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વરણી થયા બાદ રમેશ રાઠવાના સમર્થકો અને પક્ષના કાર્યકરો દ્વારા એક ભવ્ય વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જીતની ખુશીમાં કાયદાનો કોઈ પણ ડર રાખ્યા વિના પ્રમુખે પોતાના બંને હાથમાં બે મોટી બંદૂકો પકડી રાખીને તેનું ખુલ્લેઆમ પ્રદર્શન કર્યું હતું, જે સમગ્ર નજારો કોઈકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. 

આ અગાઉ 24મી મેના પ્રમુખની ચૂંટણીના પરિણામો બાદ યોજાયેલા ભાજપના વિજયોત્સવમાં સ્થાનિક સાંસદ જશુભાઈ રાઠવા પણ હાથમાં બંદૂક લઈને નાચતા જોવા મળ્યા હતા, જેના કારણે જવાબદાર લોકપ્રતિનિધિઓના આવા બેજવાબદાર વર્તન સામે અનેક સવાલો ઊભા થયા છે.