નીલા સંઘવી
દીકરી એટલે વહાલનો દરિયો. દીકરી એટલે મા-બાપનાં કાળજાનો કટકો. દીકરી એટલે માતાની સહેલી અને પાપાની પરી. આપણાં મનમાં તેમ જ સમાજમાં એક માન્યતા ખરી કે દીકરો મા-બાપને તરછોડે પણ દીકરી ન તરછોડે. દીકરી પોતાના કપરા સંજોગોમાં પણ માબાપને સાચવી લે. દીકરા કરતાં દીકરીને માતાપિતાનું વધારે દાઝે. સમાજમાં મોટાભાગે આપણને આ પ્રમાણેનું વાતાવરણ જોવાં મળે છે, પણ આ કળિયુગ છે અને કળિયુગમાં બધું ઊલટું થઈ શકે છે, કાંઈ પણ આપણે વિચારી ના શકીએ તેવું બની શકે છે. આવો જ એક પ્રસંગ અહીં આલેખવો છે.
કુસુમબહેનને એક દીકરો અને બે દીકરી. પતિનું અવસાન થયું ત્યારે કુસુમબહેન અને તેમના પતિ બંને દીકરા સાથે જ રહેતાં હતાં, તેથી પતિના અવસાન બાદ પણ સ્વાભાવિકપણે જ કુસુમબહેન ત્યાં જ રહે. પતિના અવસાન બાદ કુસુમબહેનને દીકરા-વહુના વર્તનમાં ફરક લાગવા માંડ્યો. થોડો વખત તો કુસુમબહેને નજરઅંદાજ કર્યું, પણ ધીમે ધીમે તેમને લાગ્યું કે વહુ મીઠું મીઠું બોલીને એક પછી એક બધાં જ કામ તેમની પર નાખવાં લાગી છે. પોતે શેઠાણીની જેમ બેસે છે અને કુસુમબહેન કામવાળીની માફક કામ કરે છે.
કુસુમબહેનને કામ કરવાનો જરાય વાંધો નથી. તેઓ કામઢાં છે. પતિની હાજરીમાં પણ તેઓ કાંઈ બેસી રહેતાં ન હતાં. વહુને કામમાં મદદ તો કરતાં જ હતાં. પણ એ મદદ તેઓ પોતાની મરજીથી કરતાં હતાં. કોઈવાર મન ન થાય તો ન પણ કરે. પણ હવે તો એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે ફરજિયાત તેમને કામ કરવું જ પડે. વહુ પોતાના રૂમમાંથી બહાર જ ન આવે. રસોઈ થઈ જાય પછી જમવા માટે જ બહાર આવે. જમીને પાછી રૂમમાં ઘૂસી જાય અને ટી.વી. જોવા માંડે. એટલે બધાના જમી રહ્યા પછીનો ઢાંકોઢૂંબો અને ગેસ વગેરે સાફ કરવાનું, દહીં જમાવવાનું બધું કામ કુસુમબહેને જ કરવું પડે.
મીઠું મીઠું બોલીને કામ કરાવતી વહુ ધીરેધીરે હુકૂમ છોડતી થઈ ગઈ. દીકરો બધું જોતો હતો પણ કાંઈ બોલતો ન હતો. એક દિવસ કુસુમબહેનને તાવ આવ્યો હતો, આખું શરીર કળતું હતું. પથારીમાં થી ઊભાં થવાનું મન થતું ન હતું તેથી સૂતાં રહ્યાં. વહુ આવીને બોલી, ‘કેમ મમ્મી, આજે રસોઈ નથી બનાવવાની?’
‘વહુ આજે મને ઠીક નથી. તું બનાવી લે.’
વહુ ચાલી ગઈ. થોડીવારમાં પાછી આવીને બોલી, ‘લો ક્રોસિન લઈ લો. આવી નાની નાની બાબતોમાં પડયા થોડું રહેવાય? ઊભાં થાવ ને દવા લઈને રસોડામાં જાવ.’
કુસુમબહેનને ન છૂટકે બધાં કામ કરવાં પડ્યાં. તેમને બહુ ખરાબ લાગ્યું. તેમણે નાની દીકરીને ફોન કરીને વાત કરી. દીકરી આવીને માને લઈ ગઈ.
નાની દીકરીને ત્યાં કુસુમબા સુખચેનથી રહેતાં હતાં. પાંચ-સાત વર્ષ થયાં અને જમાઈને અમેરિકા જવાનું થયું. થોડો વખત પછી દીકરીને પણ જવાનું થયું. હવે દીકરી મૂંઝાણી. માનું શું કરવું? તેણે પોતાના ભાઈને ફોન કરીને વાત કરી. ભાઈએ માને રાખવાની ચોખ્ખી ના પાડી દીધી. નાની દીકરીએ પોતાની મોટી બહેનને ફોન કરીને બધી વાત કરી અને માને તેનાં ઘરે રાખવા વિનંતી કરી. મોટી બહેન માને સાચવવા રાજી થઈ ગઈ. નાની બહેન નિશ્ચિંત થઈ ગઈ. તેણે માને મોટી બહેનને ત્યાં મૂકી દીધી.
મોટી બહેને માને થોડો સમય તો ઠીક રીતે સાચવી, પણ સમય જતા તે માને અપમાનિત કરવા લાગી. માને પણ જાણ ન થાય તે રીતે ગામમાં માનું ઘર હતું તે પોતાને નામે કરીને સહી કરાવી લીધી. મા પાસે જે થોડા ઘણાં પૈસા અને ઘરેણાં બચ્યાં હતાં તે હડપી લીધાં અને પછી માને કીધું કે ‘હવે મેં તને ઘણો વખત રાખી. હવે તું તારો રસ્તો કરી લે.’ મા તો ડરી જ ગઈ. હવે શું કરવું? નાની દીકરી તો છેક અમેરિકા હતી. કોને કહેવું? દીકરાને ફોન કર્યો, દીકરાએ ફરી ઇનકાર કરી દીધો.
કુસુમબહેને પોતાના એક સંબંધીને વાત કરી. તે સંબંધીએ નાની દીકરીને ફોન કરીને બધી હકિકત જણાવી. નાની દીકરી તો ડરી જ ગઈ. હવે માનું શું? મા પાસે તો પાસપોર્ટ પણ નથી અને પાસપોર્ટ હોય તો પણ ટ્રમ્પના રાજમાં વિઝા મળવા કાંઈ સહેલું કામ નથી. હવે માનું શું કરીશ? માની ચિંતામાં નાની દીકરી અડધી થઈ ગઈ. તેના પતિએ તેને કહ્યું, ‘તું ઈન્ડિયા જા અને માની યોગ્ય વ્યવસ્થા કરીને આવ.’
નાની દીકરી છેક અમેરિકાથી ઈન્ડિયા આવી. મોટી બહેનના ઘરે ગઈ. મોટી બહેને રોકડું પરખાવ્યું, ‘હવે મારાથી મા નહીં સચવાય, તારે જ્યાં લઈ જવી હોય ત્યાં લઈ જા એને.’ નાની બહેને કહ્યું, ‘અઠવાડિયું સાચવી લે માને, હું તેના રહેવાની વ્યવસ્થા કરું છું.’
નાની દીકરીએ ઇન્ટરનેટ પર વૃદ્ધાશ્રમોની યાદી તપાસી. તેમાંથી બે-ત્રણ વૃદ્ધાશ્રમ તેને પસંદ આવ્યા. ત્રણેય જગ્યાએ જઈ આવી પછી તેણે એક વૃદ્ધાશ્રમ પર પસંદગી ઉતારી. માને લઈ જઈને વૃદ્ધાશ્રમમાં દાખલ કરી. માને વૃદ્ધાશ્રમમાં મૂકતા નાની દીકરી પોરા પોરા આંસુએ રડી. જ્યારે નાની દીકરીને પોતાની મોટી બહેને માનું બધું છીનવી લીધું છે તેવી ખબર પડી ત્યારે તે હતપ્રભ બની ગઈ. પોતાની બહેને છેક આવું કર્યું. એક દીકરી થઈને મા સાથે આવું વર્તન? આ કળિયુગમાં કોણ દીકરો અને કોણ દીકરી?
આ જ કારણ હશે કદાચ આજના યંગ કપલ્સ DINK (Double Income No Kids) રહેવાનું પસંદ કરતા હશે.