કોંગો: આફ્રિકન દેશ કોંગોમાં ઘાતક ઇબોલા વાયરસ (Ebola Virus) નો કહેર સતત વધી રહ્યો છે. કોંગોના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, દેશના પૂર્વ ભાગમાં ઇબોલાના શંકાસ્પદ કેસોની સંખ્યા ઝડપથી વધીને 900 ને પાર થઈ ગઈ છે. કોંગોના સંચાર મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયા પર સત્તાવાર માહિતી આપવામાં આવી છે કે, અત્યાર સુધીમાં ઇબોલાના 904 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જ્યારે આ વાયરસના કારણે 119 શંકાસ્પદ મોત થયાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
કોંગોના ક્યાં પ્રાંતમાં સૌથી વધુ પ્રકોપ છે?
આ પહેલા જાહેર કરાયેલા આંકડાઓમાં કોંગોમાં ઇબોલાના 700 થી વધુ શંકાસ્પદ કેસ અને 170 થી વધુ શંકાસ્પદ મરણની વિગતો સામે આવી હતી. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારની વાત કરવામાં આવે તો, ઇબોલાના મોટાભાગના કેસ કોંગોના ઇતુરી પ્રાંતમાંથી સામે આવી રહ્યા છે. આ વિસ્તાર હાલ આ વાયરસનું મુખ્ય હોટસ્પોટ બન્યો છે.
WHO દ્વારા પણ ચેતવણી આપવામાં આવી
વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ અનુસાર, ઇબોલાનો આ પ્રકોપ કોંગો માટે 'હાઈ રિસ્ક' (મોટું જોખમ) પેદા કરી રહ્યો છે. જો કે, રાહતની વાત એ છે કે, ડબ્લ્યુએચઓ મુજબ વૈશ્વિક સ્તરે આ વાયરસ ફેલાવવાનું જોખમ અત્યારે ઘણું ઓછું છે. કોંગોમાં વધી રહેલા કેસોને જોતા ભારત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ઇબોલા પ્રભાવિત દેશોમાંથી આવતા અથવા ત્યાંથી પસાર થઈને ભારત આવતા મુસાફરો માટે સ્પેશિયલ હેલ્થ એડવાઇઝરી જારી કરી છે.
મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીમાં સ્પષ્ટ જણાવાયું છે કે જો કોઈ મુસાફરમાં સંક્રમણના લક્ષણો દેખાય, તો તેમણે ઇમિગ્રેશન પહેલાં એરપોર્ટ અથવા પોર્ટ પર હાજર સ્વાસ્થ્ય અધિકારીઓને તાત્કાલિક જાણ કરવાની રહેશે. DGHSની આ સલાહમાં ખાસ કરીને કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાન થી આવતા પ્રવાસીઓનો ઉલ્લેખ કરાયો છે, કારણ કે આ દેશોને WHO એ હાઈ-રિસ્ક લિસ્ટમાં રાખ્યા છે.
ઇબોલા વાયરસના મુખ્ય લક્ષણો કયા છે?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સામાન્ય જનતા અને આરોગ્ય કર્મચારીઓની જાગૃતિ માટે ઇબોલા વાયરસના લક્ષણોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં તીવ્ર તાવ અને અતિશય નબળાઈ આવવી, સ્નાયુઓમાં અસહ્ય દુખાવો અને માથાનો દુખાવો, ગળામાં ખરાશ થવી, ઉલ્ટી-ઝાડા અને પેટમાં સતત દુખાવો, ત્વચા પર લાલ ચકતા પડવા અને આંખો અત્યંત લાલ થઈ જવી જેવા લક્ષણો જોવા મળે છે.