Thu Sep 03 2026

Logo

પુણેમાં કોલેજની દીવાલ પરથી નરેન્દ્ર મોદીની તસવીર ઉતારી: મનસેના બે કાર્યકરની ધરપકડ

2026-09-01 17:42:51
Author: Yogesh D. Patel
પુણેમાં કોલેજની દીવાલ પરથી નરેન્દ્ર મોદીની તસવીર ઉતારી: મનસેના બે કાર્યકરની ધરપકડ

પુણે: પુણેની ગવર્નમેન્ટ પોલીટેક્નિકમાં દીવાલ પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર ઉતારવા બદલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના બે કાર્યકરની ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.કોલેજની દીવાલ પરથી નરેન્દ્ર મોદીની તસવી હટાવવા પ્રકરણે સોમવારે મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેના પુત્ર અને પક્ષના નેતા અમિત ઠાકરે તથા અન્યો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ પોલીસે કહ્યું હતું. 

આ મામલે મનસેના બે કાર્યકરની પૂછપરછ કરવા માટે ધરપકડ કરવામાં આવી હોવાનું ચતુર્શ્રૃંગી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.કોલેજના અધિકારીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર મનસેની વિદ્યાર્થી પાંખના પ્રમુખ અમિત ઠાકરેએ સોમવારે બપોરે સભ્યપદ ઝુંબેશના ભાગરૂપે કોલેજની મુલાકાત લીધી હતી. અમિત ઠાકરેએ તેના સમર્થકોને ઓફિસની દીવાલ પર છત્રપતિ શિવાજી મહારાજ, ડો. બાબાસાહેબ આંબેડકર તેમ જ રાષ્ટ્ર પ્રમુખ દ્રૌપદી મુર્મૂની છબિ સાથે લગાવાયેલી નરેન્દ્ર મોદીની છબિને હટાવવા માટે કહ્યું હતું.

અમિત ઠાકરે અને અન્યો પરવાનગી વિના ઓફિસમાં પ્રવેશ્યા હતા. તેમણે તસવીર હટાવી હતી, સ્ટાફ મેમ્બર્સને ધમકાવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા, એમ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)