Fri Sep 04 2026

Logo

સંજીવની યોજના: ગઢચિરોલીમાં સરેન્ડર કરનારા 14 માઓવાદીઓને મળ્યા પ્લોટ, બાળકોના શિક્ષણ માટે પણ કરાઈ મદદ

2026-09-02 15:45:26
Author: Mumbai Samachar Team
સંજીવની યોજના: ગઢચિરોલીમાં સરેન્ડર કરનારા 14 માઓવાદીઓને મળ્યા પ્લોટ, બાળકોના શિક્ષણ માટે પણ કરાઈ મદદ

ગઢચિરોલી: મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં નક્સલવાદીઓની સંખ્યા નહીંવત્ જેવી રહી ગઈ છે. વર્ષ 2005થી સરકાર દ્વારા જાહેર સરેન્ડર સ્કીમના લીધે અનેક મોટા નક્સલવાદીઓ પોલીસ પ્રશાસન સમક્ષ સરેન્ડર કરી ચુક્યા છે. આ સરેન્ડર કરાયેલા માઓવાદીઓના પુનર્વસન અને તેમને મુખ્ય પ્રવાહોમાં લાવવાના પ્રયાસો અંતર્ગત 'પ્રોજેક્ટ સંજીવની' ચલાવવામાં આવી રહ્યું છે. 

આર્થિક સહાય માટે આપ્યા ચેક 

નક્સલવાદ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાન સાથે સરેન્ડર કરનારા માઓવાદીઓના પુનર્વસનની પ્રક્રિયા શરૂ છે, જેમાં પહેલી સપ્ટેમ્બર 2026એ 'પ્રોજેક્ટ સંજીવની' હેઠળ 14 સરેન્ડર માઓવાદીઓને પ્લોટ આપવામાં આવ્યા હતા. આ સિવાય અન્ય સરેન્ડર માઓવાદીઓને પુનર્વસન યોજના હેઠળ આર્થિક સહાયના ચેક પણ આપવામાં આવ્યા હતા. 

819 માઓવાદીએ કર્યું સરેન્ડર 

ગઢચિરોલી પોલીસ અનુસાર જિલ્લામાં અત્યારસુધીમાં 819 માઓવાદી પોલીસના સામે સરેન્ડર કરી ચુક્યા છે. મહારાષ્ટ્ર સરકારની સરેન્ડર સ્કીમ હેઠળ આ લોકોને સમાજની સામે પરત લાવવા માટે જમીન, મકાન, રોજગારી અને સ્વાસ્થ્ય સુવિધાઓ સહિત વિવિધ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે. 
પુનર્વસન અભિયાન હેઠળ જિલ્લા પ્રસાશન અને ગઢચિરોલી પોલીસના સમન્વયથી સરેન્ડર કરવામાં આવેલા માઓવાદી સદસ્યો માટે અત્યારસુધીમાં કુલ 174 પ્લોટ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી 153 પ્લોટ પહેલા જ સોંપી દેવામાં આવ્યા છે. 

સાઇકલ અને અભ્યાસનો સામાન 

પુનર્વસન કાર્યક્રમ દરમિયાન સરેન્ડર માઓવાદી સદસ્યોના બાળકોને સાઈકલ અને શિક્ષણથી જોડાયેલા સામાન પણ વહેંચવામાં આવ્યો, આ સાથે જ યોગ્ય માઓવાદી સદસ્યોને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ આપવામાં આવ્યા હતા. પોલીસ અને જિલ્લા પ્રસાશનના જણાવ્યા અનુસાર પુનર્વસનની યોજનાઓનો ઉદ્દેશ સરેન્ડર કરનારા માઓવાદી સદસ્યોને સુરક્ષિત અને સન્માનજનક જીવનના અવસર આપીને જોડવાનું છે. 

હવે બીજીવાર હથિયાર નહીં ઉપાડે 

સરેન્ડર કરનારા માઓવાદીઓના કહ્યા મુજબ હવે તેઓ બીજીવાર હથિયાર ઉઠાવશે નહીં. સમાજના લોકો વચ્ચે શાંતિથી રહેશે અને રોજગારના માધ્યમથી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવશે.+