Fri Sep 04 2026

Logo

શૅર ટ્રેડિંગ અને હાઉસિંગ સ્કીમ્સને બહાને ત્રણ કરોડની છેતરપિંડી: દંપતી સામે ગુનો

2026-09-02 16:23:01
Author: Yogesh C. Patel
શૅર ટ્રેડિંગ અને હાઉસિંગ સ્કીમ્સને બહાને ત્રણ કરોડની છેતરપિંડી: દંપતી સામે ગુનો

પ્રતીકાત્મક તસવીર


થાણે: સસ્તી કિંમતે ફ્લૅટની હાઉસિંગ સ્કીમ્સ અને શૅર ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચે થાણેના સિનિયર સિટીઝન અને તેના પરિચિતો સાથે આશરે ત્રણ કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવામાં આવી હતી. આ પ્રકરણે પોલીસે દંપતી અને અન્યો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.આરોપી દંપતીએ ભિવંડીના માનકોલી ખાતેના તેમના હાઉસિંગ પ્રોજેક્ટમાં સરળ હપ્તેથી સસ્તી કિંમતે ફ્લૅટ્સની ઑફર 64 વર્ષના ફરિયાદીને આપી હતી. એ સિવાય શૅર ટ્રેડિંગમાં રોકાણ કરેલી રકમ પર મહિને 12 ટકા વ્યાજની લાલચ આપી હતી.

આરોપીએ આપેલી ઊંચા વળતરની ખાતરી પર વિશ્ર્વાસ કરી ફરિયાદીએ 2.24 કરોડ રૂપિયાનું પોતાના અને સગાંસંબંધીને નામે રોકાણ કર્યું હતું, એવું નૌપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.ફરિયાદી પાસેથી નાણાં લીધા પછી આરોપીએ માત્ર 1.06 કરોડ રૂપિયા પાછા ચૂકવ્યા હતા. આવી જ લાલચ આપી આરોપીઓએ ફરિયાદીના પરિચિતોનો પણ વિશ્ર્વાસ સંપાદન કર્યો હતો. ફરિયાદીના પરિચિતો સાથે 1.79 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

નાણાં વિશે વારંવાર પૂછતાં ફરિયાદીને ઉડાઉ જવાબ આપવામાં આવ્યા હતા. પછી આરોપીઓનો સંપર્ક ન થતાં ફરિયાદીને પોતે છેતરાયા હોવાની જાણ થઈ હતી. આખરે પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદને આધારે 31 ઑગસ્ટે ત્રણ આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી હોવાથી બુધવારની મોડી સાંજ સુધી કોઈની ધરપકડ કરાઈ નહોતી. (પીટીઆઈ)