Fri Sep 04 2026

Logo

જાણીતા ગુજરાતી સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, કલા જગતમાં શોકની લાગણી

2026-09-03 08:10:00
Author: Mumbai Samachar Team
જાણીતા ગુજરાતી સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, કલા જગતમાં શોકની લાગણી

અમદાવાદઃ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સંગીત ક્ષેત્રે જાણીતુ નામ એટલે ગૌરાંગ વ્યાસ. 100થી વધારે ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપનાર ગૌરાંગ વ્યાસે અમદાવાદમાં 2 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા છે. ગુજરાતી ફિલ્મોના અનેક એવા પોપ્યુલર ગીત આજે લાખો લોકો સુધી પહોંચ્યા એમાં સંગીત ક્ષેત્રમાંથી એમનો ફાળો ખૂબ મોટો છે. એમના નિધનથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને સંગીત ક્ષેત્રે જોડાયેલા લોકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. 

સંગીતના સૂર વારસામાં મળ્યા
જાણીતા સંગીતકાર સ્વ. અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસને સંગીતના સૂર જાણે વારસામાં મળ્યા હતા. પોતાની અલગ રાહ કંડારીને તેમણે પણ પિતાની માફક ગુજરાતી ગીતમાં પોતાના એવા સૂર રેડી દીધા કે, આજે કેટકેટલાય જાણીતા ગીતમાં એમનું સંગીત વાગે છે. માત્ર ફિલ્મ સંગીતની વાતથી એમની મ્યુઝિકલ જર્ની અટકતી નથી, સુગમ સંગીત, લોકસંગીત, રાસ-ગરબા તથા અન્ય ક્ષેત્રમાં પણ સંગીત ક્ષેત્રે અમૂલ્ય એવું યોગદાન આપ્યું છે. ગુજરાતી ગીત-ગઝલની 500થી વધારે રચનાઓમાં શબ્દોને સંગીતના લય-રીધમમાં પોરવીને એકથી એક બહેતરીન ગીત આપ્યા છે.

ત્યનાટિકા, TV, લોકસંગીત અને ભજનમાં પણ એમના સંગીતની એક અલગ ઓળખ રહી છે.  ‘જલારામની ઝુંપડી’, ‘ભજન અનમોલ’, ‘ગંગા સતીનાં ભજનો’, ‘કહત કબીર’, ‘જલારામ બાપાનું હાલરડું’, ‘પ્રાચીન પ્રભાતિયાં’  જેવા આલ્બમ આજે પણ એક આખી પેઢીના ફેવરીટ છે. 
 

ક્યારેય ન ભરી શકાય એવી ખોટ
ગૌરાંગ વ્યાસ આપણી વચ્ચે રહ્યા નથી પણ એમના સંગીતનો વારસો એક પેઢી માટે અમર રહેશે.  'ભવની ભવાઈ', 'લાખો ફુલણજી' જેવી જાણીતી ફિલ્મોમાં એમનું સંગીત આજે પણ લોકો માટે યાદગાર છે. એમના નિધનથી ગુજરાતી ફિલ્મ અને સંગીતને ન ભરી શકાય એવી ખોટ પડી છે. અવિનાશ વ્યાસના સંગીતના વારસાને એક અલગ ઊંચાઈ આપી અને એમાં પોતાનો સ્પર્શ આપીને એકથી એક કર્ણપ્રિય સૂર આપ્યા છે. ગૌરાંગ વ્યાસની વિદાય એ સંગીત ક્ષેત્રે એક સૂરનો અંત માની શકાય. ફિલ્મ મૈયરમાં મનડું નથી લાગતું ગીતમાં એમનું સંગીત હતું.