થાણે: થાણે જિલ્લામાં રહેતી મહિલાના પુત્રને આઇઆઇટી બોમ્બેમાં એડમિશન અપાવવાને બહાને શખસે તેની સાથે 12 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી.
દિવા વિસ્તારમાં આવેલા જે હાઉસિંગ કોમ્પ્લેક્સમાં ફરિયાદી મહિલા રહે છે તેમાં રહેતા આરોપીએ પોતાની ઓળખ ઇન્ડિયન રેવન્યૂ સર્વિસ (આઇઆરએસ) ઓફિસર તરીકે આપી હતી અને દાવો કર્યો હતો કે વિવિધ સરકારી વિભાગોમાં તેનો સારો પ્રભાવ છે.
આરોપીએ ફરિયાદી મહિલાને ખાતરી આપી હતી કે તેના દીકરાને તે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી) બોમ્બેમાં એડમિશન અપાવશે. તેણે 2023માં મહિલા પાસેથી 12.50 લાખ રૂપિયા લીધા હતા, એમ મુંબ્રા પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.જોકે રૂપિયા આપવા છતાં પુત્રના એડમિશન અંગે કોઇ હિલચાલ ન થતાં મહિલાએ આરોપીને આ અંગે પૂછપરછ કરતાં તેણે ઉડાઉ જવાબ આપ્યા હતા.
આરોપીએ એડમિશનને નામે છેતરપિંડી આચરી હોવાનું ધ્યાનમાં આવતાં મહિલાએ મુંબ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદને આધારે સોમવારે આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો, એમ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)