- પ્રફુલ શાહ
માનવજાત, પશુ અને પક્ષીઓમાં માતૃત્વનો મોટો મહિમા છે જ. મોટાભાગના પંખીઓ માળો બનાવી પોતાના ઈંડાં પર બેસીને તેમને સાચવે છે, તેનું રક્ષણ કરે છે અને તેને ગરમ રાખે છે.
પરંતુ દુનિયામાં એક પંખી ઈંડાં બાબત સૌથી અલગ છે. એની પદ્ધતિ માની ન શકાય એટલી આઘાતજનક છે. આ પંખીના ઈંડાં વિશે એકેએક વાત છે એકદમ હટકે. મરઘીના કદનું આ પક્ષી માત્ર ઇન્ડોનેશિયાના સુલાવેસી અને બુટોન ટાપુઓમાં જ જોવા મળે છે આ દુર્લભ અને લુપ્તપ્રાય શ્રેણીનું પંખી મેલિયો (Macrocephalon maleo). તેની ખાસિયતો જોઈએ.
લંબાઈ આશરે 5560 સેમી, શરીર કાળા, પેટ ગુલાબી-આછો રંગનું અને માથા પર કાળી કલગી હોય છે. દોડવામાં ઉત્તમ છે, પરંતુ જરૂર પડે ત્યારે ઊડીય શકે છે.
મેલિયો દંપતી ખુલ્લા ભૂતાપીય (એટલે ‘પૃથ્વીનું તાપમાન’ અથવા ‘જમીનની અંદર રહેલી ગરમી’. આ શબ્દ ‘ભૂ’ (પૃથ્વી) અને ‘તાપીય’ (ગરમી/ઊર્જા) બે શબ્દોનો બનેલો છે) વિસ્તારો, જ્વાળામુખીની આસપાસ કે રેતાળ દરિયાકિનારાઓ સુધી ઘણા માઇલનું અંતર કાપીને પહોંચે છે. માદા લગભગ એક મીટર જેટલો ઊંડો ખાડો ખોદીને તેમાં એક જ વિશાળ ઈંડું મૂકે છે. આ ઈંડું મરઘીના ઈંડા કરતાં લગભગ પાંચ ગણું મોટું હોય છે. પછી માતા ઈંડાંને રેતીથી ઢાંકી દે છે અને ત્યાંથી ચાલી જાય છે, કાયમ માટે. આથી આ પક્ષી દુનિયાના સૌથી અનોખા પક્ષીઓમાંનું એક છે કારણ કે તે પોતાના ઈંડાં સેવવા માટે શરીરની ગરમીનો ઉપયોગ કરતું નથી.
મેલિયોનાં ઈંડાં સેવવાની પ્રક્રિયા ય અનોખી છે. ભૂતાપીય ગરમી રેતીનું તાપમાન સતત 32સે.થી 39 સે. વચ્ચે જાળવી રાખે છે. આની વચ્ચે ઈંડું સેવાવાની પ્રક્રિયા સરેરાશ 80 દિવસ ચાલે છે. અંતે બચ્ચું જમીનની અંદર ઈંડામાંથી બહાર આવે છે. આ નવજાતે કોઈની મદદ વગર ભારે રેતી ખોદીને બહાર આવવું પડે છે. આ ખૂબ જ થકવી નાખતી પ્રક્રિયા છે અને તેમાં થોડા દિવસો લાગી શકે છે. આ માપદંડથી બચ્ચું જન્મથી જ સંપૂર્ણપણે સ્વતંત્ર અને સ્વાવલંબી હોય છે, જેના નસીબમાં માનું ધાવણ કે મમતા નથી. કદાચ આ કારણસર જ તેની પાંખો જન્મતાવેંત જ કાર્યક્ષમ થઇ જાય એટલી મજબૂત હોય છે. આ બચ્ચું જમીનની સપાટી પર પહોંચ્યાના થોડા જ કલાકોમાં ઊડી પણ શકે છે. બચ્ચું ઈંડામાંથી બહાર નીકળ્યા પછી લગભગ તરત જ દોડી શકે છે અને થોડા જ સમયમાં ઊડી પણ શકે છે.
મેલિયોના બચ્ચાને માતા-પિતા તરફથી જરાય વ્હાલ, પ્રેમ, હૂંફ, સંભાળ કે ખોરાક મળતો નથી. પોતે સેવવાને બદલે માદા મેલિયો ઈંડાં ત્યજી દે છે ને એ પણ એવા ચોક્કસ સ્થળે જ્યાં ભરપૂર ગરમી હોય. આ રીતે મેલિયો સંપૂર્ણપણે પૃથ્વીની કુદરતી ઊર્જા પર આધાર રાખે છે. મોટેભાગે જ્વાળામુખી આસપાસની ગરમ રેતી કે જમીનમાં ઈંડાં સેવાઇને બચ્ચું જન્મતું હોવાથી આ પંખી વોલ્કેનો બર્ડ તરીકે જાણીતું છે. આ પક્ષી પોતાના ઈંડાં જ્વાળામુખીની ગરમી ધરાવતી જમીન અથવા સૂર્યથી ગરમ થયેલી રેતીમાં એક મીટર જેટલા ઊંડા ખાડામાં મૂકે છે. જમીનની કુદરતી ગરમી ઈંડાંને સેવે છે. એટલે તે વોલ્કેનો બર્ડ તરીકે લોકપ્રિય છે.
કમનસીબે ‘ઇન્ટરનૅશનલ યુનિયન ફોર ક્ધઝર્વેશન ઓફ નેચર અનુસાર મેલિયો પક્ષી અત્યંત ગંભીર રીતે લુપ્તપ્રાય પક્ષીઓની યાદીમાં સામેલ છે. આ અવદશા માટેના મુખ્ય કારણોમાં જંગલોનો નાશ, ઈંડાંની ચોરી અને માનવીય હસ્તક્ષેપ છે. તેની અત્યંત વિશિષ્ટ પ્રજનન પદ્ધતિને કારણે તે રહેઠાણના વિનાશ, જંગલી શિકારી પ્રાણીઓ (જેમ કે બિલાડીઓ અને જંગલી ડુક્કરો) દ્વારા થતા હુમલા તેમજ મનુષ્યો દ્વારા ઈંડાંની ચોરી જેવા જોખમો સામે અત્યંત સંવેદનશીલ છે.
આ પક્ષી કુદરતનું અદ્ભુત સર્જન છે કારણ કે તે પોતાના સંતાનોના ઉછેર માટે જ્વાળામુખીની કુદરતી ગરમીનો ઉપયોગ કરે છે. ઈંડું ત્યજી દીધા બાદ માં-બાપ અને ખાસ તો માતાની મનોવેદના કેવી હશે?