Fri Sep 04 2026

Logo

લગ્નનું વચન આપી સંબંધ બાંધ્યા બાદ 'કુંડળી નથી મળતી' તેવું બહાનું કાઢવું હવે ગુનો ગણાશે

2026-02-24 12:19:00
Author: Devayat Khatana
લગ્નનું વચન આપી સંબંધ બાંધ્યા બાદ 'કુંડળી નથી મળતી' તેવું બહાનું કાઢવું હવે ગુનો ગણાશે

નવી દિલ્હી: આજકાલ માતાપિતા અને યુવાનો પણ એક વાતને લઈને ખૂબ જ ચિંતિત રહેતા હોય છે, તે છે લગ્નના નામે થતાં વિશ્વાસઘાતની ઘટનાઓ. ત્યારે આ મુદ્દે દિલ્હી હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે.  કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, લગ્નનું વચન આપી શારીરિક સંબંધ બાંધ્યા બાદ 'કુંડળી નથી મળતી' તેવું બહાનું કાઢી લગ્નનો ઇનકાર કરવો એ ગુનો બની શકે છે.

મળતી વિગતો અનુસાર, દિલ્હી હાઈકોર્ટે લગ્નના ખોટા વચન અને કુંડળીના બહાને થતી છેતરપિંડીના મામલે એક અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, લગ્નનું વચન આપી શારીરિક સંબંધ બાંધ્યા બાદ 'કુંડળી નથી મળતી' તેવું બહાનું કાઢી લગ્નનો ઇનકાર કરવો એ ગુનો બની શકે છે. જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની બેન્ચે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું કે, આવું વર્તન પુરુષ દ્વારા કરવામાં આવેલા લગ્નના વાદાની સચ્ચાઈ પર શંકા પેદા કરે છે. આ સાથે જ કોર્ટે બળાત્કારના આરોપીની જામીન અરજી પણ ફગાવી દીધી છે.

કેસની વિગતો મુજબ, ફરિયાદી મહિલાએ આરોપ લગાવ્યો હતો કે આરોપી તેની સાથે લાંબા સમય સુધી સંબંધમાં રહ્યો હતો અને લગ્નના વચનના આધારે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. આરોપીએ મહિલાને એવો વિશ્વાસ પણ અપાવ્યો હતો કે કુંડળી મળી ગઈ છે અને લગ્નમાં કોઈ અવરોધ આવશે નહીં. આરોપીએ એક મેસેજમાં તો એવું પણ લખ્યું હતું કે "આપણે કાલે જ લગ્ન કરી રહ્યા છીએ". જોકે, બાદમાં આરોપી અને તેના પરિવારે કુંડળી ન મળવાનું કારણ આગળ ધરી લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

અદાલતે અવલોકન કર્યું કે શરૂઆતમાં લગ્નનો ભરોસો આપ્યા બાદ કુંડળી ન મળવાના બહાને ઇનકાર કરવો એ પ્રથમ દૃષ્ટિએ આરોપીની દાનત પર સવાલ ઉઠાવે છે. બેન્ચે નોંધ્યું કે આવું વર્તન ભારતીય ન્યાય સંહિતાની કલમ 69 હેઠળ ગુનાની શ્રેણીમાં આવે છે, જે ખાસ કરીને લગ્નના ખોટા આશ્વાસન અથવા છેતરપિંડી દ્વારા જાતીય સંબંધ બાંધવા સાથે સંબંધિત છે.