Sun May 31 2026

Logo

મેકઅપ કે પછી મેક-અપ?

2026-05-31 10:29:00
Author: Jui Parth
Article Image

જૂઈ પાર્થ

‘ઓહોહોહોહો મારી રિયા, કેટલી બ્યુટીફુલ લાગે છે! ઓહ માય ગોડ, ઈવીલ આઈ માટે તારા કાનની પાછળ બ્લેક ડોટ કરી દઉં મે ગોડ બ્લેસ યુ માય ડાર્લિંગ ડોટર!’ નેહાએ એની એકની એક દીકરીને આશીર્વાદ આપ્યા.

મહામુસીબતે રિયાને પરણવા કોઈ છોકરો તૈયાર થયો હતો. તેનાં રૂપરંગ જોતાં જ બધા ના પાડી દેતાં. એ તો ભલુ થજો આ છોકરાનું કે એણે રિયાનું મન માપી લીધું અને તેનાં દેખાવની અવગણના કરી તેને પરણવા તૈયાર થયો.

બાહ્ય દેખાવ સિવાય રિયા બહુ ભલી અને સાથે કામકાજે હોંશિયાર ને વહેવાર કુશળ. રૂપિયાનું અભિમાન જેટલું એના મા-બાપને હતું એની સામે રિયાને જરાય નહોતું. આજે રિયાનાં લગ્નનો દિવસ હતો. રિયાને મેકઅપ જરાય ના ગમતો, પરંતુ એની મમ્મીના આગ્રહથી એણે લગ્નનાં ખાસ દિવસ માટે બ્યુટી પાર્લરમાં પહેલીવાર મેકઅપ કરાયો હતો તેણે. હવે માનું મન તે માનું મન, દીકરી કેવીએ તૈયાર કેમ ના થાય માને તો સુંદર જ લાગે. આજે રિયાને જોઈને લગ્નમાં આવનારાનાં હાવભાવ કળી શકાય તેવા નહોતાં. બધાંને રિયા કંઈક અલગ લાગતી હતી. કોઈએ તો વળી કહ્યું પણ ખરું કે આ તો રિયા નહીં કોઈ અલગ જ વ્યક્તિ જેવી જ દેખાય છે. રિયા આજે જરાય ઓળખાતી નથી અને રિયા ઓળખાય પણ કેવી રીતે?! તેનાં ચહેરાની બધી જ ખામીઓને સંતુલિત કરવા મેકઅપ કરનારે બહુ મહેનત કરી હતી અને રિયાને સિરિયલોની હીરોઈન જેવી બનાવી દીધી હતી. જેમણે હંમેશાં મેકઅપ વિનાની રિયાને જોઈ હતી તેમનાં માન્યામાં નહોતું આવતું કે રિયા આટલી અલગ દેખાઈ શકે. કોઈ નક્કી નહોતા કરી શકતાં કે આને સારી તૈયાર થયેલી કહેવી કે...

આમ જોઈએ તો સ્ત્રી અને શણગાર એકમેકને પૂરક છે. શણગારની વાત આવે ત્યારે કોઈ પણ વર્ગ, ક્ષેત્ર કે દેખાવની સ્ત્રીઓ પીછેહઠ ના કરે. શણગારમાં કપડાં, દાગીના, કેશકલા તો ખરા જ પણ અત્યારે સૌથી વધુ પ્રચલિત થઈ હોય તો તે મેકઅપની કલા છે. નહાઈ- ધોઈને તૈયાર થવામાં ફક્ત ક્રીમ અને પાઉડરથી નથી પતતું. હવે સેમી પ્રોફેશનલ કે પ્રોફેશનલ મેકઅપ પણ ઉમેરાયો છે. પહેલાં જે મેકઅપ પ્રસંગોપાત કરવામાં આવતો તે હવે સ્ત્રીઓ ઓફિસ જતાં, બાળકોને સ્કૂલ/ક્લાસમાં લેવા મૂકવામાં, મિત્રો-બહેનપણીઓને મળવામાં, અરે, શાક લેવા કે જીમમાં પણ મેકઅપ વગર ઘરની તો શું રૂમનીયે બહાર નથી નીકળતી. જો સરખી રીતે કરતા આવડે તો સાદો કે હળવો મેકઅપ આમ તો સારો લાગતો હોય છે, પરંતુ પિક્ચર ને સિરિયલોમાં થાય એવો મેકઅપ પોતાનાં લગ્ન જેવા ખાસ પ્રસંગે પહેલીવાર કરવામાં આવે ત્યારે દુલ્હન ઓળખાય જ નહીં એવું પણ બને કે પછી વધુ પડતાં મેકપનાં કારણે તે ડરાવની, બહુરૂપિયા જેવી કે હાસ્યાસ્પદ પણ લાગતી હોય છે.

ફિલ્મો, ટેલિવિઝન, બ્યુટી કોન્ટેસ્ટ વગેરેનાં કારણે મેકઅપનો ચીલો વધ્યો છે. વૈશ્વિક સ્તરે મેકઅપનો અબજોનો બિઝનેસ છે. બજારમાં મેકઅપની અવનવી સામગ્રીઓ મળે છે. ચામડીને અનુરૂપ, હર્બલ, નોન ટોક્સિક, ક્રુઅલ્ટી ફ્રી, વીગન, આયુર્વેદિક, હાઈલી સેન્સીટીવ સ્કીન માટે, સામાન્ય ત્વચા માટે, સૂકી કે બરછટ ત્વચા માટે એકએકથી ચડિયાતી પ્રોડક્ટ્સ મળે છે. મેકઅપ પહેલાં લગાડવાનું ટોનિક, સીરમ, પ્રાઈમર, ફાઉન્ડેશન, કોમ્પેક્ટ, બ્લશર, હાઈલાઈટર, આઈશેડો, લાઈનર, કાજલ, લિપસ્ટીક, ગ્લીટર, ફિક્સર, રીમુવર અને હજી લીસ્ટ ઘણું લાંબુ છે બસ, આટલું ફોરેનની લગભગ બધી સ્ત્રીઓ રોજે રોજ અને ભારતની ઘણી મોટી સંખ્યામાં સ્ત્રીઓ ચહેરા પર લગાવે છે.

વિદેશની આબોહવા અલગ છે અને ત્યાં ચહેરા પરનો મેકઅપ આખો દિવસ ટકે છે, પરંતુ આપણા દેશની આબોહવા મુજબ મેકઅપ ટકાવી રાખવા વધુ પડતાં કેમિકલ્સવાળો મેકઅપ કરવામાં આવે છે જે ત્વચા અને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. મેકઅપ કરવાનો, એ પણ સારા દેખાવા માટે પણ આ સારા કોના માટે દેખાવાનું છે? પોતાના માટે કે દુનિયા માટે એ પ્રશ્ન મહત્ત્વનો છે. જેમ સમય જતાં ધોળા વાળ સ્વીકારી લેવા પડે છે તેમ રૂપનું પણ એવું જ કંઈક છે. પોતાની જાત સાથે તાલમેલમાં રહેવું, પોતાની ચામડીનો રંગ સ્વીકારવો, કરચલીઓને માણવી, ઢળતી ભમ્મરોનો માન આપવું શરૂઆતમાં અઘરું છે પણ પછી, ધીમે ધીમે કરતાં આવી રહે! ઈશ્વરે આપેલા રૂપરંગને સ્વીકારી પોતાનાં ચહેરા પર મહોરું પહેર્યા કરતાં પોતાને સારું લાગે એટલો માપસરનો મેકઅપ કરવામાં આવે તો મન હલકું ફૂલ થઈ જાય છે. મેકઅપ શોખથી કરવો અને ઢાંકપીછોડા કરવા માટે કરવામાં બહુ ફેર છે. શું આપણે મેકઅપને મેક-અપ એટલેકે વળતર તરીકે ના લેતાં શોખથી અને માપસર કરવાનો પ્રયત્ન કરી શકીએ ખરા? 

બોલો, તમે શું કહો છો?