Fri Sep 04 2026

Logo

અભિષેક બેનર્જી સહિત TMCના 4 નેતાઓ સામે કેસ દાખલ, વિગતવાર થશે પૂછપરછ

2026-08-28 22:49:51
Author: Mumbai Samachar Team
અભિષેક બેનર્જી સહિત TMCના 4 નેતાઓ સામે કેસ દાખલ, વિગતવાર થશે પૂછપરછ

ANI


કોલકાતાઃ ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી, રાજ્યસભા સાંસદ ડેરેક ઓબ્રાયન અને પાર્ટીના બે અન્ય નેતાઓ સામે ત્રણ એફઆઇઆર નોંધવામાં આવી છે. તેમજ એક દિવસ પહેલા અહીં કેમેક સ્ટ્રીટ સ્થિત પાર્ટી કાર્યાલયમાં થયેલી અથડામણના સંદર્ભમાં 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે.પોલીસ આ તમામની પૂછપરછ કરીને એક રિપોર્ટ તૈયાર કરશે. આ પછી તેની સામે કાયદાકીય રીતે પગલાં પણ લેવામાં આવશે. 

શું કહ્યું અધિકારીએ?
ગુરૂવારના રોજ બેનર્જીના કાર્યાલયના ખાનગી ગાર્ડ, તેમના સમર્થકો અને પાર્ટીના કેટલાક નેતાઓની પોલીસ કર્મચારીઓ અને કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન(કેએમસી)ના અધિકારીઓ સાથે અથડામણ થઇ હતી. આ અધિકારીઓ કેમેક સ્ટ્રીટ સ્થિત ઇમારતમાં પ્રવેશતા અને એક અનધિકૃત બિલબોર્ડ દૂર કરતા અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પોલીસકર્મીઓ અને કેએમસી અધિકારીઓને તેમની ફરજ બજાવતા રોકવા, તેમના પર હુમલો કરવા અને ગેરકાયદેસર રીતે ટોળું એકત્ર કરવાના આરોપસર શેક્સપિયર સરણી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યા છે.

હજુ તપાસ ચાલુ છે. 
કોલકાતા પોલીસના અધિકારીના જણાવ્યા અનુસાર ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી, ડેરેક ઓબ્રાયન, પાર્ટીના ધારાસભ્ય હુમાયુ કબીર અને નેતા બૈશ્વાનર ચટ્ટોપાધ્યાય વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. એક એફઆઇઆર કેએમસીના જાહેરાત વિભાગના અધિકારીની ફરિયાદના આધારે નોંધવામાં આવી હતી. જ્યારે બીજી એફઆઇઆર મ્યુનિસિપલ કોર્પોરેશનની વિનંતી પર નોંધવામાં આવી હતી. ત્રીજી એફઆઇઆર એક સાર્જન્ટની ફરિયાદ પર નોંધવામાં આવી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે અજાણ્યા લોકોએ પોલીસકર્મીઓને અટકાવ્યા અને સરકાર દ્વારા તેમને આપવામાં આવેલા વોકી-ટોકી છીનવી લીધા હતા. કોલકાતા પોલીસના એડિશનલ કમિશ્નર(ડિટેક્ટીવ ડિપાર્ટમેન્ટ) કૃણાલ અગ્રવાલે જણાવ્યું કે પોલીસે અત્યાર સુધીમાં આ ઘટનાના સંદર્ભમાં ૧૩ લોકોની ધરપકડ કરી છે. તેમજ આ મામલે તપાસ ચાલી રહી છે.