Mon Oct 05 2026

Logo

નેપાળથી કેદારનાથ: હિમાલય પર મહાવિનાશનું કાઉન્ટડાઉન! કુદરતનો પ્રકોપ કે માણસની ભૂલ?

2026-08-28 20:57:35
Author: Darshana Visaria
નેપાળથી કેદારનાથ: હિમાલય પર મહાવિનાશનું કાઉન્ટડાઉન! કુદરતનો પ્રકોપ કે માણસની ભૂલ?

નેપાળના રસૂવા જિલ્લામાં આવેલી ભોટેકોશી નદીમાં સર્જાયેલા વિનાશક જળપ્રલયે હિમાલય ક્ષેત્રની વધતી જતી સંવેદનશીલતા પર ફરી એકવાર વૈશ્વિક ચિંતા જગાવી છે. આ અણધારી હોનારતે રસૂવા ઉપરાંત નુવાકોટ, ધાદિંગ, ચિતવન, તનહું, ગોરખા અને નવલપરાસી ઈસ્ટ જેવા નીચાણવાળા જિલ્લાઓમાં ભારે તબાહી મચાવી છે. હજારો લોકો બેઘર બન્યા છે અને અબજો રૂપિયાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધ્વસ્ત થઈ ગયું છે. વૈજ્ઞાનિકોની ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું છે કે આ આપત્તિ પાછળ હિમાલયનું નાજુક ભૂસ્તર, ગ્લોબલ વોર્મિંગને કારણે ઝડપથી પીગળતા ગ્લેશિયર્સ અને નદીમાં બનેલો કામચલાઉ કુદરતી ડેમ જવાબદાર છે.

નેપાળમાં આવેલી હોનારતનો સૌથી ભયાનક પાસું તેની અણધારી ઝડપ હતી. ભોટેકોશીની સહાયક નદી લ્હેંદે ખોલાના ઉપરના કેચમેન્ટ વિસ્તારમાં ગ્લેશિયરનો વિશાળ હિસ્સો તૂટી પડ્યો હતો. વિશાળ હિમપ્રપાત અને ખડકોના કાટમાળે નદીના પ્રવાહને રોકીને એક કામચલાઉ કૃત્રિમ તળાવ બનાવી દીધું હતું. 

પાણીનું દબાણ વધતાં આ કાચો બંધ એક જ ઝાટકે તૂટી ગયો, જેના કારણે માત્ર 30 મિનિટની અંદર નદીનું જળસ્તર 9 મીટર એટલે કે લગભગ 30 ફૂટ સુધી ઉછળ્યું હતું. લોકોને ચેતવાનો કે ભાગવાનો સમય પણ ન મળ્યો અને રસ્તામાં આવેલી ઇમારતો, પુલ અને બજારો તાશના પત્તાની જેમ ધરાશાયી થઈ ગયા.

ગ્લોબલ વોર્મિંગ અને પર્માફ્રોસ્ટ પીગળવાથી પહાડો બન્યા ખોખલા

હિમાલયમાં તાપમાનનો વધારો: હિન્દુકુશ હિમાલય ક્ષેત્ર વૈશ્વિક સરેરાશ કરતાં બમણી ઝડપે ગરમ થઈ રહ્યું છે. એશિયાની 10 પ્રમુખ નદીઓને પાણી પૂરું પાડતા 63,000થી વધુ ગ્લેશિયર્સ ઝડપથી સંકોચાઈ રહ્યા છે.
પર્માફ્રોસ્ટનું પીગળવું: સદીઓથી બરફના સહારે જકડાયેલી રહેતી પહાડી ચટ્ટાનો હવે પર્માફ્રોસ્ટ (Permafrost) પીગળવાને કારણે ઢીલી પડી રહી છે, જેનાથી નાના ભૂસ્ખલન પણ વિશાળ હિમપ્રપાતમાં ફેરવાઈ રહ્યા છે.
બરફ પીગળવાનો ભયાનક દર: સંયુક્ત રાષ્ટ્ર (UN)ના અહેવાલ મુજબ, વર્ષ 2000થી 2019 વચ્ચે વિશ્વભરના ગ્લેશિયર્સે વાર્ષિક 267 ગીગાટન બરફ ગુમાવ્યો છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટો ફટકો અને આગોતરી ચેતવણીનો અભાવ

નેપાળના કુલ હાઈડ્રોપાવર ઉત્પાદનનો આશરે 10 ટકા હિસ્સો આ જ આપત્તિગ્રસ્ત ખીણમાં આવેલો હતો, જેને ભારે નુકસાન પહોંચ્યું છે. હિમાલયના દુર્ગમ વિસ્તારોમાં પૂરતી વહેલી ચેતવણી પ્રણાલી અને રીઅલ-ટાઇમ સેટેલાઇટ મોનિટરિંગનો અભાવ હોવાથી આવી બહુસ્તરીય આપત્તિઓમાં સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળે ખસવા માટે કલાકો નહીં પરંતુ માત્ર થોડી મિનિટો જ મળે છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ પ્રકારની ઘટનાઓ હવે કોઈ અપવાદ નથી પરંતુ 'ન્યૂ નોર્મલ' બની રહી છે અને ઘણા વિસ્તારો માનવ વસાહત માટે જોખમી બની ચૂક્યા છે.