સુરતઃ ઓડિશાની પારાદીપ પોર્ટ ઓથોરિટીએ સુરત પાસેના હજીરાની કંપની આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ લિમિટેડને પારાદીપથી હજીરા સુધી ડ્રાય બલ્ક કાર્ગોની હેરફેરમાં છૂટ આપી છે. 30 વર્ષ માટે આપવામાં આવેલી આ છૂટથી હજીરા સુધી માલસામાનની અવરજવર વધુ સરળ બનશે.આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ વતી કંપનીની ખાસ ઉદ્દેશ માટે બનાવાયેલી સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) કંપની 'AMNS પારાદીપ લોજિસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડ' (APLPL)ને આ છૂટ અપાઈ છે.
21 ઓગસ્ટ, 2026ના રોજ ઓડિશાના પારાદીપ સ્થિત બિજુ કન્વેન્શન ખાતે યોજાયેલા એક વિશેષ સમારોહમાં, ભારત સરકારના બંદરો, જહાજવ્યવહાર અને જળમાર્ગ મંત્રાલયના મંત્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા કંપનીના કોર્પોરેટ અફેર્સના પ્રમુખ દીપક અરોરાને આ છૂટ અંગેનો પત્ર આપવામાં આવ્યો હતો.આ છૂટ મળવાના કારણે કંપની પેલેટ પ્લાન્ટ સંકુલથી પારાદીપ પોર્ટ પરના બર્થ સુધી સીધી જોડાયેલી સંપૂર્ણ યાંત્રિક કન્વેયર સિસ્ટમ દ્વારા આયર્ન ઓર પેલેટના શિપમેન્ટને સરળતાથી સંભાળી શકશે. તેના કારણે કંપનીની કાર્યક્ષમતામાં વધારો થશે અને પર્યાવરણને પણ ફાયદો થશે.
આર્સેલર મિત્તલ દ્વારા પારાદીપથી હજીરા સુધી લોખંડના અયસ્કના પેલેટ્સ દરિયાઈ માર્ગે લઇ જવાથી પરિવહન ખર્ચમાં પણ ઘટાડો થશે. પારાદીપ અને હજીરા બંને બંદરો હોવાથી પરિવહન માટે આ પ્રમાણિત અને પર્યાવરણની દ્રષ્ટિએ સૌથી અનુકૂળ માધ્યમ છે. આ છૂટ કંપનીની લોજિસ્ટિક્સ ક્ષમતાઓ વધારવાની અને બંદરની કામગીરીને આધુનિક બનાવવાની સફરમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આ સિદ્ધિ પરાદીપને વૈશ્વિક દરિયાઈ પ્રવેશદ્વાર તરીકે વિકસાવવા માટેની આર્સેલર મિત્તલ ઈન્ડિયાની કામગીરીમાં શ્રેષ્ઠતા, નવીનતા અને ભાગીદારી પ્રત્યેની પ્રતિબદ્ધતાને ફરી એકવાર સ્થાપિત કરે છે.