Wed Jul 29 2026

Logo

મહારાષ્ટ્ર પાવર સરપ્લસ રાજ્ય: ઉદ્યોગો અને ડેટા સેન્ટરોની માંગ પૂરી કરવા સજ્જ, ફડણવીસની જાહેરાત...

2026-03-17 21:21:39
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે રાજ્ય પાસે જરૂરિયાત કરતા વધુ વીજળી છે અને ઉદ્યોગ તેમજ  ડેટા કેન્દ્રોની વધતી માંગને પહોંચી વળવા માટે સજ્જ છે. વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન આ મુદ્દે ચર્ચાનો જવાબ આપતા ફડણવીસે એમ પણ જણાવ્યું હતું કે ગ્રીન એનર્જીનો હિસ્સો વધવાની સાથે વીજળીના દર સ્થિર રહેશે. 

'મહાવિતરણ' (મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની) એશિયાની સૌથી મોટી વીજ વિતરણ કંપની તરીકે ઉભરી આવી છે. એની વાર્ષિક આવક 1 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે એવી જાણકારી ગૃહને આપી ફડણવીસે ઉમેર્યું હતું કે ' મહારાષ્ટ્ર પાવર સરપ્લસ છે અને ઉદ્યોગ અને ડેટા સેન્ટરની વધતી માંગને પહોંચી વળવા માટે સજ્જ  છે. 

રાજ્યએ સૌર ઉર્જા ઉત્પાદન દ્વારા સંચાલિત વપરાશની બદલાતી પદ્ધતિને અનુરૂપ સમય અનુસાર વપરાશના દરના માળખામાં સુધારો કર્યો છે. અગાઉ મધ્યરાત્રિથી સવારે 6 વાગ્યા સુધી વીજળીના વપરાશ માટે પ્રોત્સાહન આપવામાં આવતું હતું. 

હવે સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી સૌર ઉર્જાની પુષ્કળ ઉપલબ્ધતાને કારણે ગ્રાહકોને આ કલાકો દરમિયાન 25 ટકા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. અમે આગામી પાંચ વર્ષમાં વધારાના 4 હજાર 500 મેગાવોટની જરૂરિયાત માટે યોજના બનાવી છે અને પર્યાપ્ત સંસાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી છે.

ફડણવીસે રાજ્યના ગ્રીન એનર્જીની રૂપરેખા પણ આપી જણાવ્યું હતું કે 2030 સુધીમાં 52 ટકા વીજળી નવીનીકરણીય સ્રોતમાંથી હશે અને 2035 સુધીમાં એ વધીને 65 ટકા હશે. 
(પીટીઆઈ)