Wed Jun 10 2026

Logo

જમાઈને આપવા લીધેલી સોનાની વીંટી પહોંચી બિલાડીના પેટમાં અને પછી જે થયું...

2026-06-10 17:15:46
Author: Mumbai Samachar Team
Article Image

ChatGTP Ai Generated Image


બીડ: મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં સસરાએ તેના જમાઈને ભેટ સ્વરૂપે આપવા માટે ખરીદેલી સોનાની વીંટી બિલાડીના પેટમાં પહોંચી ગઈ હતી. બાદમાં માહિતી મળતાં જ બિલાડીના પેટમાંથી આ વીંટી પાછી મેળવવા માટે જે કસરત કરવામાં આવી તે તેમને કોઈ ફિલ્મી સીન કરતાં જરાય ઓછી નહીં લાગે. 

મળતી માહિતી મુજબ જમાઈને આપવા માટે સસરાએ ખરીદેલી સોનાની વીંટી તેમણે લોટના ગોળામાં છુપાવી રાખી હતી અને આ લોટનો ગોળો બિલાડી ખાઈ ગઈ હતી. સોનાની વીંટી બિલાડીના પેટમાં છે, તેવી પરિવારજનોને જાણ થતા જ તેઓએ બિલાડીને તેમના ઘરમાં બાંધી દીધી હતી. ત્યાર બાદ તેઓ બિલાડી મળત્યાગ કરે અને તેમને સોનાની વીંટી મળે તેની રાહ જોવા માંડ્યા હતા. આખરે ઘણાં દિવસો વીતી ગયા બાદ પણ વીંટી પેટમાંથી બહાર ન આવી.

બિલાડીને પશુ ચિકિત્સક પાસે લઇ જવામાં આવી હતી. બિલાડીને ઉલ્ટી કરાવવા માટે દવાઓ પણ આપવામાં આવી તેમ છતાં બધા પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. આખરે આ સારવાર દરમિયાન બિલાડીનું મોત નીપજ્યું હતું. ત્યાર બાદ મૃત બિલાડીના પેટની સર્જરી કરીને આ વીંટી પાછી મેળવવામાં આવી હતી. આ સમગ્ર ઘટના તે વિસ્તારના લોકોમાં ચર્ચાનો વિષય બની હતી.  

અધિક મહિનો શ્રાદ્ધ, પરંપરા અને જમાઈના સમ્માનનો મહિનો માનવામાં આવે છે. આ મહિના દરમિયાન જમાઈને તેના સાસરિયામાં વિશેષ આમંત્રણ આપવામાં આવે છે. જમાઈની વિધિવત પૂજા કરવામાં આવે છે. તેમને દાન-દક્ષિણા આપવાની પરંપરા નિભાવવામાં આવે છે. સોનાની વીંટી, કોઈ કિંમતી વસ્તુ, ભૂમિ દાન કે ગૌદાન પોતાની શ્રદ્ધા અને ક્ષમતા અનુસાર જમાઈને ભેટ આપવાની હોય છે. 

ધાર્મિક માન્યતા એવી છે કે આ મહિનામાં કરવામાં આવેલા દાન વિશેષ પુણ્ય પ્રાપ્ત કરાવે છે. આ પરંપરાનું સન્માન કરતા બીડ જિલ્લાના એક પરિવારે જમાઈને સોનાની વીંટી આપવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ જે ઘટના બની તે સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. 

ત્રણ વર્ષે એક વાર આવતા અધિક માસમાં જમાઈને ઘરે બોલાવીને વિશેષ ભોજન અને ભેટ આપવાની પરંપરા આજે પણ ઘણી જગ્યાએ નિભાવવામાં આવે છે. ભેટોનું સ્વરૂપ દિવસેને દિવસે બદલાતું જોવા મળી રહ્યું છે. જમાઈને સોનાની વીટી, ઘરેણાં અને અન્ય મોંઘી વસ્તુઓ ભેટ કરવામાં આવે છે.  

આ રિવાજને જોતા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ કેટલાક સવાલો ઉપસ્થિત કર્યા છે. સમિતિનું કહેવું છે, રિવાજ મનાવવામાં કઈ ખોટું નથી, પણ સોના જેવા મોંઘા ભેટ-સોગાદોના લીધે દીકરીના પિતા પર આર્થિક બોજ વધે છે. પરંપરા અને સામાજિક વાસ્તવિકતા વચ્ચે સંતુલનને લઈને હવે નવી ચર્ચાઓનો મધપૂડો છંછેડાયો છે.