Wed Jun 10 2026

Logo

લગ્ન માટે દબાણ કરનારી યુવતીની હત્યા કરી મૃતદેહ સળગાવી દીધો

2026-06-10 17:05:48
Author: Yogesh C Patel
Article Image

યુવતીએ પહેરેલા દાગીના પરથી કેસ ઉકેલાયો: ઈંટ સપ્લાયરની ધરપકડ

થાણે: લગ્ન માટે દબાણ કરનારી યુવતીની માથામાં લોખંડનો સળિયો ફટકારી હત્યા કરવામાં આવી હતી. પછી તેના મૃતદેહને પનવેલમાં લઈ જઈ સળગાવી દેનારા ઈંટ સપ્લાયરની પોલીસે ધરપકડ કરી હતી. મૃતદેહ પરથી મળેલા દાગીના પરથી આ કેસ ઉકેલાયો હોવાનો દાવો વરિષ્ઠ પોલીસ અધિકારીએ કર્યો હતો.

ડેપ્યુટી પોલીસ કમિશનર રશ્મી નાંદેડકરે જણાવ્યું હતું કે પનવેલમાં ચિંચવલી-વાકડી ગામની સરહદેથી 11 એપ્રિલે અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. સળગાવી દેવાને કારણે શબ કોહવાવા લાગ્યો હતો, જેને પગલે યુવતીની ઓળખ મેળવવી મુશ્કેલ બન્યું હતું.
ઘટનાસ્થળેથી યુવતીની ઓળખ થઈ શકે એવા દસ્તાવેજો અથવા અન્ય કોઈ સગડ મળ્યા નહોતા. પરિણામે સીઆઈડીની મદદથી દેશભરમાં યુવતીએ પહેરેલા દાગીનાનું વર્ણન સર્ક્યુલેટ કરવામાં આવ્યું હતું. એ સિવાય પોલીસ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ પણ તપાસી રહી હતી, એમ ડીસીપીએ જણાવ્યું હતું.

દરમિયાન એક કોન્સ્ટેબલ મિસિંગ વ્યક્તિના ડેટા તપાસતો હતો ત્યારે શિળડાયઘર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદ પર તેની નજર પડી હતી. 30 વર્ષની યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. તે યુવતીએ પહેરેલા દાગીના અને શારીરિક વર્ણન મૃતદેહ સાથે મેળ ખાતા હતા. આખરે મૃતદેહ અનીતાદેવી ભગવાન રાજભરનો હોવાની ખાતરી થઈ હતી, એવું નાંદેડકરે જણાવ્યું હતું.પોલીસે અનીતાદેવીના મોબાઈલના કૉલ ડેટા રેકોર્ડ્સ તપાસતાં તે કરણ નામદેવ પાટીલના સતત સંપર્કમાં હોવાનું જણાયું હતું. શિળફાટા સ્થિત ફડકેપાડાના ઈંટના સપ્લાયર કરણે શરૂઆતમાં પોલીસના સમન્સને અવગણ્યા હતા. પોલીસ સ્ટેશને આવવાનું ટાળતા કરણ પરની શંકા દૃઢ બની હતી. તાબામાં લઈ આકરી પૂછપરછ બાદ કરણે ગુનો કબૂલ્યો હતો.

અનીતાદેવી લગ્ન માટે દબાણ કરતી હોવાથી તેનાથી પીછો છોડાવવા આરોપીએ હત્યાનું કાવતરું ઘડ્યું હતું. નક્કી થયા મુજબ આરોપી 6 એપ્રિલે લલચાવીને યુવતીને પોતાની કારમાં નિર્જન સ્થળે લઈ ગયો હતો, જ્યાં માથામાં લોખંડનો સળિયો ફટકારી તેની હત્યા કરી હતી. પછી કારમાં મૃતદેહ પનવેલ લાવ્યો હતો. કારમાંથી જ પેટ્રોલ કાઢી મૃતદેહ પર રેડ્યું હતું અને આગ ચાંપી હતી. કોર્ટે આરોપીને 12 જૂન સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. (પીટીઆઈ)