ગાંધીનગર : ગુજરાત સરકારે ખેડૂતોના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી તથા કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ બાજરી, મકાઈ અને જુવારની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં માતબર વધારો જાહેર કરાયો છે.
બાજરી અને જુવારની ખરીદી મર્યાદામાં વધારો
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોની રજૂઆતોને હકારાત્મક વાચા આપતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. બાજરીની ખરીદી મર્યાદા અગાઉ જે 2,000 કિલો (100 મણ) હતી, તેને વધારીને હવે 3500 કિલો (175 મણ) પ્રતિ ખેડૂત કરવામાં આવી છે.
મકાઈની ખરીદી મર્યાદા પણ 1500 કિલોથી વધારીને 2500 કિલો કરી
આ જ રીતે, મકાઈની ખરીદી મર્યાદા પણ 1500 કિલો (75 મણ)થી વધારીને હવે 2500 કિલો (125 મણ) અને જુવારની ખરીદી મર્યાદા 1000 કિલો (50 મણ)થી વધારીને ખેડૂત દીઠ 1700 કિલો (85 મણ) કરી છે. આમ, રાજ્ય સરકારે બાજરીમાં 1`500 કિલો (75 મણ), મકાઈમાં 1000 કિલો (50 મણ) તેમજ જુવારમાં 700 કિલો (35 મણ)નો વધારો કર્યો છે.
ખેડૂત વધુ ઉપજ ટેકાના ભાવે વેચાણ કરી શકશે
કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા હવે આ નવી નિર્ધારિત મર્યાદા મુજબ ખેડૂતો પાસેથી ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સરકારના આ નૂતન અભિગમથી રાજ્યના હજારો ખેડૂતોને સીધો આર્થિક લાભ થશે અને તેઓ પોતાની વધુ ઉપજ ટેકાના ભાવે વેચાણ કરી શકશે.
ખેડૂતોના હિતમાં નિર્ણય
રાજ્ય સરકારની ખેડૂત કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દોહરાવતા મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા ટેકાના ભાવમાં વધારો કરીને ખેડૂતોને જે આર્થિક સુરક્ષા આપવામાં આવી છે, તેને આગળ ધપાવતા રાજ્ય સરકારે ખેડૂતોની લાગણી અને માંગણીઓને માન આપીને આ સુધારો કર્યો છે.