Wed Jun 10 2026

Logo

આ વખતનો ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપ જીતવા માટે કોણ છે ફેવરિટ?

New Jersey   2026-06-10 17:09:00
Author: Ajay Motiwala
Article Image

ChatGTP Ai Generated Image


ન્યૂ જર્સીઃ 2026નો ફિફા (Fifa) ફૂટબૉલ વર્લ્ડ કપ 96 વર્ષના ઇતિહાસનો સૌથી મોટો વિશ્વ કપ (World Cup) છે અને 48માંથી કયા દેશોની ટીમ 19મી જુલાઈની ફાઇનલમાં ટ્રોફી જીતવા માટે ફેવરિટ (Favorite) છે એ અત્યારે ફૂટબૉલપ્રેમીઓમાં સૌથી મોટી ચર્ચાનો વિષય છે. 2024નું યુરોપિયન ચૅમ્પિયન સ્પેન? બે વખત વિજેતા બની ચૂકેલું ફ્રાન્સ? કે પછી લિયોનેલ મેસીનું ડિફેન્ડિંગ ચૅમ્પિયન આર્જેન્ટિના? 

રોનાલ્ડોનું પોર્ટુગલ, નેમારનું બ્રાઝિલ પણ દાવેદાર

જોકે આટલા જ ફેવરિટ દેશો છે એવું માનવાની કોઈ ભૂલ ન કરે, કારણકે અન્ય મોટા દેશોની ટીમમાં એવા કાબેલ ખેલાડીઓ છે જેઓ પોતાના દેશને આ વખતે ટાઇટલ અપાવી શકે એમ છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું પોર્ટુગલ, નેમારનું બ્રાઝિલ અને હૅરી કેનનું ઇંગ્લૅન્ડ પણ ફેવરિટ દેશોમાં ગણી શકાય.

આ દેશો પણ જીતી શકે ટાઇટલ

આ ઉપરાંત જર્મની, નેધરલૅન્ડ્સ, બેલ્જિયમ, નોર્વે અને કોલમ્બિયા તેમ જ ઉરુગ્વેના નામ પણ ચર્ચામાં છે. આ વર્લ્ડ કપ અમેરિકા તેમ જ કૅનેડા અને મેક્સિકોમાં સંયુક્ત રીતે રમાશે અને ફેવરિટ દેશોમાં અમેરિકાનું નામ પણ લેવામાં આવી રહ્યું છે.

સ્પેન કેમ ફેવરિટ?

સ્પેન 2010માં પહેલી વખત ફિફા વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું હતું. એનો 18 વર્ષીય ખેલાડી લેમિન યમાલ બે વર્ષથી ફૂટબૉલ જગતમાં ધમાલ મચાવી રહ્યો છે. તાજેતરમાં જ તે `2026નો લા લિગા પ્લેયર ઑફ ધ યર' ઘોષિત થયો હતો. લા લિગા અને યુરોપિયન ટાઇટલ જીતી ચૂકેલા યમાલનું નામ આ વખતની ટૂર્નામેન્ટના બીજા દિગ્ગજો સાથે જ લેવામાં આવી રહ્યું છે. જોકે સ્પેન પાસે નિકો વિલિયમ્સ અને રૉડ્રિ પણ છે. દાની ઑલ્મો અને પૉઉ ક્યૂબારસી અને લુઇસ દ લા ફ્યૂએન્ટી પણ સ્પેનને જિતાડવા સક્ષમ છે.

ફ્રાન્સનો ફંડા શું છે?

વર્લ્ડ કપની મોસ્ટ-લૉડેડ ટીમોની વાત થાય ત્યારે ફ્રાન્સનું નામ અચૂક લેવામાં આવે છે. બૅક-ટુ-બૅક ફાઇનલ રમી ચૂકેલા 2018ના આ ચૅમ્પિયન દેશ પાસે કીલિયના ઍમ્બપ્પે છે જે આઠ વર્ષ પહેલાંના ચૅમ્પિયનપદ વખતે ટીનેજર હતો અને 2022માં તેણે લિયોનેલ મેસીને ફાઇનલમાં જબરદસ્ત લડત આપી હતી. રિયલ મૅડ્રિડ વતી રમતો ઍમ્બપ્પે બલોં ડી ઑર ખિતામ જીતી ચૂક્યો છે. તેને વર્લ્ડ કપમાં સાથ આપવા માટે ઑસ્મેન ડેમ્બેલ અને માઇકલ ઑલિસ પણ છે. ફ્રાન્સના રેયાન શેર્કી અને ડેઝીરે ડૂએની ગણના વિશ્વના શ્રેષ્ઠ મિડફીલ્ડર્સમાં થાય છે. એ ઉપરાંત, ફ્રાન્સ પાસે ઍન્ગૉલો કેન્ટ અને ઑરેલિએન શૂમેની જેવા પીઢ ખેલાડીઓ પણ છે. ગોલકીપર માઇક મેઇગનન પણ ફ્રાન્સ માટે મૅચ-વિનર બની શકે છે.

રોનાલ્ડોનું પોર્ટુગલ જીતી શકે ટાઇટલ?

2022માં લિયોનેલ મેસી જો આર્જેન્ટિનાને ટાઇટલ અપાવી શકે તો આ વખતે 41 વર્ષીય ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કેમ પોર્ટુગલને વિજેતાપદ ન અપાવી શકે? ઐતિહાસિક છઠ્ઠો વર્લ્ડ કપ રમનાર રોનાલ્ડોની શાનદાર કરીઅરમાં આ એક મોટી ટ્રોફી ખૂટે છે. તેની ટીમમાં પ્રીમિયર લીગનો પ્લેયર ઑફ ધ યર બ્રુનો ફર્નાન્ડિઝ તેમ જ વિતિન્યા અને ઝોવ નેવ્શ જેવા મૅચ-વિનર્સ છે. 2022નો વર્લ્ડ કપ જેમાં મેસીનું આર્જેન્ટિના ચૅમ્પિયન બન્યું હતું એમાં રોનાલ્ડોના પોર્ટુગલે મોરોક્કો સામેના પરાજયને લીધે અભૂતપૂર્વ આંચકો સહન કર્યો હતો અને રોનાલ્ડોનું ટાઇટલ જીતવાનું સપનું ત્યારે ચકનાચૂર થઈ ગયું હતું.

આર્જેન્ટિના અને બ્રાઝિલ પણ છે ફેવરિટ

2022ની ફાઇનલમાં પેનલ્ટી કિકથી ફ્રાન્સને હરાવીને ટ્રોફી જીતનાર આર્જેન્ટિનાને લિયોનેલ મેસી (જો પૂર્ણપણે ફિટ હશે તો) આ વખતે પણ ટાઇટલ અપાવી શકે એમ છે. બીજી તરફ, બ્રાઝિલ પણ ટ્રોફી માટે દાવેદાર છે. 20 વર્ષથી બ્રાઝિલના નામે ટાઇટલ નથી જોવા મળ્યું. એક સમય હતો જ્યારે બ્રાઝિલનો રોનાલ્ડો લુઇસ નૅઝારિયો દ લિમા ફૂટબૉલ-કિંગ હતો. દાયકાઓ પહેલાં પેલેએ ફૂટબૉલ જગત પર રાજ કર્યું હતું, પણ ત્યાર પછી રોનાલ્ડો લુઇસ નૅઝારિયો ઉપરાંત રોનાલ્ડિન્યો અને રોબર્ટ કાર્લોસ, કૅફુ, કાકા, ડુન્ગા અને રોબિન્યોએ પણ બ્રાઝિલનું નામ રોશન કર્યું હતું. હંમેશની માફક આ વખતે પણ બ્રાઝિલ કોઈ પણ હરીફ માટે પડકારરૂપ છે. જોકે નેમારની ફિટનેસ પર પણ ઘણો આધાર રહેશે. તેને સાથ આપશે વિનિસિયસ જુનિયર, રાફિન્યા, કેસમિરો, માર્કિન્હૉસ, ઍલિસન, મૅથ્યૂઝ કુન્હા અને ગૅબ્રિયેલ માર્ટિનેલી.

કયા દેશ પાસે સૌથી વધુ ટ્રોફી?

બ્રાઝિલ સૌથી વધુ પાંચ વખત ફિફા વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે. બીજા નંબરે ચાર-ચાર ટ્રોફી સાથે ઇટલી અને જર્મની છે. જોકે ઇટલી આ વખતના વર્લ્ડ કપમાં પણ ક્વૉલિફાય નથી થઈ શક્યું.

કોની સૌથી વધુ ફાઇનલ પણ ટ્રોફી એકેય નહીં?

નેધરલૅન્ડ્સ એકમાત્ર દેશ છે જેની ટીમ સૌથી વધુ ત્રણ વખત (1974, 1978, 2010) ફાઇનલમાં પહોંચી છે, પરંતુ ક્યારેય ટાઇટલ નથી જીતી શકી. 1974માં નેધરલૅન્ડ્સનો ફાઇનલમાં યજમાન પશ્ચિમ જર્મની સામે 1-2થી, 1978માં યજમાન આર્જેન્ટિના સામે 1-3થી અને 2010માં સ્પેન સામે 0-1થી પરાજય થયો હતો.