વોશિંગ્ટન ડીસી: ઈલોન મસ્ક (Elon Musk) પહેલેથી જ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે, પરંતુ હવે તેમની સ્પેસ કંપની SpaceX (Space Exploration Technologies Corp)નો આગામી આઈપીઓ (IPO) તેમને એક એવા મુકામ પર પહોંચાડી શકે છે, જે આજ સુધી માનવજગતના ઇતિહાસમાં કોઈએ હાંસલ નથી કર્યો. મસ્ક ખૂબ જ ટૂંક સમયમાં 1 ટ્રિલિયન ડોલર (1 લાખ કરોડ ડોલર)ની નેટવર્થ ધરાવતા વિશ્વના પ્રથમ ‘ટ્રિલિયોનર’ બની શકે છે.
SpaceX ઇતિહાસના સૌથી મોટા આઈપીઓ દ્વારા 75 અબજ ડોલર એકઠા કરવા જઈ રહી છે. કંપનીએ ઓફર પ્રાઇસ 135 ડોલર પ્રતિ શેર નક્કી કરી છે, જેનાથી આ રોકેટ અને સેટેલાઇટ બનાવતી દિગ્ગજ કંપનીની કુલ વેલ્યુએશન આશરે 1.77 ટ્રિલિયન ડોલર થઈ જશે. આ મેગા આઈપીઓની કિંમત 11 જૂને નક્કી થવાની આશા છે અને તેના એક દિવસ પછી એટલે કે 12 જૂને નેસ્ડેક (Nasdaq) પર ‘SPCX’ ટીકર હેઠળ તેનું ટ્રેડિંગ શરૂ થઈ જશે.
કઈ રીતે પાર કરશે 1 ટ્રિલિયન ડોલરનો આંકડો?
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ઈલોન મસ્કની હાલની નેટવર્થ આશરે 716 અબજ ડોલર આંકવામાં આવી છે, જેમાં SpaceXમાં તેની ભાગીદારીનું મૂલ્ય આશરે 542 અબજ ડોલર છે. આ IPOની ખાસ વાત એ છે કે મસ્ક આ ઓફરિંગમાં પોતાનો એક પણ શેર વેચી રહ્યા નથી. લિસ્ટિંગ પછી પણ કંપની પર તેમનો સંપૂર્ણ કંટ્રોલ રહેશે, કારણ કે રેગ્યુલેટરી ફાઇલિંગ મુજબ તેઓ એક ખાસ ક્લાસના શેર દ્વારા આશરે 82.4 ટકા વોટિંગ પાવર પોતાની પાસે જ રાખશે.
મસ્ક પાસે પહેલેથી જ આશરે 273 બિલિયન ડોલર મૂલ્યના ટેસ્લા (Tesla) ના સ્ટોક અને ઓપ્શન્સ છે. જો SpaceX તેના ટાર્ગેટેડ 1.77 ટ્રિલિયન ડોલરના વેલ્યુએશન પર લિસ્ટ થાય છે, તો કંપનીમાં મસ્કની હિસ્સેદારીની વેલ્યુ વધીને આશરે 841 બિલિયન ડોલર થઈ શકે છે (કારણ કે બિઝનેસનો અડધો હિસ્સો તેમની પાસે છે). સરળ ગણિત સમજીએ તો, ટેસ્લા અને SpaceX બંને હોલ્ડિંગ્સ મળીને એલોન મસ્કની કુલ સંપત્તિ આશરે 1.11 ટ્રિલિયન ડોલર પર પહોંચી જશે, જે તેમને ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ બનાવી દેશે.
સાઉદી અરામકોનો રેકોર્ડ પણ તૂટી જશે
SpaceX આ IPO માં 555.6 મિલિયન શેર વેચવાની યોજના બનાવી રહી છે. આનાથી જે 75 અબજ ડોલરની કમાણી થશે, તે વર્ષ 2019માં સાઉદી અરામકો (Saudi Aramco)ના રેકોર્ડબ્રેક IPO કરતાં લગભગ ત્રણ ગણી વધારે છે. માર્કેટમાં આ આઈપીઓનો ક્રેઝ એટલો છે કે રોકાણકારોની માંગ અત્યાર સુધીમાં 150 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે, એટલે કે આ ઈશ્યૂ લિસ્ટિંગ પહેલા જ બમણો ઓવરસબસ્ક્રાઇબ થઈ ચૂક્યો છે.
30 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત
મોટા ભાગના પબ્લિક ઓફરિંગથી અલગ આ ઈશ્યૂ સંપૂર્ણપણે ‘પ્રાયમરી સેલ’ તરીકે લાવવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે આનાથી થનારી તમામ કમાણી કોઈ જૂના શેરધારકોના ખિસ્સામાં જવાને બદલે સીધી SpaceX કંપનીના વિકાસમાં વપરાશે. આ સિવાય કંપનીએ આ ઓફરિંગનો 30 ટકા હિસ્સો રિટેલ (નાના) રોકાણકારો માટે અનામત રાખ્યો છે, જે આટલા મોટા આઈપીઓ માટે ખૂબ જ મોટી વાત છે.
અમેરિકાની ટોપ ૧૦ કંપનીમાં એન્ટ્રી થશે?
1.77 ટ્રિલિયન ડોલરના વેલ્યુએશન સાથે લિસ્ટ થતાંની સાથે જ SpaceX અમેરિકાની ટોપ 10 સૌથી મૂલ્યવાન લિસ્ટડ કંપનીઓમાં સામેલ થઈ જશે. તે Nvidia, Microsoft, Apple અને Amazon જેવા દિગ્ગજોની ક્લબમાં સીધી એન્ટ્રી કરશે. ટ્રેડિંગના પહેલા જ દિવસે એલોન મસ્ક સત્તાવાર રીતે ટ્રિલિયોનર બને છે કે નહીં, તેનો આધાર શેરબજારના રિસ્પોન્સ પર રહેશે. પરંતુ એક વાત નક્કી છે કે આ આઈપીઓ મસ્કને 1 ટ્રિલિયન ડોલરની નફો મળી શકે છે, જ્યાં આજ સુધી દુનિયાનો કોઈ માનવી પહોંચી શક્યો નથી. ઈલોન મસ્ક આમેય દુનિયાનો સૌથી ધનીક વ્યક્તિ તો છે જ, પરંતુ આ આઈપીઓથી તેમની સંપત્તીમાં હજી પણ વધારો થઈ શકે છે.