બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન અને તેમના પરિવાર માટે મંગળવારનો દિવસ ખૂબ જ મોટો આઘાત અને દુઃખ લઈને આવ્યો છે. ખાન પરિવારની અત્યંત નજીકની અને પારિવારિક સભ્ય ગણાતી કુમુદ રાણેનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. કુમુદ રાણેના નિધનથી ખાન પરિવારમાં દુઃખનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી અનુસાર કુમુદ રાણે કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને મુંબઈની સાન્તાક્રુઝ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ દુઃખદ સમાચાર મળતા જ સલમાન ખાન, સોહેલ ખાન અને તેમની માતા સલમા ખાન સહિત આખો પરિવાર તેમના અંતિમ દર્શન કરવા પહોંચ્યો હતો. આ મુશ્કેલ ઘડીમાં ખાન પરિવાર ભાવુક જોવા મળ્યો હતો, અને હવે સોહેલ ખાને સોશિયલ મીડિયા પર એક અત્યંત હૃદયદ્રાવક પોસ્ટ શેર કરી છે.
સોહેલ ખાન પોતાની માતા સલમા ખાન સાથે કુમુદ રાણેના અંતિમ સંસ્કારમાં સામેલ થવા પહોંચ્યો હતો. ત્યારબાદ સોહેલે ઈન્સ્ટાગ્રામ પર કુમુદ સાથેનો એક સુંદર ફોટો શેર કરીને ઈમોશનલ નોટ પણ લખી છે, જે સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહી છે. કુમુદ રાણેના નિધનથી આખા ખાન પરિવારમાં દુઃખનું મોજું ફરી વળ્યું છે.
સોહેલ ખાને પોતાની પોસ્ટમાં લખ્યું હતું આજે મેં મારી ખૂબ જ સુંદર બહેનને ખોઈ દીધી છે. આ દુનિયામાં કોઈ પણ ક્યારેય તેમની જગ્યા નહીં લઈ શકે. મને જગ્ગી અને કબીરની ચિંતા થઈ રહી છે, કારણ કે કુમુદ તેમની લાઈફલાઈન હતી. આવા સમય આપણને એ અહેસાસ કરાવે છે કે જિંદગી કેટલી મુશ્કેલ છે અને આપણે ભગવાન સામે સવાલો કરવા લાગીએ છીએ. હું પ્રાર્થના કરું છું કે તેઓ જ્યાં પણ હોય, ખુશ હોય. અમે તેમને હંમેશા યાદ કરીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે કુમુદ રાણે સલમાન ખાનના પરિવારની વર્ષો જૂની ફેમિલી ફ્રેન્ડ હતી. તેઓ વ્યવસાયે એક જાણીતા હેર સ્ટાઈલિસ્ટ હતા અને મુંબઈના બાંદ્રા વિસ્તારમાં પોતાનું સેલોન ચલાવતા હતા. કુમુદ રાણેના લગ્ન જગ્ગી રાણે સાથે થયા હતા અને ખાન પરિવાર સાથે તેમનો સંબંધ એક પરિવારના સભ્ય જેવો જ હતો.
કુમુદ રાણેના નિધનની ખબર મળતાં જ સલમાન ખાન અને તેમનો પરિવાર જગ્ગી અને તેમના પુત્ર કબીરને સાંત્વના આપવા તાત્કાલિક દોડી ગયો હતો. કેન્સરની સારવાર દરમિયાન પણ કુમુદ હંમેશા સકારાત્મક રહેતા હતા. સોશિયલ મીડિયા પર પાંચમી ફેબ્રુઆરીના રોજ તેણે શેર કરેલો ફોટો તેમની છેલ્લી સોશિયલ મીડિયા સાબિત થઈ હતી. બોલીવૂડ સેલેબ્સે પણ સોહેલની પોસ્ટ પર કમેન્ટ કરીને કુમુદ રાણેને શ્રદ્ધાંજલિ આપી છે.