Sat Jun 13 2026

Logo

મેગીમાં જીવડાં હોવાના દાવાથી ખળભળાટ! FSSAI એ નેસ્લે ઇન્ડિયાને ફટકારી નોટિસ

2026-06-12 22:37:34
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: લોકપ્રિય ફૂડ બ્રાન્ડ 'મેગી' બનાવતી કંપની નેસ્લે ઇન્ડિયા (Nestle India) ફરી એકવાર વિવાદોના ઘેરાવમાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક ફરિયાદમાં મેગીના પેકેટમાંથી કથિત રીતે જીવડાં અથવા ઇયળ મળી આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, જેની ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) એ ગંભીરતાથી લીધી છે. FSSAI દ્વારા આ મામલે નેસ્લે ઇન્ડિયાને સત્તાવાર નોટિસ પાઠવીને ખુલાસો માંગવામાં આવ્યો છે. આ નકારાત્મક સમાચારની સીધી અસર શેરબજાર પર જોવા મળી હતી, જ્યાં શુક્રવારે નેસ્લે ઇન્ડિયાનો શેર ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન 3.2% જેટલો તૂટીને રૂ. 1,376 ના સ્તરે પહોંચી ગયો હતો અને દિવસના અંતે 3.29% ના ઘટાડા સાથે રૂ. 1,375.70 પર બંધ થયો હતો.

મળતી વિગતો અનુસાર, FSSAI દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં નેસ્લે ઇન્ડિયા પાસે અનેક મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબો માંગવામાં આવ્યા છે. FSSAIએ  કંપનીને પૂછ્યું છે કે સંબંધિત પ્રોડક્ટનો સોર્સ અને સપ્લાયર કોણ હતો, તે ચોક્કસ બેચના ક્વોલિટી ચેકના રેકોર્ડ્સ શું કહે છે, અને આ ઘટના સામે આવ્યા બાદ કંપનીએ કયા સુધારાત્મક પગલાં લીધા છે? આ ઉપરાંત, સપ્લાય ચેનમાંથી આવા શંકાસ્પદ ઉત્પાદનોને હટાવવા માટે શું કાર્યવાહી કરવામાં આવી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કયા પગલાં લેવાઈ રહ્યા છે તેની વિગતવાર રિપોર્ટ પણ માંગવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, FSSAI એ માત્ર નેસ્લે જ નહીં, પરંતુ ફ્લિપકાર્ટ ઇન્ડિયા અને ઓપન સિક્રેટને કથિત કીડાવાળી પ્રોડક્ટ્સ માટે તેમજ KFC ને તેના આઉટલેટમાં સ્વચ્છતાના ધોરણો જાળવવા બાબતે પણ નોટિસો ફટકારી છે.

બીજી તરફ, નેસ્લે ઇન્ડિયાના પ્રવક્તાએ સત્તાવાર નિવેદન જાહેર કરીને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા તમામ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. કંપનીએ જણાવ્યું છે કે આ આખો મામલો એક અનઓથેન્ટિક  સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આધારિત છે, જેની સાથે સંપર્ક ન થઈ શકવાને કારણે હજુ સુધી ફરિયાદવાળો ઓરિજિનલ સેમ્પલ કંપનીને મળ્યો નથી. કંપનીએ ઉમેર્યું હતું કે, તેઓએ સંબંધિત બેચના ક્વોલિટી રેકોર્ડ્સ, ટેસ્ટ રિપોર્ટ્સ અને તમામ જરૂરી વિગતો સત્તાધિકારીઓને સોંપી દીધી છે. એટલું જ નહીં, કંપનીએ તે બેચ અને બજારના સેમ્પલ્સનું FSSAI માન્ય લેબોરેટરીમાં ક્વોલિટી એનાલિસિસ પણ કરાવ્યું છે, જેમાં પ્રોડક્ટ સંપૂર્ણપણે શુદ્ધ હોવાનું અને કોઈ પણ પ્રકારની જીવાત કે ઇયળ ન હોવાનું સાબિત થયું છે.

હાલના તબક્કે આ ફરિયાદ કેટલી સાચી છે તે FSSAI ની અંતિમ તપાસ અને રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. મેગી ભારતભરના કરોડો લોકોની રોજની જિંદગીનો એક મહત્વનો ભાગ હોવાથી, ખાદ્ય સુરક્ષા સાથે જોડાયેલી આ બાબત સીધી રીતે ગ્રાહકોના ભરોસા અને કંપનીની બ્રાન્ડ ઈમેજ પર અસર કરે છે.