- સંજય છેલ
ટાઇટલ્સ:
બીજાને ભણાવવાથી પોતાનું યે પાકું થાય. (છેલવાણી)
એકવાર મીરાબાઇ એમનાં ગુરુ રૈદાસ પાસે જાય છે ત્યારે રૈદાસ માટીનાં વાસણોને ગેરૂઆ રંગે રંગતા હતા. વાતવાતમાં અચાનક રૈદાસનું ધ્યાન જાય છે કે સફેદ વસ્ત્રધારી મીરાબાઇ પર ગેરૂઆ છાંટા લાગ્યા છે અને કહે છે, ‘અરે, તુમ તો રંગ ગઇ!’
શિષ્યને ગુરુ કોઇપણ રંગે રંગી શકે છે. માટીનાં કાચા લોંદાને મનચાહે એ આકાર કે સ્વરૂપ આપી શકે છે.
3 દિવસ પછી 29 જુલાઈએ ગુરુ પૂર્ણિમા છે.
આજનાં યુગમાં પણ કેટલાંક સાધારણ શિક્ષક છે, જે એટલા અસાધારણ કે એકસ્ટ્રા ઓર્ડિનરી છે કે જેમની ફરજ-નિષ્ઠા જોઇને આપણાં હાથ આપોઆપ જોડાઇ જાય, જેમ કે- હૈદ્રાબાદ પાસે રેગટ્ટા ગામમાં નાલગોંડાની સરકારી શાળામાં એક એવા ટીચર છે, જે વીતેલ યુગની કોઇ આદર્શવાદી વાર્તાનાં અકલ્પનીય હીરો જેવા લાગે. ગુરિજા મહેશ નામના એ શિક્ષક રોજ સરકારી શાળામાં ભણાવવા જાય ત્યારે નવ વાગે પ્રાર્થના પછી ચેક કરે કે કયો કે કઇ સ્ટુડન્ટ ગેરહાજર છે. પછી ગેરહાજર વિદ્યાર્થી જો આસપાસમાં હોય તો એને બોલાવવા ક્લાસના મોનિટરને મોકલે પણ જો એ સ્કૂલથી દૂર હોય તો મહેશ પોતે પોતાનાં સ્કૂટર પર પોતાનું પેટ્રોલ બાળીને રોજ 3-4 બાળકોને શાળા સુધી ખેંચી લાવે. આવું 37 વરસનો ટીચર મહેશ, 2010થી પોતાના પૈસે ને પરસેવે સામે ચાલીને આ કામગીરી સતત કરે છે, જેની કોઇએ ફરજ એને પાડી નથી.
દેશમાં એક તરફ સરકારી નોકરીમાં ઐશ કરતા ટીચરો છે તો બીજી બાજુ, ગુરિજા મહેશ જેવા ગુરુજનો છે, જે છેલ્લા 13 વરસથી ગામનાં બાળકોને પકડી પડડીને ભણાવે છે, ઈશ્વરનાં કેટકેટલાં અવતાર સામાન્ય સ્વરૂપમાં આપણી આસપાસ ફરતા હોય છે ને?!
મહારાષ્ટ્રનાં વાશિમ તાલુકાની શાળામાં કિશોર મનકર નામનો શિક્ષક રોજ 10 કિલોમીટર ચાલીને શાળાએ પહોંચે પણ ત્યાં એની રાહ જોતા કેટલા બાળકો હોય?
ફક્ત એક...! જી હાં, છેલ્લા પાંચ વરસથી માત્ર એક જ બાળકને ભણાવવા કિશોર મનકર કાચો ઊબડખાબડ રસ્તો, વરસાદ, કીચડ, તડકો ને હાડમારી વેઠીને મથ્યા કરે છે. વિચાર કરો, માત્ર એક જ બાળકને સતત ભણાવવાની ઝૂઝારુ શિક્ષકની જીદ પાછળ કઇ કર્મઠતા કામ કરતી હશે? શહેરમાં લાખોનાં કોચિંગ ક્લાસની ફેક્રટરીઓ, બેફામ વેંચાતા પરીક્ષાપત્રો, મોં માગ્યા ડોનેશનો ને બેફામ ફી વસૂલતા નફ્ફટ સ્કૂલ મેનેજમેંટવાળાઓની આ આધુનિક આર્થિક આંધી છે ને એ આંધીની સામે આજે ય ઝઝૂમતા આરતીના દીવા સમાન શિક્ષક છે તો ત્યાં દેશનાં સૌથી મોટા રાજ્ય, યુ.પી.ના ગાઝિયાબાદની 150વિદ્યાર્થીવાળી સરકારી શાળામાં ત્રણ વરસથી એક શિક્ષક કે પ્રિન્સીપાલ પણ નથી...આસપાસ 18 સરકારી શાળામાં માત્ર એક જ ટીચર ક્યારેક ભણાવવા આવે છે. અહીં મોટાભાગનાં બાળકો મધ્યાહ્ન ભોજન કરવા અઠવાડિયામાં 2-3 દિવસ આવે છે, ત્યાં જ્યારે દૂધ-કેળાં મળે છે. વર્ષાનુવર્ષ હજારો-લાખો રૂ.નું સરકારી ફંડ ક્યાં જાય છે? એની કોઇને ખબર નથી અથવા તો ક્યારેક ફંડ સાવ વપરાયા વિના જ પડ્યું રહે છે. સરકારી આંકડા મુજબ યુ.પી.માં જ 85,000 જેટલા શિક્ષકોની નોકરીઓ ખાલી પડી છે.
ઈન્ટરવલ:
શીશ દિયે જો ગુરુ મિલે,
તો ભી સસ્તા જાન. (સંત કબીર)
અને એ જ યુ.પી.માં 3-4 વરસ અગાઉ એક એવી ઘટના થઇ ગઈ છે કે ‘શિક્ષક કે ગુરુ’ માટે તમારા મનમાં જે મહાન મૂર્તિ હશે એ પળભરમાં તૂટીને ચકનાચૂર થઇ જશે. અહીં અનામિકા નામની એક ટીચરે એક સાથે, એક જ સમયે 25-25 સરકારી શાળાઓમાં નોકરી કરીને 1 કરોડ જેટલો પગાર મેળવેલો.
ક્યાંક ‘અનામિકા સિંઘ’ના નામે તો ક્યાંક ‘શુક્લા’ના નામે. કાસગંજ, સરહાનપુર, અલીગઢ કે બાગપત જેવા અલગ અલગ શહેરમાં એક જ ‘અનામિકા’ સરકારી ચોપડે ભણાવતી! આવા ગુરુઓની મહાન ઘટના ‘વિશ્વગુરુ’ બનવા થનગનતા ભારતમાં જ સંભવી શકે. નક્કી આ ગુરુઘંટાલની માયાજાળ પાછળ ઘણાં લોકો હશે નહીંતર 13- 13 મહિના સુધી આવું ચાલે? વેલ, યુ.પી.માં કંઇપણ ચાલે.
પેલી અનામિકા ટીચર કે ચીટર આમ તો વિજ્ઞાનની શિક્ષિકા હતી પણ વિજ્ઞાનથી વિશેષ એ છદ્મકળામાં વધુ નિપુણ હશે માટે એક કલાકાર તરીકે એક સાથે આટલા બધા રોલ્સ ભજવવા માટે અનામિકાનું સન્માન થવું જોઇએ. અત્યાર સુધી ટીચર એટલે કે ‘ગરીબ માસ્તર’ એવી છાપ હતી પણ અનામિકાએ 1 કરોડ કમાઇને ટીચરોનું લેવલ ખરેખર ઊંચું આણી દીધુંને? આમ તો અનામિકાનો અર્થ છે કે ‘જેનું કોઇ નામ નથી એવી’, પણ આવી ફાંકડી ફ્રોડગીરી કરીને એણે પોતાનું નામ શિક્ષણ ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત કરાવી નાખ્યું.
વરસો સુધી ઓછા પગારે નોકરી કરીને કે ટ્યુશનનાં ઢસરડાં કરીને બાળકોને શીખવતા શિક્ષકોએ અનામિકાજી પાસે શીખવું જોઇએ કે પૈસા કેમ કમાવાય! જ્ઞાનનાં દેવી સરસ્વતિજી, જેમ અત્ર- તત્ર- સર્વત્ર છે, એમ શિક્ષણ ક્ષેત્રનાં લોચા ભારતભરમાં બધે જ છે, પણ આવો ને આટલો સુપર્બ જુગાડ માત્ર ને માત્ર યુ.પી.માં જ શક્ય છે. 80ના દાયકામાં પંજાબમાંથી અલગ ‘ખાલિસ્તાન’ની પછી અલગ ‘આસામ’ની કે અલગ ‘ગોરખાલેંન્ડ’ની માગણીઓ ઉઠેલી ત્યારે સંસદમાં ભૂતપૂર્વ વડા પ્રધાન વી.પી.સિંહે યુ.પી.નાં સાંસદોને કહેલું, જો જો હોં તમે લોકો ભૂલથીયે અલગ યુ.પી. માગતા જ નહીં! નહીંતર આખો દેશ સાથે મળીને એક અવાજે તરત જ ‘હા’પાડી દેશે એટલા બધા તમે બદનામ છો!
ખૈર, ગુરુ બિન જ્ઞાન કહાં સે પાઉં? આજે જ્યારે પરીક્ષાપત્રો ફૂટે છે ત્યારે શિક્ષાતંત્રમાં આપણને રાખતા ભ્રમમાંને ‘બ્રહ્મા’ સમજીને શિક્ષકને અને શિક્ષણ વ્યવસ્થાને પ્રશ્નો સાથે શત: શત: પ્રણામ.
એન્ડ ટાઇટલ્સ:
આદમ: તું મારી ગુરુ છે.
ઇવ: આ વખાણ છે કે આરોપ?