પુણે: મહારાષ્ટ્રના પુણેમાં બનેલા ચકચારી કેતન અગ્રવાલ હત્યાકાંડમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ ઘાતકી હત્યા કેસની મુખ્ય આરોપી અને કેતનની મંગેતર સિયા તથા તેના બોયફ્રેન્ડ ચેતનનો વધુ એક નવો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં બંને પ્રેમી-પંખીડા સાથે બેસીને લોકલ 'માર્કેટ યાર્ડ ક્રિકેટ લીગ'ની મેચની મજા માણતા નજરે પડી રહ્યા છે.
વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સિયા અને ચેતન એક જ રંગના ટી-શર્ટ પહેરીને સ્ટેડિયમમાં ખૂબ જ નજીક બેઠેલા છે. જોકે, મેચના લાઈવ ટેલિકાસ્ટ દરમિયાન કેમેરામેન જેવો જ કેમેરો તેમના તરફ ફેરવે છે, કે તરત જ સિયા ગભરાઈને ચેતનથી અલગ થઈને દૂર બેસી જાય છે. આ વિડીયો સામે આવ્યા બાદ બંને વચ્ચેના પ્રેમ સંબંધો વધુ સ્પષ્ટ થઈ રહ્યા છે.
બીજી તરફ, કેતન અગ્રવાલ હત્યા મામલામાં લોનાવાલા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. કેસના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે બીજા દિવસે પણ સિયાના પરિવારજનોની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી હતી. સિયાના માતા-પિતા ઉપરાંત તેના ભાઈ સાહિલને પણ લોનાવાલા પોલીસ સ્ટેશનમાં બોલાવીને કલાકો સુધી પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેસ સંબંધિત તમામ લોકો અત્યારે તપાસમાં સહકાર આપી રહ્યા છે. આ કેસ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા તમામ શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવશે અને કાયદાકીય પ્રક્રિયા મુજબ તમામના સત્તાવાર નિવેદનો નોંધવામાં આવશે. ગુનાના ડિજિટલ પુરાવા એકત્ર કરવા માટે આરોપીઓ પાસેથી તેમના મોબાઈલ ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ચીજો જપ્ત કરવામાં આવી છે, જેને વધુ તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.
'જો સિયાએ ના પાડી હોત તો લગ્ન રોકી દેત' - ભાઈ સાહિલ
આ અગાઉ પોલીસે સિયાના ભાઈ સાહિલની સતત 10 કલાક સુધી આકરી પૂછપરછ કરી હતી. સાહિલ પાસેથી તેની આરોપી બહેન સિયા અને તેના પ્રેમી ચેતનના સંબંધો તેમજ હત્યાના કાવતરા વિશે મહત્વના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન સાહિલે રડમસ અવાજે પોલીસને જણાવ્યું હતું કે, અમને સિયાના અફેર વિશે કોઈ જાણ નહોતી. જો સિયાએ પરિવારને માત્ર એટલું જ કહી દીધું હોત કે તેને કેતન પસંદ નથી, તો અમે આ લગ્ન ક્યારેય ન થવા દેત અને તેને રોકી દેત.
હાલમાં પોલીસ એફએસએલના રિપોર્ટની રાહ જોઈ રહી છે, જેનાથી આ હત્યા પાછળના અન્ય રહસ્યો પરથી પડદો ઊંચકાશે.