Thu Oct 01 2026

Logo

લાતુરમાં રોડ રેજની ઘટનામાં યુવક પર દાતરડાથી હુમલો: ત્રણની ધરપકડ

2026-09-30 18:38:46
Author: Yogesh D. Patel
લાતુરમાં રોડ રેજની ઘટનામાં યુવક પર દાતરડાથી હુમલો: ત્રણની ધરપકડ

લાતુર: લાતુરમાં રિક્ષાએ મોટરસાઇકલને ઑવરટેક કર્યા બાદ થયેલા ઝઘડામાં 22 વર્ષના યુવક અને તેના કાકા પર હુમલો કરવામાં આવ્યો હતો. 

લાતુરના ભરચક વિસ્તાર ઠાકરે ચોક ખાતે મંગળવારે સાંજે આ ઘટના બની હતી અને પોલીસે ત્રણ જણની ધરપકડ કરી હતી, જ્યારે સગીરને તાબામાં લેવાયો હતો.

પોલીસમાં નોંધાવાયેલી ફરિયાદ અનુસાર મંગેશ મનોહર વિભુતે (22) તેના કાકા રાજારૂપે સાથે મોટરસાઇકલ પર જઇ રહ્યો હતો ત્યારે રિક્ષાએ મોટરસાઇકલને ખરાબ રીતે ઑવરટેક કરી હતી. આને કારણે મંગેશનો રિક્ષાચાલક અને તેમાં હાજર અન્ય ત્રણ સાથે ઝઘડો થયો હતો.

આથી ઉશ્કેરાયેલા આરોપીઓએ મંગેશ અને તેના કાકા પર હુમલો કરી તેમને ઇજા પહોંચાડી હતી. રિક્ષાચાલકે મંગેશ પર દાતરડાથી હુમલો કરતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી.

આ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આખી ઘટના કેદ થઇ હતી અને ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. 

શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં મંગળવારે મોડી રાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

(પીટીઆઇ)