Tue Aug 18 2026

Logo

ગુજરાતમાં ઉદ્યોગો માટે જમીન મોંઘી થઈ, GIDCના નવા ભાવ થયા જાહેર

2026-08-15 11:45:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ રાજ્યમાં ઉદ્યોગો માટે જમીન મોંઘી થઈ છે. GIDCના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. સૂત્રો જણાવ્યા પ્રમાણે, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) એ વર્ષ 2026-27 માટે રાજ્યભરની ઔદ્યોગિક વસાહતો માટે જમીન ફાળવણીના દરોમાં 15% નો વધારો કર્યો છે. આ સુધારેલા ભાવ 14 ઓગસ્ટથી અમલમાં આવ્યા છે. 

નવા સુધારેલા દર પત્રકમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભરૂચ, જામનગર અને કચ્છ સહિતના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો તેમજ અન્ય કેટલાક જિલ્લાઓમાં આવેલી વસાહતોનો સમાવેશ થાય છે. GIDC એ આ નવા દરો પ્રતિ ચોરસ મીટરના આધારે નક્કી કર્યા છે. નિગમની બોર્ડ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય બાદ આ અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેના કારણે રાજયના ઔદ્યોગિક ક્ષેત્રમાં જમીનની નવી કિંમતોનું માળખું સ્પષ્ટ થયું હતું.

નવી જમીન ફાળવણી ઉપરાંત, નિગમની નીતિઓ હેઠળ સંબંધિત અન્ય ચાર્જિસ જેવા કે પ્લોટ ટ્રાન્સફર ફી અને ફાળવેલી જમીનનો ઉપયોગ ન કરવા બદલ લાગતા દંડની ગણતરીમાં પણ આ સુધારેલા દરો લાગુ કરવામાં આવશે. નિગમ દ્વારા ઉદ્યોગકારોને ફાળવવામાં આવતા બહુમાળી શેડના દરોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. 

નવા દરો લાગુ થવાથી આગામી સમયમાં ગુજરાતમાં નવો ઉદ્યોગ શરૂ કરવાનું પ્રારંભિક મૂડી રોકાણ વધશે. આ દરો માત્ર નવી ફાળવણી માટે જ નહીં, પરંતુ પ્લોટના ટ્રાન્સફર અને બિન-ઉપયોગ બદલ લાગતી પેનલ્ટી ગણવા માટે પણ આધારભૂત ગણાશે. જોકે, MSME સેક્ટર માટે જાહેર કરાયેલા સ્પેશિયલ પાર્કના દરો પ્રમાણમાં રાહતભર્યા રાખવામાં આવ્યા છે.

અમદાવાદ જિલ્લાના વિવિધ GIDC એસ્ટેટમાં પ્રતિ ચોરસ મીટર દર અલગ-અલગ રાખવામાં આવ્યો છે.  ગાંધીનગર જિલ્લામાં ભાટ GIDCમાં રૂ. 18,550 પ્રતિ ચોરસ મીટર સૌથી ઊંચા દરોમાં છે. મહેસાણા-I રૂ. 5,230 અને મહેસાણા-II રૂ. 4,350 પ્રતિ ચોરસ મીટર છે. ઉત્તર ગુજરાતમાં પાલનપુરનો દર રૂ. 3,740 પ્રતિ ચોરસ મીટર છે.