Sun Aug 23 2026

Logo

તારાપુર MIDCમાં સ્ટીલ ફેક્ટરીની ભઠ્ઠીમાં ભયાનક વિસ્ફોટ! છતનાં પતરાં ઊડ્યા, આ કારણે ટળી મોટી દુર્ઘટના...

2026-08-18 14:54:00
Author: Darshana Visaria
Article Image

પાલઘરઃ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલા ઔદ્યોગિક વિસ્તાર તારાપુર (MIDC)માંથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. બોઈસર સ્થિત જાણીતી સ્ટીલ ઉત્પાદક કંપની 'વિરાજ પ્રોફાઈલ્સ પ્રાઈવેટ લિમિટેડ' (Viraj Profiles Pvt Ltd) ના SMS પ્લાન્ટમાં સોમવારે સવારે સ્ટીલ ઓગાળવાની ભઠ્ઠી (Induction Furnace) માં અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો.

આ પ્રચંડ ધડાકામાં 45 વર્ષીય ક્રેન ઓપરેટર ઈજાગ્રસ્ત થયો છે, જેને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમયસર ડેન્જર એલાર્મ વાગી જતાં પ્લાન્ટમાં કામ કરી રહેલા અન્ય કામદારો સમયસર બહાર દોડી આવ્યા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ હતી.

કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?
જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા વિવેકાનંદ કદમના જણાવ્યા અનુસાર સોમવારે સવારે આશરે ૧૦:૪૫ વાગ્યે પ્લાન્ટમાં ભઠ્ઠીમાં સ્ટીલ ઓગાળવાની પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક ભઠ્ઠીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં પ્લાન્ટમાં ક્રેન ચલાવી રહેલા ધર્મેન્દ્ર કુમાર રામઅવધ શર્મા (૪૫) દાઝી જતાં ઈજાગ્રસ્ત થયા હતા. તેમને પ્રાથમિક સારવાર આપીને બોઈસરની સ્ટાર લાઈટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ફેક્ટરી શેડની છત પર લગાવેલા પતરાં હવામાં ઊડીને દૂર સુધી જઈ પડ્યા હતા અને આસપાસની ફેક્ટરીઓની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા. વિસ્ફોટથી સમગ્ર ઔદ્યોગિક વિસ્તાર ધ્રૂજી ઊઠતાં કર્મચારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. 

સદ્નસીબે, વિસ્ફોટ થવાના આશરે બે મિનિટ પહેલાં પ્લાન્ટમાં જોખમની સૂચના આપતું એલાર્મ વાગી ગયું હતું. એલાર્મનો અવાજ સાંભળીને ઘટનાસ્થળે હાજર તમામ કામદારો સમયસૂચકતા વાપરીને પ્લાન્ટમાંથી બહાર ખુલ્લા રસ્તા તરફ દોડી ગયા હતા, જેથી મોટો અકસ્માત બનતાં અટકી ગયો હતો.

વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ:
ઘટનાની માહિતી મળતાં જ તારાપુર ફાયર બ્રિગેડની ટીમ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અધિક્ષક યતીશ દેશમુખ અને પોલીસ અધિકારીઓએ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું. ડિરેક્ટોરેટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISH)ના અધિકારીઓએ ફેક્ટરીમાં પહોંચીને વિસ્ફોટના ટેકનિકલ કારણોની તપાસ શરૂ કરી દીધી છે.