(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લાલબાગ વિસ્તારમાં મુનિસુવ્રત સ્વામી શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના દેરાસરમાંથી 1.75 કરોડ રૂપિયાના દાગીનાની થયેલી ચોરીનો કેસ પોલીસે ઉકેલી કાઢીને ભૂતપૂર્વ સુરક્ષારક્ષકની મધ્ય પ્રદેશથી ધરપકડ કરી હતી. ઘટનાસ્થળ સહિત 200થી 300 સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા બાદ ફૂટેજમાં નજરે પડેલા આરોપીની શોધમાં મધ્ય પ્રદેશ પહોંચેલી પોલીસ ટીમે તેને ઝડપી પાડીને તમામ દાગીના હસ્તગત કર્યા હતા. આરોપી વિરુદ્ધ મધ્ય પ્રદેશમાં આર્મ્સ એક્ટ અને લૂંટ સહિત 17 ગુના દાખલ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
કાલાચોકી પોલીસે આ કેસમાં ધરપકડ કરેલા આરોપીની ઓળખ જિતેન્દ્ર ઉર્ફે જિતન ઉર્ફે બંટી ઉર્ફે પંડિત નગાઇચ (34) તરીકે થઇ હતી, જે મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લાનો વતની છે. આરોપીને મધ્ય પ્રદેશથી મુંબઈ લાવવામાં આવ્યા બાદ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં તેને પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.
લાલબાગમાં વન અવિઘ્ન સ્ટેટ ખાતે આવેલ દેરાસર દરરોજ સવારે પાંચ વાગ્યે ખોલવામાં આવે છે અને રાતે નવ વાગ્યે તેના દરવાજા બંધ કરી દેવામાં આવે છે. 30 માર્ચે સવારે પાંચ વાગ્યે પૂજારી દેરાસર ખોલવા માટે આવ્યા ત્યારે તેમણે દરવાજા પર લાગેલું તાળું તૂટેલું જોયું હતું. આથી તેમણે દેરાસરના ટ્રસ્ટીઓને બનાવની જાણ કરી હતી અને ત્યાર બાદ અંદર જઇને તપાસ કરાતાં ભગવાન સીમંધરસ્વામીની મૂર્તિ પરના દાગીના ચોરાયા હોવાનું જણાયું હતું.
દરમિયાન ટ્રસ્ટના કાર્યકારી સભ્ય જયેશ જૈને આ પ્રકરણે કાલાચોકી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે તપાસ દરમિયાન ઘટનાસ્થળ સહિત 200થી 300 સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાંના એક ફૂટેજમાં આરોપી નજરે પડ્યો હતો. આરોપી અગાઉ દેરાસરમાં સુરક્ષારક્ષક તરીકે કામ કરી ચૂક્યો હતો અને તે મધ્ય પ્રદેશ ભાગી છૂટ્યો હોવાનું તપાસમાં જણાયા બાદ પોલીસની ટીમ તેને પકડવા માટે મધ્ય પ્રદેશ રવાના કરવામાં આવી હતી.
મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લામાં પહોંચેલી પોલીસ ટીમને માહિતી મળી હતી કે આરોપી તેના ગામમાં સગાના ઘરમાં છુપાયો છે. આથી પોલીસ ટીમ આરોપીના સગાના ઘરે પહોંચી હતી. પોલીસને જોઇ આરોપી તેના સગાના ઘરના છાપરા પરથી બીજા ઘરના છાપરા પર કૂદકો મારીના ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી તમામ દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા હતા, એમ અધિકારીએ કહ્યું હતું.