રાપર, ભચાઉ અને સામખિયાળી પટ્ટામાં ભૂગર્ભીય તણાવ વધ્યો: વૈજ્ઞાનિકો દ્વારા રિક્ટર સ્કેલ પર ૬ની તીવ્રતાના આંચકાની આશંકા
ભુજ: ગુજરાતના તાજેતરના ભૂકંપ જોખમ મૂલ્યાંકન અહેવાલમાં કચ્છ ઉપરાંત પૂર્વ કચ્છના વાગડ વિસ્તારને પણ 'અતિ જોખમી ક્ષેત્ર' (હાઈ-રિસ્ક ઝોન) તરીકે જાહેર કરવામાં આવ્યો છે. રાપર, ભચાઉ, સામખિયાળી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોને આવરી લેતો આ સમગ્ર વાગડ પટ્ટો જમીનની નીચે રહેલી એક્ટિવ ફોલ્ટ લાઈન્સ પર વસેલો હોવાથી ભૂસ્તરશાસ્ત્રીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ નજીક જ હતું, જેના કારણે આ વિસ્તારમાં અભૂતપૂર્વ તારાજી સર્જાઈ હતી. નવા વૈજ્ઞાનિક અભ્યાસ અનુસાર, વાગડની નીચે આવેલી 'દક્ષિણ વાગડ ફોલ્ટ' અને 'કચ્છ મેઈન ફોલ્ટ' હજુ પણ સક્રિય છે અને તેના કારણે ભૂગર્ભમાં સતત ઊર્જા તથા તણાવ જમા થઈ રહ્યો છે.
ભૂસ્તરશાસ્ત્રીય દ્રષ્ટિએ વાગડની જમીન મોટે ભાગે રેતાળ અને કાંપવાળી છે. આ પ્રકારની જમીન ભૂકંપના આંચકા વખતે સામાન્ય કરતાં વધુ ધ્રુજે છે અને કેટલીકવાર તે પ્રવાહી જેવું સ્વરૂપ ધારણ કરે છે, જેના કારણે મકાનોના પાયા ધસી પડે છે અને નુકસાનનું પ્રમાણ બેવડાઈ જાય છે.
૨૦૦૧ની હોનારત બાદ વાગડ પંથકમાં વ્યાપક ઔદ્યોગિકીકરણ થયું છે, જેમાં અનેક નવી વસાહતો, કારખાનાં અને પવનચક્કીના પ્રકલ્પો કાર્યરત થયા છે. પરંતુ, ખેદજનક બાબત એ છે કે આ પૈકીના મોટાભાગના બાંધકામોમાં ભૂકંપ પ્રતિરોધક નિયમોનું યોગ્ય પાલન થયું નથી. રાપર અને ભચાઉ જેવા શહેરી વિસ્તારોમાં આજે પણ અસંખ્ય જૂના જર્જરિત મકાનો અને નબળા બાંધકામવાળી ઈમારતો મોજૂદ છે, જે સંભવિત હોનારત વખતે મોટી જાનહાનિનું કારણ બની શકે છે.
સંશોધકો અને વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, વાગડ વિસ્તારમાં ભવિષ્યમાં રિક્ટર સ્કેલ પર ૬ની આસપાસની તીવ્રતાનો મોટો ભૂકંપ આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આ પટ્ટામાં અવારનવાર આવતા હળવા આંચકા એ બાબતનો મજબૂત સંકેત છે કે જમીનની નીચે પ્લેટોની હલચલ સતત ચાલુ છે. ભૌગોલિક સ્થિતિ ઉપરાંત વ્યૂહાત્મક રીતે પણ આ વિસ્તાર ખૂબ મહત્વનો છે. સામખિયાળીથી રાપર સુધીનો આખો પટ્ટો રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને મુખ્ય રેલવે લાઈનથી જોડાયેલો છે. જો અહીં કોઈ મોટી ભૂકંપ પ્રક્રિયા થાય, તો રાજ્યના પરિવહન, માલસામાનની હેરફેર અને આંતરરાજ્ય વેપારને ભારે મોટો ફટકો પડી શકે છે.
વાગડ વિસ્તારમાં હવે પછી થનારા તમામ ખાનગી અને સરકારી બાંધકામોમાં અર્થક્વેક રેઝિસ્ટન્ટ નિયમોનું પાલન કાયદાકીય રીતે ફરજિયાત કરવું તેમજ આ હાઈ રિસ્ક વિસ્તારની શાળાઓ, હોસ્પિટલો અને અન્ય જાહેર સરકારી કચેરીઓની મજબૂતીકરણની તાત્કાલિક વ્યાવસાયિક ચકાસણી થવી જોઈએ. સ્થાનિક વહીવટી તંત્રે નાગરિકોને ઇમરજન્સી કીટ વસાવવા, ઘરમાં સુરક્ષિત સ્થાનો નક્કી કરવા અને મોક ડ્રિલ યોજવા માટે પ્રોત્સાહિત કરવા પડશે તેમ નિષ્ણાતો જણાવી રહ્યા છે.
વાગડના પ્રજાજનો ૨૦૦૧ની એ કાળઝાળ થાપટને હજુ ભૂલ્યા નથી, ત્યારે વહીવટી સજ્જતા અને લોકજાગૃતિ જ ભવિષ્યના સંભવિત જોખમો સામે રક્ષણ આપી શકશે.
(ઉત્સવ વૈદ્ય)