Sun Sep 06 2026

Logo

કચ્છમાં ‘સ્ટેમ્પ’નો દુકાળ: લાઈસન્સ રિન્યૂ ન થતા કામકાજ ઠપ, અરજદારો મુકાયા મુશ્કેલીમાં

2026-04-17 14:09:00
Author: Mumbai samachar Team
કચ્છમાં ‘સ્ટેમ્પ’નો દુકાળ: લાઈસન્સ રિન્યૂ ન થતા કામકાજ ઠપ, અરજદારો મુકાયા મુશ્કેલીમાં

ભુજઃ સરહદી કચ્છ જિલ્લામાં કાનૂની અને સરકારી કામગીરી માટે અનિવાર્ય એવા સ્ટેમ્પ પેપર અને કોર્ટ ફી ટિકિટોનું વેચાણ છેલ્લા કેટલાક દિવસોથી બંધ થઈ જતાં વકીલો અને સામાન્ય પ્રજાજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. વહીવટી તંત્ર દ્વારા સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ રિન્યૂ કરવાની કામગીરી વિલંબમાં પડતા આ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

સામાન્ય રીતે, સ્ટેમ્પ વેન્ડરોના લાઈસન્સની મુદત નાણાકીય વર્ષના અંતે એટલે કે માર્ચ માસમાં પૂર્ણ થતી હોય છે. નવા વર્ષના એપ્રિલ માસના પ્રથમ સપ્તાહમાં જ મહેસૂલ તંત્ર દ્વારા આ પરવાના રિન્યૂ કરી આપવામાં આવતા હોય છે. જોકે, ચાલુ વર્ષે વહીવટી તંત્ર ચૂંટણી લક્ષી કામગીરીમાં વ્યસ્ત હોવાને કારણે આ રિન્યુઅલની પ્રક્રિયા બાકી રહી ગઈ છે. પરિણામે, જિલ્લાના મુખ્ય મથક ભુજ સહિત તમામ તાલુકાઓમાં સ્ટેમ્પનું અધિકૃત વિતરણ અટકી પડ્યું છે.સ્ટેમ્પના અભાવે કાનૂની પ્રક્રિયાઓ પર માઠી અસર પડી રહી છે. બજારમાં રૂ.૩ની સામાન્ય ટિકિટો પણ મળતી બંધ થઈ છે, જેના કારણે કોર્ટની મુદત અરજીઓ અને જામીન અરજીઓ અટવાઈ છે,કોર્ટ સિક્યુરિટી ડિપોઝિટ અને સત્તાવાર રજૂઆતો થઈ શકતી નથી, સામાન્ય જનતાના રાશનકાર્ડ, વિવિધ સરકારી દાખલાઓ અને શૈક્ષણિક યોજનાઓના ફોર્મ ભરવાની કામગીરી ઠપ થઈ ગઈ છે.

આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ ભુજ બાર એસોસીએશને કચ્છ કલેક્ટરને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી છે. એસોસીએશને માગ કરી છે કે, જિલ્લાના તમામ અધિકારીઓને તાકીદ કરી વેન્ડરોના લાયસન્સ રિન્યૂ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે જેથી કાનૂની અને જાહેર હિતના કામો ફરી શરૂ થઈ શકે.

આ રજૂઆતમાં ભુજ બાર એસોસીએશનના પ્રમુખ સચિન મહેન્દ્રભાઈ ગોર, મંત્રી મલ્હાર દર્શક બૂચ, ઉપપ્રમુખ કાનજી ધુવા, જોઇન્ટ સેક્રેટરી મેહુલ ગોસ્વામી અને પ્રફુલ ઠક્કર સહિતના પ્રતિનિધિઓ જોડાયા હતા.

(ઉત્સવ વૈદ્ય)