Fri Jul 24 2026

Logo

કચ્છના ઉદ્યોગોને બચાવવા ગાંધીધામ ચેમ્બરની નાણામંત્રીને રાહત પેકેજ અને મોરેટોરિયમની માંગ

2026-04-09 20:19:58
Author: Pooja Shah
Article Image

ભુજઃ પશ્ચિમ એશિયાના યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે સર્જાયેલા પેટ્રોલિયમ સંકટની સીધી અસર હવે કચ્છના વ્યાપાર-ઉદ્યોગ જગત પર વર્તાઈ રહી છે. આ પડકારજનક સ્થિતિમાં કચ્છના અર્થતંત્રને ટેકો આપવા માટે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનને એક પત્ર લખીને શિપિંગ, ટ્રાન્સપોર્ટ તેમજ લઘુ અને મધ્યમ ઉદ્યોગો ક્ષેત્ર માટે તાત્કાલિક રાહત પેકેજની માંગ કરવામાં આવી છે.

ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજા કાનગડે નાણા પ્રધાન  કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, કાચા તેલના ભાવમાં અચાનક થયેલા તીવ્ર વધારાને કારણે ભારત જેવા આયાત નિર્ભર દેશ પર આર્થિક બોજ વધ્યો છે. ખાસ કરીને કચ્છ જિલ્લો, જે બંદરો, લોજિસ્ટિક્સ, મીઠું, સ્ટીલ અને સિમેન્ટ જેવા ઉદ્યોગોનું હબ છે, ત્યાં વ્યાપારી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર મંદી જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને થાળે પાડવા માટે ચેમ્બરે છ મહિનાના મોરેટોરિયમ એટલે કે દેવા મોકૂફી અને વિશેષ આર્થિક સહાયની અપીલ કરી છે.

ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, શિપિંગ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર હાલ સૌથી વધુ સંવેદનશીલ સ્થિતિમાં છે. જો સરકાર દ્વારા વ્યાજમાં રાહત અને સીધી નાણાકીય સહાય જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં નહીં આવે, તો અનેક લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બનશે. આ રાહતો બજારમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા અને અર્થતંત્રને સ્થિરતા આપવા માટે અનિવાર્ય છે. આ ગંભીર સ્થિતિ અંગે માત્ર કેન્દ્ર જ નહીં, પરંતુ રાજ્ય સરકારનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. 

કેન્દ્ર સરકાર કચ્છના વ્યૂહાત્મક મહત્વ અને ઉદ્યોગોની વર્તમાન હાલતને સમજીને વહેલી તકે હકારાત્મક નિર્ણય લેશે, જેથી હજારો પરિવારોની રોજીરોટી સાથે જોડાયેલા આ ઉદ્યોગોને રક્ષણ મળી રહે તેવી ચેમ્બરના ખજાનચી કૈલેશ ગોરે આશા વ્યક્ત કરી હતી.