(અમારા પ્રતિનિધિ તરફથી)
અંજારઃ સરહદી કચ્છને ધ્રુજાવી રહેલી કડકડતી ઠંડી વચ્ચે હાઇપર એક્ટિવ થયેલા તસ્કરોએ તાજેતરમાં ગાંધીધામના કિડાણા ખાતેની મંગલ-તુલસી સોસાયટીમાં ત્રાટકીને એક સાથે પાંચ રહેણાંક મકાનોમાંથી કરેલી સામૂહિક ઘરફોડનો બનાવ હજુ તાજો જ છે તેવામાં અંજાર તાલુકાના ખંભરામાં તસ્કરોએ બે બંધ મકાનમાંથી રૂ.૭,૧૯ લાખની ચોરી કર્યાનો બનાવ બનતાં રહેવાસીઓ ફફડી ઉઠ્યા છે.
આ અંગે ખંભરાના શાંતિનગરમાં રહેતા અને સિલાઈ કામ કરતા વિરેન્દ્ર કાન્તિલાલ વેગડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત સોમવારે અમદાવાદ રહેતા તેમના ભાઈના ઘરે મકરસંક્રાંતિની ઉજવણી કરવા માટે સહપરિવાર ગયા હતા. આ દરમ્યાન ગુરુવારે તેમના ઘરના દરવાજા ખુલ્લાં પડ્યા હોવા અંગે તેમના પરિચિત વ્યક્તિએ જાણકારી આપતાં તેઓ તત્કાળ અમદાવાદથી પરત ઘરે દોડી આવ્યા હતા.
અહીં તપાસ કરતાં વેરવિખેર પડેલા સમાન વચ્ચે બેડરૂમમાં રહેલા લોકરમાંથી ૨.૧૫ લાખ રોકડાં રૂપિયા ઉપરાંત ૨.૫૨ લાખનું દોઢ તોલાનું સોનાનું મંગળસૂત્ર, એક તોલા સોનાની લગડી, સોનાની બે વીંટી, ચાંદીના ૬૦૦ ગ્રામના ચાર સિક્કા વગેરે મળી કુલ ૫ લાખ ૯૯ હજાર ૭૫૨ રૂપિયાની માલમતા ચોરાઈ હોવાનું ધ્યાને આવ્યું હતું.
આ ઉપરાંત તેમના ઘરની નજીક આવેલા કૌટુંબિક મામા ગજાનંદ ટાંકના મકાનમાંથી પણ તસ્કરોએ ૬૦ હજારની ૬ તોલા સોનાની ૪ ચેઈન, ૨૫ હજારની અઢી તોલો સોનાની બંગડી, ૧૦ હજાર કિંમતની ૧ તોલા સોનાની ત્રણ વીંટી, ૧૦ હજારની ૧ તોલા સોનાની પોંચી, ચાંદીના સાંકળા, પાંચ હજાર રોકડાં રૂપિયા મળી ૧.૨૦ લાખના મૂલ્યના ઘરેણાંની ચોરીને અંજામ આપીને બંને ઘરમાંથી કુલ ૭ લાખ ૧૯ હજાર ૭૫૨ રૂપિયાની માલમતા ચોરાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.