અનવર વલિયાણી
દીને ઈસ્લામની પાયાની કેટલીક દૃઢ માન્યતાઓ પૈકીની એક બુનિયાદી માન્યતા ‘આલમે બરઝખ’ના અસ્તિત્વ સંબંધી છે, જેનો સરળ ગુજરાતી ભાષામાં અર્થ- ‘મૃત્યુ પછી માનવીની રૂહ (આત્મા) એક પદાર્થહીન જગત તરફ પ્રયાણ કરી જાય છે...’
અરબી ભાષામાં કોઈપણ બે વસ્તુઓની વચ્ચે અંતર આણતી સીમાને ‘બરઝખ’ કહેવામાં આવે છે. આલોકના નાશવંત જીવન અને પરલોક (આખેરત)ની અનંત જિંદગી વચ્ચે મોત પછીનો મજકુર ગાળો સરહદ રેખા બની જાય છે. તેથી એને બરઝખ કહેવામાં આવે છે. એ દુનિયામાં હયાતીનું સ્વરૂપ એવું હોય છે કે, રૂહ પોતાના ભૌતિક (શારીરિક) બંધનોમાંથી મુક્ત થઈ જાય છે.
બરઝખની જિંદગીમાં ન તો ઝમાન અને મકાન કિંવા સમય તથા સ્થળ (ઝશળય ફક્ષમ જાફભય)ના બંધનો હોય છે, કે ન ઈન્સાની રૂહ અર્થાત્ માનવ આત્મા નિજી વાસનાઓની સીમામાં જકડાયેલ રહે છે. ત્યાં પોતાની શક્તિ મુજબ માનવીની નજર વિસ્તૃત બની જાય છે. આને એ રીતે સમજી લો કે, જે રીતે માણસ ખ્વાબ (સપના)માં પોતાને ઝમાન અને મકાનથી આઝાદ જુએ છે અને જ્યારે જે જગ્યાએ ઈચ્છે ત્યાં સફર કરી શકે છે તેવી જ હાલત આલમે બરઝખ (મૃત્યુ પછીના જીવન)માં રૂહની હોય છે.
પવિત્ર કુરાનમાં ફરમાવવામાં આવેલ છે, કે ‘અને એના મૃત્યુ બાદ આલમે - બરઝખ છે, જ્યાં ફરી કબરોમાંથી ઊભા કરવાના સમય સુધી રહેવું પડશે!’
એજ રીતે કુરાને કરીમમાં શહીદોની પરિસ્થિતિનું ચિત્ર પણ દોરવામાં આવેલ છે - ‘અને જે લોકોને રબની રાહમાં શહીદ કરવામાં આવ્યા છે, તેઓને કદી મુરદા નહીં સમજવા જોઈએ. બલકે એ લોકો જીવતા (જાગતા - મૌજુદ) છે અને પોતાના પરવરદિગારને ત્યાંથી (જાતજાતની) રોજી મેળવે છે.’
એજ પ્રમાણે કયામત અગાઉના જહન્નમીઓના સંકટ તરફ કુરાન મજીદ સંકેત કરતા કહે છે કે - ‘અને આ લોકોમાંના અમુક તો એવા છે કે જેઓ સાફ કહે છે કે મને તો પાછળ જ રહેવા દો અને બલામાં ના સંડોવો. (હે રસૂલ!) જાણી લો કે, આ લોકો પોતે જ બલામાં (ઉંધે મોઢે) ગબડી પડયા છે અને જહન્નમ તો ચોક્કસ કાફિર ઈન્કારીઓને ઘેરી રાખેલ જ છે.’
નેક (ભલા) લોકોની રૂહો, મોત પછી, ખુશી અને આનંદમાં ડુબેલી રહે છે. જેમ કે દુનિયામાંના સીમિત કફસ (કેદ)માંથી તેઓ આઝાદ થઈ ગયેલ હોય છે. આલોકના જીવનમાં એ આત્માઓ માદ્હ (પદાર્થ કે ખફિજ્ઞિ)ના એક અત્યંત કમજોર તત્ત્વની સાથે સંબંધિત રહેલ હતા, પરંતુ બરઝખમાં સાલેહીન (સદ્કર્મીઓ)ની રૂહોને સૈર કરવા માટે ન તો કોઈ સીમા હોય છે કે ન તેમને ઝમાન (સમય) કે મકાન (સ્થળ)ની જરૂર રહે છે અને એ રૂહોને માટે પોતપોતાના મર્તબા મુજબ નિશ્ર્ચિત દરજજાઓ હોય છે.
ખુદાવંદે કરીમના નિખાલસ બંદાઓની રૂહોને રોશન કરતી કુરાન મજીદની આયતો તથા ‘આલમે બરઝખ’ અંગેના કથનોને હજુ વિસ્તૃતપણે (ઈન્શાઅલ્લાહ) ફરી ક્યારેક જાણીશું - સમજીશું અને જીવન - મૃત્યુના લેખાં-જોખાંને અલ્લાહના હુકમોમાં બોધ હાંસલ કરીશું.
* * *
દુઆ કરે બેડો પાર
હઝરત/ઈમામ જાફર સાદિક રદ્યિલ્લાહો અન્હો ફરમાવે છે કે - ‘શું તમે જાણો છો કે લાંબી મુસીબતોને કઈ ચીજ ટૂંકી કરી નાખે છે?’
અરજ કરવામાં આવી કે - ‘નહીં.’
આપ હઝરતે ફરમાવ્યું કે- ‘જયારે તમારામાંથી કોઈને મુસીબતના સમયે દુઆ કરવાનું ઈલ્હામ (જ્ઞાન) થાય ત્યારે તમે સમજી લો કે મુસીબત ટૂંકી થઈ ગઈ.’
‘રબની રહેમત અને સજાના ઘણા પ્રકાર છે, જયારે તમારા પર બલા (આફત) આવે ત્યારે દુઆથી તેને પલટાવી દો. ખરેખર બલાને ફકત દુઆ જ પલટાવે છે’ - હઝરત અલી કર્રમલ્લાહુ વજહુ.
રસૂલે કરીમ હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલૈયહિ વસલ્લમ ફરમાવે છે કે - ‘બલાના દરવાજાને દુઆથી બંધ કરો.’ આપ હુઝૂર (સ.અ.વ.) ફરમાવો છો કે - ‘વારંવાર આવતી બલાને અસ્ત ગફીરૂલ્લાહ રબ્બીવાતુ બોયલેહિ (‘યા અલ્લાહ, હું મારા ગુનાહોની ક્ષમા યાચું છું, માફી માગું છું)’ પઢીને પલટાવો.’
આપ રસૂલ ખુદા ફરમાવો છો કે- ‘ખુશહાલીમાં અલ્લાહને યાદ કરો, જેથી સખતીમાં અલ્લાહ તમને યાદ રાખે.’
* * *
સાપ્તાહિક સંદેશ:
*સંગ્રહશીલ માણસ કયારેય લોકપ્રિય બનતા નથી.
*તૂટેલા તાર સંધાય છે, પણ ભાંગેલાં હૈયા સાંધી શકાતા નથી.