દેહરાદૂનઃ ઉત્તરાખંડના હિલ સ્ટેશન મસૂરીની એક પંચતારક હૉટેલમાં શનિવારે ભારતના સ્ટાર-ક્રિકેટર કુલદીપ યાદવ (Kuldeep Yadav) અને ફિયૉન્સી વંશિકા ચઢ્ઢાના થનારાં લગ્ન માટે શુક્રવારે યુઝવેન્દ્ર ચહલ સહિત ઘણા જાણીતા ખેલાડીઓ મસૂરી પહોંચી ગયા હતા અને ખાસ કરીને હલ્દી તથા મહેંદી (Mehndi) સેરેમનીમાં ભારતીય ખેલાડીઓનો જાણે મેળો જામ્યો હતો.
કુલદીપ-વંશિકા શનિવારે સાત ફેરા ફરશે અને એ પ્રસંગે અનેક ખેલાડીઓ ઉપસ્થિત હશે. જોકે અહેવાલ મળ્યા હતા કે ચહલ ઉપરાંત રિન્કુ સિંહ પણ મસૂરીની હૉટેલમાં પહોંચી ગયો છે. રિન્કુ સિંહ મંગેતર પ્રિયા સરોજ સાથે પહોંચી હતી. તેમના ઉપરાંત ભુવનેશ્વર કુમાર પણ પરિવાર સાથે કુલદીપના લગ્નમાં આવી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

હલ્દી-મહેંદી સેરેમની પ્રસંગે ટીમ ઇન્ડિયાના ફીલ્ડિંગ-કોચ ટી. દિલીપ પણ ખેલાડીઓ સાથે લગ્નના સ્થળે આવી પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
કુલદીપ-વંશિકાએ ગયા વર્ષે ચોથી જૂને સગાઈ કરી હતી. ત્યારે કુલદીપે નક્કી કર્યું હતું કે તે આંતરરાષ્ટ્રીય મૅચો રમવામાં વ્યસ્ત હશે એને લીધે 2026ની સાલમાં જ લગ્ન કરવા વિશે વિચારશે. 17મી માર્ચે લખનઊમાં કુલદીપ-વંશિકાનું રિસેપ્શન યોજાશે અને જે ખેલાડીઓ લગ્નમાં નહીં આવી શકે તેઓ કદાચ રિસેપ્શનમાં આવશે.