Sat May 09 2026

Logo

કેરળનું કોકડું કેમ ઉકેલાઈ રહ્યું નથી, સરકાર બનાવવા કોંગ્રેસમાં શા માટે છે ખેંચખેંચી?

2026-05-08 22:42:00
Author: Mumbai Samachar Team
Article Image

કોચીઃ કેરલમમાં કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધને મોટી જીત મળી છે,જોકે ત્રણ મુખ્ય નેતાઓમાં મુખ્ય પ્રધાન પદ અંગે જૂથવાદ અને મતભેદો ચાલુ છે. કે.સી. વેણુગોપાલ,રમેશ ચેન્નીથલા અને વી.ડી. સતીસનના સમર્થકોમાં તણાવ વધી ગયો છે, જેના કારણે પક્ષમાં આંતરિક અશાંતિ વધુ તીવ્ર બની છે.કેરલમમાં વિધાનસભાની ચૂંટણી બાદ સરકાર બનાવવા માટે કવાયત શરૂ થઈ છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુની જેમ કેરલમમાં પણ સંક્ટ એટલું જ ગંભીર છે. યુડીએફ-કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધને શાનદાર જીત મેળવી છે. 

સરકાર બનાવવાની પ્રક્રિયા જટિલ બની

કેરલમમાં સરકાર બનાવવા માટે જે પ્રક્રિયા છે એ સરળ દેખાતી નથી. પરિણામો જાહેર થયાના ચાર દિવસ પછી પણ,કેરળ માટે મુખ્યમંત્રી નક્કી થવાના બાકી છે.આ દરમિયાન,અહેવાલો એવું સૂચવે છે કે કે.સી. વેણુગોપાલ અને વી.ડી. સતીસનના સમર્થકો વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે.આ પરિણામે કેરળમાં મુખ્યમંત્રી પદ અંગે કોંગ્રેસ પક્ષમાં આંતરિક રાજકીય દાવપેચ પણ તીવ્ર બન્યા છે.કોંગ્રેસના ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી તરીકે જેમની પણ નિયુક્તિ કરાશે એ માટે ત્રણ મુદ્દાઓને ખાસ ધ્યાનમાં લેવાશે. કોંગ્રેસના ધારાસભ્યોનો મત, સાથી પક્ષનો મત અને પ્રજા વચ્ચે એ નેતાની લોકપ્રિયતા અને પક્ષમાં એનું કદ. 

હાઈકમાન્ડ લેશે નિર્ણય

મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ કે.સી. વેણુગોપાલનું નામ સૌથી આગળ છે. સૂત્રોમાંથી વિગત એવી પણ મળી છે કે, હાઈકમાન્ડ ત્રણેય નેતાઓ સાથે વ્યક્તિગત વાતચીત કરીને સહમતીથી નિર્ણય લઈ શકે છે. સહમતી બનાવવા માટે પણ પ્રયાસ કરવામાં આવશે. જો નેતાઓની સહમતી હશે તો મુખ્યમંત્રી તરીકે જે તે વ્યક્તિનું નામ જાહેર કરી દેવામાં આવશે. જો સહમતી ન બની તો ત્રણેય નેતાઓને બુધવારે દિલ્લી બોલાવવામાં આવશે અને મહત્ત્વની બેઠક યોજાશે. કોંગ્રેસના સૂત્રો જણાવે છે કે, સાથી રાજકીય પક્ષોએ મુખ્યમંત્રી માટે પોતાનો મત અવશ્ય વ્યક્ત કર્યો છે પણ અંતિમ નિર્ણય હાઈકમાન્ડ લેશે.આ કારણે સમગ્ર કેરલમમાં સ્થિતિ રાજકીય દ્રષ્ટિએ ચિંતાજનક છે. 

શાંતિ રાખવા અપીલ

વી.ડી. સતીસનના સમર્થકોએ સચિવાલયની બહાર લગાવેલા કે.સી. વેણુગોપાલના પોસ્ટરો ફાડી નાખ્યા હતા. આ ઘટના બાદ, સતીસને તાત્કાલિક એક નિવેદન બહાર પાડીને પક્ષના કાર્યકરો અને સમર્થકોને જૂથવાદ અને શક્તિ પ્રદર્શનથી દૂર રહેવા અપીલ કરી હતી.શાંતિ રાખવા માટે અપીલ કરી હતી. વી.ડી.સતીસને જણાવ્યું હતું કે,કોંગ્રેસ અને યુડીએફએ 102 બેઠકો જીતીને તેમના ઇતિહાસમાં સૌથી મોટી જીત મેળવી છે. કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતાની પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે અને એઆઈસીસી હવે બીજા તબક્કા સાથે આગળ વધી રહી છે.આ આપણા માટે આનંદ અને ગર્વની ક્ષણ છે.એવું કંઈ ન કરવું જોઈએ જે પક્ષ અને બીજા માટે મુશ્કેલી ઊભી કરી શકે.

દાવાઓ વચ્ચે ચિત્ર અસ્પષ્ટ

કાર્યકરોને દેખાવો, ફ્લેક્સ બોર્ડ લગાવવા અને કોઈપણ પ્રકારની જૂથવાદી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી દૂર રહેવા અપીલ કરતા, તેમણે તમામ પક્ષના સભ્યોને સંયમ રાખવા અને પક્ષની એકતાને મજબૂત બનાવવા વિનંતી કરી.મુખ્યમંત્રીની રેસમાં કેરલમમાં કોંગ્રેસના મોટા નેતા કે.સી. વેણુગોપાલ, વીડી સતીશન અને રમેશ ચેન્નિથલાનું નામ ચર્ચામાં છે. ચેન્નિથલાની પક્ષમાં સારી એવી છાપ છે અને તે કેરલમના જાણીતા નેતા છે. શાંત નેતૃત્વ માટે એમનું નામ યોગ્ય છે. એવું સમર્થકોનું કહેવું છે. જ્યારે સતીશનના સમર્થકો કહે છે કે, ચૂંટણી દરમિયાન સૌથી વધારે જવાબદારી સતીશનની રહી છે. ગ્રાઉન્ડ લેવલ પર એમની પકડ સૌથી મજબૂત છે. વેણુગોપાલનની પ્રાયોરિટી સૌથી વધારે એટલા માટે છે કારણ કે, તેઓ પક્ષ અને હાઈકમાન્ડ બન્નેના સૌથી નજીકના વ્યક્તિ છે. રાહુલ ગાંધીના સૌથી નજીકના વ્યક્તિ એમને માનવામાં આવે છે