Fri May 08 2026

Logo

અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ એક મહિનામાં જાહેર કરવાની સરકારની જાહેરાત

2026-05-08 22:28:00
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ
: શહેરમાં ગત વર્ષે 12 જુન, 2025 ના રોજ AI171 એર ઈન્ડિયાનું પ્લેન અમદાવાદમાં ક્રેશ થયું હતું. અમદાવાદથી લંડન ગૈટવિક માટે નીકળેલી ફ્લાઈટ AI171 ઓપરેટ કરનારુ બોઈંગ 787-8 એરક્રાફ્ટ ટેકઓફ કર્યાના ગણતરીના સેકન્ડ્સમાં જ ક્રેશ થયું હતું, જેમાં 241 મુસાફરો અને ક્રુ મેમ્બર્સ સહિત કુલ 260 લોકો સવાર હતા. આ તમામના મોત નિપજ્યા હતા, જેમાં માત્ર એક મુસાફર બચી શક્યો હતો. આ અકસ્માતની તપાસ AAIB કરી રહ્યું છે, છેલ્લા એક વર્ષથી AAIB ના રિપોર્ટની કાગડોળે રાહ જોવામાં આવી રહી છે. જો કે આગામી 30 દિવસમાં જ આ ભયાનક દુર્ઘટના અંગેનો તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવશે.


  Click here for more details

 

આગામી એક મહિનામાં તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવશે તેવી મહત્વપૂર્ણ માહિતી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન રામમોહન નાયડુએ આપી હતી. ગાંધીનગરમાં યોજાયેલી એવિએશન સમિટ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર તપાસ પ્રક્રિયા પારદર્શિતાથી ચાલી રહી છે અને તેમાં આધુનિક AI ટેક્નોલોજીની પણ મદદ લેવામાં આવી રહી છે.  

આ મામલે કેન્દ્રીય એવિએશન પ્રધાનએ વધુમાં જણાવ્યું હતું કે, દુર્ઘટનાના કારણો શોધવા માટેની તપાસ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે. સરકાર આ મામલે અત્યંત ગંભીર છે અને પારદર્શક તપાસ પર ભાર મૂકી રહી છે.

આ પ્લેન ક્રેશ પાછળ ટેકનિકલ ખામી હતી કે માનવીય ભૂલ, તે જાણવા માટે ઘણી બધી એજન્સીઓ કામે લાગી છે. ખાસ કરીને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો હાલમાં આ કેસની ઝીણવટભરી તપાસ કરી રહ્યું છે. તમામ ડેટા અને બ્લેક બોક્સના વિશ્લેષણ બાદ સત્ય બહાર આવશે.

આ દુર્ઘટનાની તપાસમાં કોઈપણ દેશ સહભાગી બની શકે છે અને તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું છે કે સરકારનું મુખ્ય ધ્યાન સત્ય બહાર લાવવાનું અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે મજબૂત સિસ્ટમ ઉભી કરવાની દિશામાં છે. ક્રેશમાં પ્રભાવિત પરિવારોને યોગ્ય વળતર અને સહાય મળે તે માટે પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું છે.

દુર્ઘટનાનો ભોગ બનનારા પરિવારો દ્વારા એવિએશન કંપની સહયોગ ન આપતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ગંભીર બાબતે પ્રતિક્રિયા આપતા મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે મંત્રાલય દ્વારા સમગ્ર સ્થિતિનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ કંપની પોતાની જવાબદારીમાંથી છટકી શકશે નહીં. પીડિતોને યોગ્ય વળતર મળે તે માટે સરકાર મધ્યસ્થી કરી રહી છે. કંપનીઓ દ્વારા કરવામાં આવતી બેદરકારી કે અસહકાર સામે કડક પગલાં લેવાની ખાતરી પણ આપવામાં આવી છે, જેથી ન્યાય પ્રક્રિયામાં કોઈ અવરોધ ન આવે.