ચેન્નઈઃ ટીવીકેના પ્રમુખ વિજયની શપથવિધિ પર સસ્પેંસ વધી રહ્યું છે. અગાઉ એવા મેસેજ મળ્યા હતા કે, શનિવારે 11 વાગ્યે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે વિજય શપથ લેશે પણ હવે રાજકીય ખેલ બદલી ગયો છે. તમિલનાડુમાં સરકાર બનાવવા માટેનું સંકટ વધી રહ્યું છે. રાજ્યપાલે મૂકેલી શરત સામે વિજયે જે સમય માગ્યો હતો એમાં હવે સ્થિતિ અનપેક્ષિત સાબિત થઈ રહી છે. રાજ્યપાલ હજુ પણ બે પાર્ટીઓના સમર્થનપત્રની રાહ જોઈ રહ્યા છે. હવે ક્યારે શપથવિધિ થશે અને કોણ મુખ્યમંત્રી બનશે એ અંગે ફરી રહસ્ય ઊભું થઈ રહ્યું છે.
નાયબ મુખ્યમંત્રીનું પદ માગ્યુ
સૂત્રોમાંથી મળેલી વિગત અનુસાર VCK અને IUMLનો સમર્થનપત્ર રાજ્યપાલને મળ્યો નથી. વિગત એવી પણ મળી છે કે, VCKએ સમર્થન માટે નાયબ મુખ્યમંત્રીનું પદ માગ્યું છે. વિજયે રાજ્યપાલને 116 ધારાસભ્યના સમર્થનવાળો પત્ર આપ્યો હતો. આ સાથે એવું પણ કહ્યું હતું કે, અન્યના સહી વાળો પત્ર ટૂંક જ સમયમાં એમને સોંપી દેવામાં આવશે. હવે લોકભવન એ પત્રની રાહ જોઈ રહ્યા છે. આ પત્ર મળ્યા બાદ જ સરકાર બનાવવા માટેની પ્રક્રિયા આગળ વધશે. હવે શપથગ્રહણની તારીખ અને સમયની સત્તાવાર જાહેરાત થઈ શકી નથી. શુક્રવારે મોડી સાંજે રાજ્યના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું.
નવી લહેર શરૂ
રાજ્યપાલ હાઉસ ખાતે યોજાયેલી બેઠક બાદ વિજયે આ ઐતિહાસિક જવાબદારી સ્વીકારી હતી. એવા અહેવાલો હતા કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. વિજયના રાજકારણમાં પ્રવેશથી સિનેમાની દુનિયાથી અલગ એક નવી લહેર શરૂ થઈ છે. અભિનેતાથી રાજકારણી બનવાની તેમની સફરએ તમિલનાડુના રાજકીય પરિદૃશ્યને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. લોકો હવે વિકાસ, શિક્ષણ, આરોગ્યસંભાળ અને રોજગાર જેવા મુદ્દાઓ પર નવી આશાઓ બાંધી રહ્યા છે. આ જ કારણ છે કે તેમની રેલીઓમાં ભારે ભીડ જોવા મળી હતી, અને પહેલીવાર ચૂંટણી લડવા છતાં, પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું.તમિલનાડુ વિધાનસભામાં થયેલી આ જીતને સૌથી મોટી અને ઐતિહાસિક જીત માનવામાં આવે છે.