Fri May 08 2026

Logo

દિલ્હી પંજાબ સહિત 23 રાજ્યમાં શરૂ થશે SIR, આગામી અઠવાડિયામાં થશે જાહેરાત

2026-05-08 22:17:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હી: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે ભારતીય ચૂંટણી પંચ દેશના બાકી રહેલા રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. હવે દિલ્હી, પંજાબ અને ઉત્તરાખંડ સહિત દેશના 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીના વિશેષ સઘન પુનઃનિરીક્ષણનું કામ શરૂ કરી શકે છે.

ચૂંટણી બાદ મિશન મોડમાં આવ્યું ચૂંટણી પંચ

અગાઉ પંચ દ્વારા આ પ્રક્રિયા એપ્રિલ મહિનામાં જ શરૂ કરવાની તૈયારી હતી, પરંતુ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોની ચૂંટણી વ્યસ્તતાને કારણે તેને થોડો સમય પાછળ ઠેલવામાં આવી હતી. હવે ચૂંટણીઓ પત્યા બાદ પંચે 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR માટેની તૈયારીઓ તેજ કરી દીધી છે.

કયા રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો

આ યાદીમાં દિલ્હી, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ચંદીગઢ, દાદરા નગર હવેલી, દમણ અને દીવ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પંજાબ, સિક્કિમ, ત્રિપુરા, તેલંગાણા અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે 19 ફેબ્રુઆરી 2026 ના રોજ જ તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને જરૂરી તૈયારીઓ કરવા નિર્દેશ આપ્યા હતા. હાલમાં અસ્તિત્વમાં રહેલી મતદાર યાદીની મેપિંગ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે, જેથી SIR નું કામ સરળતાથી થઈ શકે.

અત્રે નોંધનીય છે કે, ચૂંટણી પંચ દ્વારા અત્યાર સુધીમાં બિહાર અને ઉત્તર પ્રદેશ સહિત 13 રાજ્યોમાં SIR ની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય નવા મતદારોના નામ ઉમેરવા, અવસાન પામેલા કે સ્થળાંતરિત થયેલા મતદારોના નામ દૂર કરવા અને ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર કરવાનો છે.  મહત્વની વાત એ છે કે, SIR પછી તૈયાર કરાયેલી નવી મતદાર યાદીઓના આધારે બિહાર સહિત છ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે.