Fri May 01 2026

Logo

કાવ્યા મારને પાકિસ્તાનના જે ક્રિકેટરને હરાજીમાં ખરીદ્યો તેણે હંમેશાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે...

2026-03-13 18:35:01
Author: Ajay Motiwala
Article Image

IPL 2026 sunrisers hyderabad


નવી દિલ્હીઃ પાકિસ્તાનના સ્પિનર અબ્રાર અહમદ (Abrar Ahmed)ને હરાજી મારફત ઇંગ્લૅન્ડની આગામી `ધ હન્ડ્રેડ' ટૂર્નામેન્ટ માટેની સનરાઇઝર્સ લીડ્સ ટીમમાં સામેલ કરાવનાર આ ટીમની માલિક કાવ્યા મારન તેમ જ સમગ્ર સનરાઇઝર્સ (Sunrisers) ફ્રૅન્ચાઇઝી ટીકાકારોના રડારમાં આવી ગયાં છે ત્યારે અગાઉના વીડિયો અને ફોટો વાઇરલ થઈ રહ્યા છે જેના પરથી જણાય છે કે અબ્રાર અહમદ એક નંબરનો ભારત-વિરોધી ખેલાડી છે.

સન ગ્રૂપની માલિકીના સનરાઇઝર્સ લીડ્સ ફ્રૅન્ચાઇઝીએ જુલાઈમાં રમાનારી 100-100 બૉલ મૅચવાળી `ધ હન્ડ્રેડ' ટૂર્નામેન્ટ માટે લંડનમાં ગુરુવાર, 12મી માર્ચે થયેલી હરાજીમાં અબ્રાર અહમદને 1.90 લાખ પાઉન્ડ (લગભગ 2.34 કરોડ રૂપિયા)માં ખરીદ્યો હતો.

સન ગ્રૂપ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદની પણ માલિકી ધરાવે છે. સનરાઇઝર્સના ફૅન્સ `ઑરેન્જ આર્મી'એ આ નિર્ણય પર જોરદાર વિરોધ નોંધાવ્યો છે. તેમણે સનરાઇઝર્સ ફ્રૅન્ચાઇઝીની ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસર (સીઇઓ) કાવ્યા મારન પર પણ ટીકાના તીર છોડ્યા છે.

સનરાઇઝર્સના ગુસ્સે થયેલા ચાહકોનો સવાલ એ છે કે અબ્રાર અહમદ અગાઉ ભારત-વિરોધી નિવેદનો આપી ચૂક્યો છે અને તે સોશ્યલ મીડિયામાં પણ ભારતીય ક્રિકેટપ્રેમીઓના રડારમાં રહી ચૂક્યો છે. અબ્રારની એક જૂની પોસ્ટ વાઇરલ થઈ છે જેમાં 2019માં પુલવામાની આતંકી ઘટના બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે હવાઈ ક્ષેત્રે ચકમક થઈ હતી ત્યારે અબ્રારે `ફૅન્ટાસ્ટિક ટી'ની પોસ્ટ સાથે ભારતની મજાક ઉડાવી હતી. 2025માં ભારત-પાકિસ્તાનના સંરક્ષણ વિભાગ વચ્ચે જે તંગદિલી હતી ત્યારે પણ અબ્રાર અહમદની અમુક પોસ્ટ બાબતમાં ભારતીય યુઝર્સે તીખી પ્રતિક્રિયા આપી હતી.

અબ્રારને ત્યારે એક પાકિસ્તાની યુટ્યૂબ ચૅનલ પરના ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે `તમે કયા ઇન્ટરનૅશનલ ક્રિકેટર સાથે બૉક્સિંગ રિંગમાં ઉતરવાનું પસંદ કરશો?' અબ્રારે જવાબમાં ભૂતપૂર્વ આક્રમક ઓપનિંગ બૅટ્સમૅન શિખર ધવનનું નામ આપ્યું હતું. બીજી રીતે કહીએ તો અબ્રારે ત્યારે શિખરને પડકાર્યો હતો. કેટલાકે એ વાતને મજાક ગણાવી હતી, પરંતુ અનેક ભારતીય ફૅન્સે એને બિનજરૂરી ટિપ્પણી તરીકે ઓળખાવી હતી.