Mon Aug 31 2026

Logo

કવાંટનો ગેર મેળો હવે ટપાલ ટિકિટ પર: ભૂપેન્દ્ર પટેલે વિશેષ આવરણનું વિમોચન કર્યું

2026-03-05 16:06:50
Author: Devayat Khatana
કવાંટનો ગેર મેળો હવે ટપાલ ટિકિટ પર: ભૂપેન્દ્ર પટેલે વિશેષ આવરણનું વિમોચન કર્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર:
જિલ્લાના કવાંટ ખાતે આદિવાસી જીવનના પરંપરાગત પહેરવેશ અને આભૂષણ વારસાની અભિવ્યક્તિ કરાવતાં ગેર મેળાની સાંસ્કૃતિક મહત્તાને માન આપી ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મેળા પર આધારિત ટપાલ ટિકિટ અને વિશેષ આવરણ જારી કર્યું હતું. 

ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવએ આ ટપાલ ટિકિટ અને વિશેષ આવરણની પ્રથમ પ્રતિ મુખ્ય પ્રધાનને ભેટ કરી હતી. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ રાજ્યની આદિવાસી સંસ્કૃતિ, કલા અને પરંપરાઓના સંરક્ષણ અને તેને આવનારી પેઢી સુધી પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. 

‘કવાંટ ગેર મેળો’ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ પ્રકૃતિ સાથેના સામંજસ્ય, સામાજિક સમરસતા અને પેઢીઓથી ચાલતી આવતી પરંપરાઓનું જીવંત પ્રતિક છે. તે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને આદિવાસી જનજીવનની ઉન્નત અભિવ્યક્તિ છે. 

ઉલ્લેખનીય છે કે હોળી પર્વ બાદ યોજાતો આ ભવ્ય મેળો રાઠવા આદિવાસી સમુદાયના રિવાજો, માન્યતાઓ અને સાંસ્કૃતિક પરંપરાઓનું અનોખું પ્રતિબિંબ છે. ઢોલ-નગારાના તાલબદ્ધ નાદ, ગેર નૃત્યની ઊર્જાસભર રજૂઆતો, પરંપરાગત વાદ્યો, રંગબેરંગી વેશભૂષા અને શરીર પર આલેખાયેલી કલાત્મક આકૃતિઓ આ ઉત્સવની વિશેષતાઓ છે.

વધુ જુઓ...