દુબઈઃ ભારતમાં રમાઈ ગયેલા ટી-20 વર્લ્ડ કપ બાદ સ્વદેશ પાછા જવા માગતા વિદેશી ખેલાડીઓએ મધ્ય-પૂર્વના મહાયુદ્ધને કારણે ઘણા દિવસ સુધી ભારતમાં રોકાઈ જવું પડ્યું, પરંતુ તેમને પાછા મોકલવા સંબંધમાં આઇસીસીએ જે ટ્રાવેલ પ્લાન નક્કી કર્યા હતા એની ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉને તાજેતરમાં જે ટીકા કરી હતી એને આઇસીસી ચૅરમૅન જય શાહે ખુલાસા સાથે ખોટી પાડી દીધી છે.
વેસ્ટ ઇન્ડિઝ તેમ જ સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડના ખેલાડીઓને ભારતથી સ્વદેશ પાછા જવામાં વિલંબ થયો હતો. યુદ્ધને કારણે વિવિધ દેશોના ઍર સ્પેસ બંધ હોવાને કારણે છેક ગુરુવાર, 12મી માર્ચે સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓનું આખરી જૂથ ભારતથી પરત જઈ શક્યું હતું.
માઇકલ વૉને તાજેતરમાં આક્ષેપ કર્યો હતો કે આઇસીસીએ વિદેશી ખેલાડીઓને પાછા મોકલવાની બાબતમાં સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓની તુલનામાં ઇંગ્લૅન્ડની તરફેણ કરી હતી, કારણકે ઇંગ્લૅન્ડના પ્લેયર્સ પાંચમી માર્ચની સેમિ ફાઇનલ બાદ તરત જ ભારતથી પાછા જઈ શક્યા હતા.
જોકે આઇસીસીના ચૅરમૅન જય શાહે સ્પષ્ટતા સાથે માઇકલ વૉનને ખોટો સાબિત કર્યો છે. જય શાહના નેતૃત્વમાં આઇસીસીએ બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે `કોઈ ટીમના ખેલાડીઓને તેમની સલામતી તથા ફ્લાઇટ માટેના યોગ્ય રૂટ જેવા મુદ્દા સિવાયના કોઈ કારણસર પાછા મોકલવાની બાબતમાં નિર્ણય લેવાયો એવા મંતવ્યો પાયા વગરના છે. વિવિધ મીડિયા પ્લૅટફૉર્મ પરથી કેટલાક લોકો પરિસ્થિતિને બરાબર જાણ્યા વગર જે વાતો કરી રહ્યા છે એ ખોટી અને ગેરમાર્ગે દોરનારી છે. અગાઉ ઇંગ્લૅન્ડના ખેલાડીઓને પાછા મોકલવા વિશે અને પછીથી સાઉથ આફ્રિકા તથા વેસ્ટ ઇન્ડિઝના પ્લેયર્સને પરત મોકલવા બાબતમાં જે વ્યવસ્થાઓ કરવામાં આવી એ વચ્ચે કોઈ સંબંધ જ નથી. પરિસ્થિતિ, સંજોગો, હવાઈ રૂટના વિકલ્પો તેમ જ મુસાફરીને લગતી વિવિધ સ્થિતિને આધારે આઇસીસીએ નિર્ણયો લીધા હતા.'